હાલમાં જ રિલીઝ થયેલ ગુજરાતી ફિલ્મ “કમઠાણ” જોવાનો પ્લાન બનાવી રહ્યા છો? તો ફિલ્મ જોતા પહેલા આ રીવ્યુ અવશ્ય વાંચજો !

પ્રખ્યાત લેખક અશ્વિની ભટ્ટની નવલકથા પરથી બનેલી “કમઠાણ” ફિલ્મ કેવી છે ? જુઓ ફિલ્મનો સચોટ રીવ્યુ

Kamathan movie review : ગુજરાતી સિનેમાનો યુગ બદલાયો છે અને હવે ગુજરાતી સિનેમામાં પણ ખુબ જ શાનદાર ફિલ્મો આવી રહી છે અને દર્શકોનું ભરપૂર મનોરંજન પણ કરી રહી છે, એવી જ એક ગુજરાતી ફિલ્મ આજથી સિનેમાઘરોમાં રીલિઝ થઇ અને આ ફિલ્મની ખાસ વાત તો એ છે કે ફિલ્મ ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત લેખક એવા અશ્વિની ભટ્ટની નવલકથા “કમઠાણ” પરથી બની છે અને ફિલ્મનું નામ પણ “કમઠાણ” જ રાખવામાં આવ્યું છે, ત્યારે આ ફિલ્મ શા કારણે દર્શકોએ જોવી જોઈએ, અને કેવી છે આ ફિલ્મ તે તમને ફિલ્મના સચોટ રીવ્યુ દ્વારા જણાવીએ.

હસી હસીને બઠ્ઠા વાળી દે તેવી કોમેડી :

આ ફિલ્મની સાચી મજા તેમાં આવતી ભરપૂર કોમેડી છે. ફિલ્મની શરૂઆતથી લઈને અંત સુધી દર્શકોને હસી હસીને બઠ્ઠા વળાવી દે એવા ઘણા સીન આવે છે. ફિલ્મ જોતા જોતા જ તમે દિલ ખોલીને હસી શકશો. વાર્તા એક ચોર-પોલીસની છે, પરંતુ વાર્તામાં એક પછી એક આવતા ટ્વિસ્ટ તમને છેક સુધી જકડી રાખે છે. એકપણ ક્ષણ આ ફિલ્મમાં એવી નહિ આવે જ્યાં તમને કંટાળો આવે. શરૂઆતથી લઈને અંત સુધી ફિલ્મ અને તેના પાત્રો તમને જકડી રાખવામાં સક્ષમ બને છે.

કલાકારોની ભરમાર :

આ ફિલ્મમાં એક બે નહિ પરંતુ અનેક કલાકારો છે અને દરેક કલાકાર દર્શકોનું મનોરંજન કરવામાં કોઈ કચાશ બાકી નથી રાખતા, ફિલ્મમાં ચોરના રોલમાં સંજય ગોરડિયા છે, જેમનું પાત્ર ખરેખર ખુબ જ મજાનું છે, તો PIના રોલમાં હિતુ કનોડિયા પણ પ્રાણ પુરે છે. સાથે જ બોલીવુડના લોકપ્રિય અભિનેતા દર્શન ઝરીવાલા પણ જમાદારના રોલમાં ફિલ્મમાં સારી પકડ આપે છે. આ સિવાય અરવિંદ વૈદ્ય, દીપ વૈદ્ય, કૃણાલ પંડિત, જય વિઠલાણી અને બીજા પણ ઘણા સહાયક કલાકારો છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં કોઈ મુખ્ય અભિનેત્રી નથી, પરંતુ નાના પાત્રોમાં તેજલ પંચાસરા અને બીજી અભિનેત્રીઓએ પણ ફિલ્મમાં સુંદર કામ કર્યું છે.

હળવા ફૂલ કરી દે તેવી વાર્તા :

આ ફિલ્મની વાર્તા ચરોતર પંથકના એક નાના શહેરમાં રચાય છે, જ્યાં એક રઘલો નામનો ચોર PI રાઠોડ સાહેબના ઘરમાં ચોરી કરવા માટે ઘૂસે છે, ચોર પણ ભારે ધાર્મિક, ચોરી કરીને દીવો પણ કરે છે. પણ ચોરને PIના ઘરમાંથી તેમની વર્ધી, પિસ્તોલ અને 2 મેડલ મળે છે, જે લઈને તે ભાગી જાય છે. જેના બાદ PI રાઠોડ એ શોધવા માટે ધુંઆપુંઆ થઇ જાય છે, આખી પોલીસ ફોર્સ ધંધે લાગી જાય છે.

તો બીજી તરફ ચોર રઘલાએ પોલીસવાળાના ઘરમાં ચોરી કરી હોવાના કારણે તેમના સમાજમાં તેનું માન સન્માન વધી જાય છે, તેની પણ કઈ મોટું કરવાની ઈચ્છા હતી જેનાથી સમાજમાં તેનું મોટું નામ થાય અને તેની ત્રણ દીકરીઓને સારું ઘર મળે. બીજી બાજુ પોલીસ પણ ચોરને શોધવામાં ઘણીવાર ઉલમાંથી ચૂલમાં પડતી જોવા મળે છે, ઘણીવાર સાપ કાઢવા જતા ઉંદરડું પકડાયું એવી સ્થિતિ પણ જોવા મળે છે, પરંતુ ફિલ્મનો અંત જે રીતે આવે છે તે બધાની કલ્પના બહારનો છે અને એ જોવા માટે તમારે સિનેમાઘરોમાં જવું પડશે.

મજાનું દિગ્દર્શન :

“કમઠાણ” ફિલ્મ આટલી જબરદસ્ત રીતે તૈયાર થઇ છે તેનો શ્રેય ફિલ્મના દિગ્દર્શક ઘૃણાદ કામલેને જાય છે. તેઓ એક યુવા દિગ્દર્શક છે અને તેમની આ પહેલી જ ફિલ્મ છે, પરંતુ તેમને જે રીતે આ ફિલ્મમાં કામ કર્યું છે તે ખરેખર કાબિલેદાદ છે. ફિલ્મને શરૂઆતથી લઈને અંત સુધી દર્શકોને કેવી રીતે જકડી રાખવા, ફિલ્મને સહેજ પણ બોરિંગ ના થવા દેવી, તેનું ખાસ ધ્યાન ઘૃણાદ કામલેએ રાખ્યું છે અને તેમની મહેનતથી જ આ ફિલ્મ આટલી જબરદસ્ત બની છે.

ફિલ્મના ગીતો અને સંગીત :

આ ફિલ્મમાં 3 ગીતો આવે છે, જેમાં પહેલું છે ફિલ્મનું ટાઇટલ સોન્ગ “કમઠાણ” જેને મૌલિક નાયકના અવાજમાં ગાવામાં આવ્યું છે અને તેનું સંગીત મેહુલ સુરતીએ આપ્યું છે. આ ગીતને સૌમ્ય જોશી દ્વારા લખવામાં આવ્યું છે, તો સૌમ્ય જોશી દ્વારા લેખિત અને મેહુલ સુરતી દ્વારા સંગીતબદ્ધ કરવામાં આવેલું વધુ એક ગીત “ધ ચોર” ગીત છે, જેને આદિત્ય ગઢવીએ ગાયું છે. આ ઉપરાંત ફિલ્મનું ત્રીજું ગીત “પરસંગ” પણ નાચવા માટે મજબુર કરી દે તેવું છે. આ ગીતને અભિષેક શાહે લખ્યું છે અને ગીતને સ્વર આપ્યો છે ઘનશ્યામ ઝૂલા અને હેતલ મોદીએ. આ ગીતમાં પણ સંગીત મેહુલ સુરતીનું છે.

પ્રોડક્શન અને લેખન :

આ ફિલ્મને તૈયાર કરી છે ગુજરાતી સિનેમાને ગૌરવ અપાવનારી ફિલ્મ “હેલ્લારો”ના મેકર્સ “હરફન મૌલા” ફિલ્મ દ્વારા. જેના પ્રોડ્યુસર છે અભિષેક શાહ, આયુષ પટેલ, મીત જાની, પ્રતીક ગુપ્તા, નૃપલ પટેલ, પીનલ પટેલ, અમિત પટેલ. તો ફિલ્મની મૂળ કથા અશ્વિની ભટ્ટની નવલકથા પરથી આવી છે, પરંતુ તેને ફિલ્મમાં ઢાળવાનું કામ ઘૃણાદ કામલે, અભિષેક શાહ અને જશવંત પરમારે કર્યું છે.

Niraj Patel