મોટાભાગના ઘરોમાં બધાને સ્નેક્સ ખાવાની આદત હોય છે. ઘરમાં બાળકો પણ વારંવાર સ્નેક્સની માંગણી કરતા હોય છે ત્યારે ગૃહિણીઓનો સૌથી મોટો પ્રશ્ન હોય છે કે સ્નેક્સમાં શું બનાવવું? જે પૌષ્ટિક પણ હોય અને સ્વાદિષ્ટ પણ. તો આજે અમે તમને એવી જ એક સરસ મઝાની રેસિપી જણાવીશું. જેને “કબાબ-એ-કેલા” કહેવામાં આવે છે. તેને કાચા કેળામાંથી બનાવવામાં આવે છે. આ સ્નેક્સ ઉપવાસમાં પણ ખાઈ શકાય છે. અને આ સ્નેક્સ બનાવવામાં 15થી 30 મિનિટનો જ સમય લાગે છે. ચાલો જોઈએ એકદમ સરળ રેસિપી.
કાચા કેળાના કબાબ બનાવવાની સામગ્રી:
- 6 કાચા કેળા
- 2 ટેબલસ્પૂન કોર્ન ફ્લોર
- 4 લીલા મરચા (બારીક કાપેલા)
- 1 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર
- 1/2 ટેબલ સ્પૂન હળદર પાઉડર
- 1/2 ટેબલ સ્પૂન ધાણા પાવડર
- 1/2 ટેબલ સ્પૂન ગરમ મસાલો
- 1/2 કાળા મરી
- 1 ટેબલ સ્પૂન લીંબુનો રસ
- 1/2 ટેબલ સ્પૂન તલ
- મીઠું સ્વાદ અનુસાર (ઉપવાસ માટે સિંધવ મીઠું વાપરી શકો)
- તળવા માટે તેલ
- ઝીણા કાપેલા ધાણા
કાચા કેળાના કબાબ બનાવવાની રીત:
- કાચા કેળાની કબાબ બનાવવા માટે સૌથી પહેલા મીડીયમ આંચ ઉપર એક પેનની અંદર પાણી ગરમ કરવા રાખી દેવું.
- પાણી ગરમ થતા જ તેમાં કાચા કેળા નાખીને ઉકાળી લેવા.
- કેળા મુલાયમ થતા સુધી તેને ઉકાળવા.
- જયારે કેળા ઉકળી જાય ત્યારે તેને પાણીમાંથી કાઢીને ઠંડા કરી લેવા.
- કેળા ઠંડા થયા બાદ તેના છોતરા કાઢીને ગુંદી લેવા.
- એક બાઉલની અંદર કેળાની સાથે લાલ મરચું, કોર્ન ફ્લોર, લીબુનો રસ, હળદર, ધાણા પાવડર અને ગરમ મસાલો નાખીને સારી રીતે ભેળવી લેવું.
- હવે આ મિશ્રણમાંથી નાના નાના ગુલ્લાં બનાવીને હાથથી દબાવી ટિક્કી જેવો આકાર આપી દેવો.
- મીડીયમ આંચ ઉપર એક કઢાઈમાં તેલ ગરમ કરવા માટે રાખી દેવું.
- તેલ ગરમ થઈ ગયા બાદ બનાવેલી ટિક્કી ને તળવા માટે મૂકી દેવી.
- ટિક્કીને સોનરી થતા સુધી બન્ને તરફથી બરાબર તળવી.
- ત્યારબાદ ટીસ્યુ પેપેરમાં તેને બહાર કાઢી લેવા.
- તૈયાર છે તમારા કેળાના કબાબ.
- હવે તેને તમે સોસ અથવા ચટણી સાથે ગરમ ગરમ જ ખાઈ શકો છો.
- જો તમારે આ કબાબ ઉપવાસમાં ખાવાના હોય તો તમે તેમાં સિંધવ મીઠું નાખી શકો છો.
- આ ઉપરાંત જે વસ્તુઓ વ્રતમાં કામ ના લાગે તેના બદલે જે વસ્તુ વ્રતમાં ખાઈ શકાય તેનો પ્રયોગ કરી શકો છો.
આ રેસિપી તમને કેવી લાગી, કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જેના કારણે આવી જ સ્વાદ સભર રેસિપી અમે તમારા માટે લાવતા રહીએ.