ભારત અને હોંગકોંગની મેચ બાદ મેદાનમાં ભારતમાં જન્મેલા ક્રિકેટરે તેની પ્રેમિકાને મેદાનમાં જ ઘૂંટણીએ બેસીને કર્યું પ્રપોઝ, તસવીરોએ દિલ જીત્યા

એશિયા કપ 2022માં ભારતીય ટીમ પોતાની બંને લીગ મેચો જીતીને સુપર ફોરમાં પહોંચી ગઈ છે. પાકિસ્તાનને હરાવ્યા બાદ ભારતનો મુકાબલો હોંગકોંગ સામે હતો અને ભારતે 40 રનથી મેચ જીતી લીધી હતી. નબળી ગણાતી હોંગકોંગની ટીમે આ મેચમાં ઘણું સારું પ્રદર્શન કર્યું અને અંત સુધી લડત આપવાનો પ્રયાસ કર્યો.

હોંગકોંગની ટીમ ભલે આ મેચ જીતી ન શકી હોય પરંતુ ટીમના વાઈસ કેપ્ટન કિંચિત શાહે બધાના દિલ જીતી લીધા હતા. શાહે મેચ બાદ સ્ટેડિયમમાં તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું અને તેનો પ્રસ્તાવ સ્વીકારી લેવામાં આવ્યો. હવે કિંચિતનો પ્રપોઝ કરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

મેચ પુરી થયા બાદ કિંચિત દર્શકોની વચ્ચે પહોંચી ગયો. તેણે હજુ પણ ટીમની જર્સી પહેરી હતી. કોઈ કંઈ સમજે તે પહેલા તે એક છોકરી પાસે ગયો અને તેને ઘૂંટણિયે બેસીને પ્રપોઝ કર્યું. સફેદ ડ્રેસમાં જોવા મળેલી યુવતી ઘણી ખુશ દેખાતી હતી અને તેણે પણ હા પાડી. આ પછી કિંચિતે તેને વીંટી પહેરાવી. આ જોઈને હોંગકોંગની ટીમે ખૂબ તાળીઓ પાડી.

કિંચિત શાહનો જન્મ મહારાષ્ટ્રના મુંબઈ શહેરમાં થયો હતો. તેના પિતા પણ ક્રિકેટ રમતા હતા. જો કે, તે માત્ર ત્રણ મહિનાનો હતો ત્યારે તેના પિતા હોંગકોંગ ગયા. આ પછી કિંચિત તેના પિતાને જોઈને ક્રિકેટ રમતા શીખ્યો. 10 વર્ષની ઉંમરથી તેણે લેધર બોલથી રમવાનું શરૂ કર્યું. મિડલ ઓર્ડર બેટ્સમેન હોવા ઉપરાંત તે એક સ્પિન બોલર પણ છે.

આ સિવાય જરૂર પડ્યે તે વિકેટકીપિંગ પણ કરી શકે છે. ભારત સામેની મેચમાં કિંચિતે 28 બોલમાં 30 રન બનાવ્યા હતા. તેની ઇનિંગ્સમાં એક સિક્સર અને બે ફોરનો સમાવેશ થાય છે. આ મેચમાં તે પોતાની ટીમ માટે બાબર હયાત પછી બીજા નંબરનો સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો.

Niraj Patel