ખજુરભાઇ બાદ તેમના ટીમ મેમ્બર બંધાયા સગાઇના બંધનમાં, શેર કરી તસવીરો- જુઓ
ગુજરાતના સોનુ સૂદ તરીકે ઓળખાતા અને ગુજરાતના લોકો માટે મસીહા બની ચૂકેલા ખજુરભાઈ એટલે કે નીતિન જાનીને આજે કોઇ ઓળખની જરૂર નથી. તેમણે ભલે તેમના કરિયરની શરૂઆત કોમેડી વીડિયો દ્વારા કરી હોય પણ તેઓ તેમના સેવાકીય કાર્યો માટે ગુજરાતમાં ખૂબ જ પ્રસિદ્ધ છે.
ખજુરભાઇ ઉર્ફે નીતિન જાનીએ 8 નવેમ્બરના રોજ મીનાક્ષી દવે સાથે સગાઇ કરી હતી અને તે બાદ ત્રણેક મહિના પછી તેઓ લગ્નના બંધનમાં બંધાયા. ત્યારે હાલમાં ખજુરભાઇના એક ટીમ મેમ્બરે સગાઇ કરી છે, જેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર સામે આવી છે. દેવલ મકવાણાએ કોમલ નામની યુવતિ સાથે સગાઇ કરી છે જેની તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
આ તસવીરોમાં નીતિન જાની, મીનાક્ષી દવે, તરુણ જાની અને મહેશ દાદા પણ જોવા મળી રહ્યા છે. સગાઇમાં નીતિન જાનીએ તેમની પત્ની મીનાક્ષી સાથે હાજરી આપી હતી. જે તસવીરો દેવલ મકવાણા દ્વારા શેર કરવામાં આવી છે તેમાં તે સૂટ-બુટમાં અને તેની થવાવાળી પત્ની કોમલ લહેંગા ચોલીમાં જોવા મળી રહી છે. જ્યારે નીતિન જાની કુર્તામાં તો મીનાક્ષી દવે સાડીમાં જોવા મળી રહ્યા છે.
નીતિન જાનીની વાત કરીએ તો, તેઓ આખા ગુજરાતમાં લોકપ્રિય છે, તેમણે ઘણા લોકોને રહેવા માટે પાક્કા મકાન બનાવી આપ્યા છે. નીતિન જાનીએ સોશિયલ મીડિયામાં પોતાના કોમેડી વીડિયો પોસ્ટ કરી અને ગુજરાતીઓને પેટ પકડીને હસાવ્યા હતા અને તેઓ છેલ્લા ઘણા સમયથી સમાજ સેવામાં સતત એક્ટિવ છે.
તૌકતે વાવાઝોડા સમયે નીતિન જાનીએ ઘણા લોકોને ખુબ જ મદદ કરી હતી અને તેમની મદદનો પ્રવાહ આજે પણ વહી રહ્યો છે. નીતિન જાની સેવાકીય કાર્યોની સાથે સાથે તેમના અંગત જીવનને લઇને પણ ખૂબ ચર્ચામાં રહેતા હોય છે. થોડા સમય પહેલા જ તેઓ તેમની મંગેતર મીનાક્ષી દવે સાથે લગ્નના બંધનમાં બંધાયા હતા. ઘણીવાર તેમની અને મીનાક્ષીની તસવીરો સામે આવતી રહે છે.
ત્યારે થોડા સમય પહેલા મીનાક્ષી દવેએ ખજુરભાઇ સાથેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં મીનાક્ષી સાડીમાં ખૂબ સુંદર લાગી રહી હતી અને નીતિન જાની કુર્તા-પાયજામામાં હેન્ડસમ લાગી રહ્યા હતા. મોટુ નામ હોવા છત્તાં પણ નીતિન જાનીએ કોઇ સેલિબ્રિટીની જેમ નહિ પણ સાદગીથી લગ્ન કર્યા હતા.
જણાવી દઈએ કે નીતિન જાની અને મીનાક્ષી દવેના લવ મેરેજ નથી પરંતુ અરેન્જ મેરેજ છે. જેના વિશે મીનાક્ષી દવેએ એક ઇન્ટરવ્યૂમાં વાત કરી હતી. મંદિરમાં નીતિન જાની અને મીનાક્ષીના પરિવારની મુલાકાત દર્શન દરમિયાન થઇ હતી અને ત્યાં જ નીતિનભાઈની માતાને મીનાક્ષી ખુબ જ પસંદ આવી અને લગ્ન માટે માંગુ નાખ્યું હતું.