શું તમે પણ “કહેવતલાલ પરિવાર” ફિલ્મ જોવા જવાનું વિચારો છો ? ફિલ્મ જોવા જાવ એ પેહલા આ રીવ્યુ જરૂર વાંચજો

છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતી સિનેમામાં એવી એવી ફિલ્મો આવવા લાગી છે કે જે દર્શકોને પણ ખુબ જ પસંદ આવી રહી છે. ત્યારે હાલમાં જ એક એવી ફિલ્મ રિલીઝ થઇ જે રિલીઝ થવાની સાથે જ બોક્સ ઓફિસ ઉપર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ છે ગુજરાતી સિનેમા અને રંગમંચના દિગ્ગજ કલાકાર સિદ્ધાર્થ રાંદેરિયાની “કહેવતલાલ પરિવાર”.

“કહેવતલાલ પરિવાર” ફિલ્મમાં સ્ટારકાસ્ટની પણ ભરમાર છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ રાંદેરિયા (રાજુભાઈ) ઉપરાંત ભવ્ય ગાંધી (હિમેશ), વંદના પાઠક (ભદ્રા), સુપ્રિયા પાઠક (કાલિન્દી), સંજય ગોરડિયા (સામુભાઈ), શ્રદ્ધા ડાંગર (હેતા) જેવા ખ્યાતનામ કલાકારો છે. આ ફિલ્મનું નિર્માણ કોકોનટ મોશન પિક્ચર દ્વારા કરવામાં આવ્યું છે, જેને પ્રોડ્યુસ રશ્મિન મજેઠીયાએ કરી છે અને તેનું દિગ્દર્શન વિપુલ મહેતાએ કર્યું છે.

ફિલ્મની કહાની:
આ ફિલ્મની કહાની અમદાવાદની પોળમાંથી શરૂ થાય છે. જ્યાં રાજુભાઈ ઠાકર તેમના પરિવાર સાથે રહેતા હોય છે. તેમના પરિવારમાં તેમની સાથે બહેન ભદ્રા, દીકરો હિમેશ અને દીકરી હેતા છે. રાજુભાઈ ઢોકળાની લારી ચલાવી અને પરિવારનું ગુજરાન ચલાવે છે, તો દીકરા હિમેશના ઊંચા ઊંચા સપના છે, અને ગજબનો જુગાડુ છે, તેના આ જુગાડના કારણે તે ઘણીવાર મુસીબતો પણ ઉભી કરતો હોય છે. તો દીકરી હેતાને નવું નવું જમવાનું બનાવવાનો ખુબ જ શોખ છે પણ રાજુભાઈને ઘરમાં સીધું સાદું જમવાનું બને એજ પસંદ હોય છે.

રાજુભાઈના ઢોકળાના ધંધામાં તેમના સૌથી મોટા પ્રતિસ્પર્ધી તેમના કાકાના દીકરા સામુભાઈ હોય છે, જે નવી નવી તકનીક અપનાવીને રાજુભાઈ કરતા વધારે કમાણી કરે છે. આ બધામાં ટ્વીસ્ટ ત્યારે આવે છે જયારે 23 વર્ષ પહેલા મૃત્યુ પામેલી તેમની ધર્મ પત્ની કાલિન્દી પાછી આવે છે અને સાથે તે એક છોકરાને પણ લઈને આવે છે. પછી જામે છે આ ફિલ્મમાં જોરદાર ધમાલ. જેને જોવા માટે તમારે થિયેટર સુધી તો ચોક્કસ જવું પડશે.

પરંતુ એક વાત તમને ચોક્કસથી જણાવીશું કે આ ફિલ્મમાં સિદ્ધાર્થ રાંદેરિયા એટલે કે રાજુભાઈની જે કહેવતો કહેવાની આદત છે તે તમને હસાવી હસાવીને બઠ્ઠા જરૂર વાળી દેશે. ફિલ્મમાં થોડી થોડીવાર આવતી દરેક કહેવત સંવાદોને અનુરૂપ બેસે છે, સાથે જ તમને કુદરતી રીતે હસાવે છે. આ ફિલ્મમાં કોમેડી તો કુટી કુટીને ભરી છે, સાથે જ ઈમોશન પણ એવા એડ કર્યા છે કે કેટલીક ક્ષણોએ તમારી આંખો પણ ભીની થશે.

સંગીત અને ગીતો:
આ ફિલ્મનું સંગીત ઘણી બધી બોલીવુડ ફિલ્મો અને ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપી ચૂકેલા ખ્યાતનામ સિંગર સચિન જિગરે આપ્યું છે. તો આ ફિલ્મનું પહેલું ગીત “ઉઠો ઉઠો” જયારે રીલિઝ થયું ત્યારથી જ સોશિયલ મીડિયામાં છવાઈ ગયું હતું, તો અન્ય એક ગીત “હોળી આવી રે” પણ દર્શકોને ખુબ જ પસંદ આવી રહ્યું છે. તો આ ફિલ્મના એક ગીત “વહુરાણી”માં તમને ફાલ્ગુની પાઠકનો અવાજ પણ સાંભળવા મળશે. આ ગીત પણ દર્શકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મના ગીતો ભાર્ગવ પુરોહિત દ્વારા લખવામાં આવ્યા છે.

કોની સાથે જઈ શકાય આ ફિલ્મ જોવા ?
આ એવી ગુજરાતી ફિલ્મ છે જે તમે કોઈની પણ સાથે જઈને જોઈ શકો છો. કારણ કે આ એક સંપૂર્ણ પારિવારિક ફિલ્મ છે. તમારા ઘરમાં રહેલા વડીલોને પણ આ ફિલ્મ ખુબ જ પસંદ આવશે, કારણ કે આ ફિલ્મમાં ગુજરાતી સાહિત્યની અઢળક કહેવતોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જો તમે છેલ્લા ઘણા દિવસથી કામના ભારણ નીચે દબાઈ રહ્યા છો અને રિલેક્સ થવા માટે કોઈ ફિલ્મ જોવાનું ઈચ્છો છો તો “કહેવતલાલ પરિવાર” તમારા માટે સૌથી બેસ્ટ ફિલ્મ પુરવાર થશે.

આ ઉપરાંત “કહેવતલાલ પરિવાર” ફિલ્મના “હોળી આવી રે..” ગીતમાં આ ફિલ્મના કલાકારો ઉપરાંત બૉલીવુડ અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા બધા કલાકારોએ પણ પર્ફોમન્સ કરેલું જોવા મળી રહ્યું છે. એક સાથે 12-13 કલાકારોને એક સાથે એક જ ગીતમાં લઇ આવતું આ પહેલું ગુજરાતી સિનેમાનું ગીત છે. આ ગીતમાં ફિલ્મના કલાકારો ઉપરાંત પ્રતીક ગાંધી, વ્યોમા નંદી, એસા કંસારા, પાર્થ ઓઝા પણ જોવા મળી રહ્યા છે. આ ગીતમાં સ્વર આપ્યો છે દિવ્યા કુમાર, ભૂમિ ત્રિવેદી, મધુબંતી બાગચી, તનિષ્કા સંઘવી અને હરિૐ ગઢવીએ. જેન દર્શકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવ્યું હતું.

અત્યારે જ્યારે મોટા ભાગની ફિલ્મો એડલ્ટ હોય છે ત્યાં જ “કહેવતલાલ પરિવાર” એક ફૂલ ફેમેલી એન્ટરટેઇન્મેન્ટ છે. આ ફિલ્મ તમે તમારા પરિવાર સાથે નિઃસંકોચ થઈને જોઇ શકો છો. આ ફિલ્મ તમને પરિવારની મહત્તા સમજાવશે અને જ્યાં આ એક કોમેડી ફિલ્મ છે ત્યાંજ અમુક સીન તમારી આંખ ભીની કરી દેશે. ગુજ્જુરોક્સ તરફથી “કહેવતલાલ પરિવાર” ફિલ્મને 4.5 રેટિંગ આપીશું !

Niraj Patel