યુક્રેન અને રશિયાના યુદ્ધ વચ્ચે રસ્તા ઉપર આવ્યા યુક્રેનના રાષ્ટ્રપતિ, સોશિયલ મીડિયામાં વીડિયો શેર કરીને કહ્યું.. “હું ભાગ્યો નથી…”

રશિયન હુમલાઓ અને રાજધાની કિવની ઘેરાબંધી પછી પણ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી દેશમાં જ છે. તેમણે એક વીડિયો દ્વારા આ વાતની પુષ્ટિ કરી છે. આ વીડિયો શુક્રવારની રાત્રે ઝેલેન્સકીએ પોતે જાહેર કર્યો છે. વીડિયોમાં રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું, “અમે અહીં છીએ. અમે કિવમાં છીએ. અમે યુક્રેનની સુરક્ષા કરી રહ્યા છીએ.”

અગાઉ અન્ય એક વીડિયોમાં તેમણે કહ્યું, “હું યુક્રેનમાં છું. મારો પરિવાર યુક્રેનમાં છે. મારા બાળકો યુક્રેનમાં છે. તેઓ દેશદ્રોહી નથી તેઓ યુક્રેનના નાગરિક છે.અમને એવી માહિતી મળી છે કે હું દુશ્મન (રશિયા)ના પહેલા નિશાના પર છું અને મારો પરિવાર બીજા નિશાના પર છે. તે યુક્રેનને રશિયન હુમલાથી બચાવવા માટે સતત સમર્થન મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

યુક્રેન સંકટ વચ્ચે તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે પણ વાત કરી છે. જો બિડેન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી વચ્ચે પ્રતિબંધો અને સંરક્ષણ સહાય પર વાતચીત થઈ છે. વ્હાઇટ હાઉસે વાતચીતની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે તે લગભગ 30 મિનિટ ચાલી હતી. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી કહે છે કે “નક્કર સંરક્ષણ સહાય અને યુએસ પ્રમુખ જો બિડેન સાથે યુદ્ધ વિરોધી જોડાણ” પર ચર્ચા કરવામાં આવી હતી.

આ સિવાય યુક્રેન અને રશિયા વાતચીત માટે સ્થળ અને સમય અંગે ચર્ચા કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સકીના પ્રવક્તાએ કહ્યું કે યુક્રેન “સંઘર્ષ વિરામ અને શાંતિ વિશે વાત કરવા માટે તૈયાર છે.” ન્યૂઝ એજન્સી રોયટર્સે આ જાણકારી આપી છે. જો કે, રશિયા ક્યાંયથી પીછેહઠના સંકેતો દેખાતું નથી. રશિયાએ શુક્રવારે પણ હુમલો કરવાનું ચાલુ રાખ્યું હતું. આ હુમલો યુક્રેનની રાજધાની પર કેન્દ્રિત છે. રશિયન હુમલામાં સોથી વધુ લોકો માર્યા ગયા છે.

Niraj Patel