ડિસેમ્બરમાં લગ્ન બાદ આ દિગ્ગજ સેલિબ્રિટીના પાડોશી બનશે કેટરીના કૈફ અને વિક્કી કૌશલ ? જાણો
એવી અફવા છે કે કેટરિના કૈફ અને વિકી કૌશલ આ વર્ષે ડિસેમ્બર મહિનામાં લગ્ન કરવા જઈ રહ્યા છે. બંનેએ લગ્ન પછી રહેવા માટેના તેમના ઘરનું લોકેશન પણ જોઈ લીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને કપલ બોલિવૂડ સ્ટાર કપલ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના પડોશી બનશે. છેલ્લા કેટલાક દિવસોથી ડિસેમ્બરમાં કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્નના સમાચારોએ જોર પકડ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેના પરિવારના સભ્યોએ પણ તેના ખાસ દિવસની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
પિંકવિલાના રીપોર્ટ અનુસાર, કેટરિના અને વિકી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના પડોશી બનવા માટે તૈયાર છે. લેટેસ્ટ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લગ્ન બાદ વિકી કૌશલ અને કેટરિના કૈફ એક મોટા એપાર્ટમેન્ટમાં શિફ્ટ થઈ જશે, જેની શોધ પૂરી થઈ ગઈ છે. કેટરિના કૈફ અને વિકી કૌશલ થોડા સમય પહેલા મુંબઈમાં એક હાઈરાઈઝ બિલ્ડિંગમાં ફ્લેટ જોવા ગયા હતા, જે તેમને પણ ગમ્યું છે. લગ્ન બાદ બંને અહીં પોતાનું ઘર વસાવશે.
બોલીવૂડની બીજી અભિનેત્રી પોતાના પતિ સાથે આ હાઈ રાઈઝ ઈમારતમાં રહે છે. આ અભિનેત્રી બીજું કોઈ નહીં પણ અનુષ્કા શર્મા છે. લગ્ન બાદ અભિનેત્રી અનુષ્કા શર્માએ વિરાટ કોહલી સાથે આ બિલ્ડીંગમાં ઘર લીધું હતું. મતલબ કે વિકી-કેટરિના લગ્ન પછી વિરાટ-અનુષ્કાના પડોશી બની જશે.
સોશિયલ મીડિયા પર લગ્નની અફવાઓ જંગલની આગની જેમ ફેલાઈ રહી છે ત્યારે કેટરિનાએ આ વાતને નકારી કાઢી છે અને કહ્યું છે કે તેમાં કોઈ સત્ય નથી, પરંતુ અટકળો હવે અટકતી નથી. કહેવામાં આવી રહ્યું છે કે કેટરીના અને વિકી લગ્નના બંધનમાં બંધાશે. પિંકવિલાના અહેવાલો અનુસાર, બંનેના લગ્નની તારીખ 7 થી 9 ડિસેમ્બર દરમિયાન ‘પંજાબી’ શૈલીમાં યોજાય તેવી શક્યતા છે.
મહેંદી અને હલ્દીની રસ્મ સિવાય, કેથોલિક લગ્ન પણ કાર્ડ પર હોવાના અહેવાલ છે. કપલના તમામ નજીકના મિત્રો અને પરિવારના સભ્યોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. મેકઅપ આર્ટિસ્ટ અને કોસ્ચ્યુમ ડિઝાઈનરોને પણ આ ત્રણ દિવસ દરમિયાન પોતાને ફ્રી રાખવા માટે કહેવામાં આવ્યું છે. તાજેતરમાં, કેટરિનાની બહેન ઇસાબેલ કૈફ અને તેની માતા મુંબઈમાં એથનિક ડ્રેસની ખરીદી કરતી જોવા મળી હતી. તેમના જાહેર દેખાવે લગ્નની અફવાઓને વધુ વેગ આપ્યો.
તમને જણાવી દઈએ કે અનુષ્કા શર્મા અને કેટરિના કૈફ ઘણી સારી મિત્રો છે. તેઓ શાહરૂખ ખાન સ્ટારર ‘જબ તક હૈ જાન’ અને ‘ઝીરો’માં સાથે કામ કરી ચૂક્યા છે. આ ફિલ્મોના શૂટિંગ દરમિયાન બંને ખૂબ જ મસ્તી કરતા હતા. ફિલ્મના પ્રમોશન દરમિયાન લોકોએ તેમની મિત્રતા જોઈ હતી. જો કે, જ્યારે કોઈ ફિલ્મમાં બે હિરોઈન હોય છે, ત્યારે તેમના ઝઘડાના અહેવાલો આવે છે, પરંતુ અનુષ્કા-કેટરિનાની મિત્રતા વધુ ગાઢ થઈ હોવાના અહેવાલો આવ્યા હતા.
અભિનેત્રી કેટરીના કૈફ આ દિવસોમાં તેની આગામી ફિલ્મ સૂર્યવંશીના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, રણવીર સિંહ અને અજય દેવગન જેવા સુપરસ્ટાર જોવા મળશે. ફિલ્મ સૂર્યવંશી આ દિવાળીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે.