પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ કરાયેલા યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા અંગે દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. 18 મે રવિવારના રોજ હિસારના એસપીએ જણાવ્યું કે પહેલગામમાં આતંકવાદી હુમલો થયો ત્યારે જ્યોતિ પાકિસ્તાન હાઇ કમિશનના દાનિશના સંપર્કમાં હતી. તેમણે જણાવ્યું કે હરિયાણા પોલીસને કેન્દ્રીય એજન્સી તરફથી ઇનપુટ મળ્યા હતા, જેના આધારે અમે જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરી હતી. તે ઘણી વખત પાકિસ્તાન ગઈ છે, અને ચીન પણ ગઈ છે. હાલમાં તેને 5 દિવસના રિમાન્ડ પર રાખવામાં આવી છે.
સોશિયલ મીડિયા પરના તેના વીડિયો અનુસાર, તે પહેલગામ આતંકવાદી હુમલાના 3 મહિના પહેલા શ્રીનગર ગઈ હતી. આ સમય દરમિયાન તેણે પહેલગામની પણ મુલાકાત લીધી હતી. પોલીસ દરેક દ્રષ્ટિકોણથી તપાસ કરી રહી છે. પોલીસ અધિકારીએ કહ્યું કે તે કેન્દ્રીય એજન્સીઓના સંપર્કમાં છે. પોલીસ અધિકારીએ એ પણ ખુલાસો કર્યો કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તાજેતરના સંઘર્ષ દરમિયાન જ્યોતિ મલ્હોત્રા પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓના સંપર્કમાં પણ હતી. ભારતના ઓપરેશન સિંદૂર પછી આ તણાવ વધી ગયો હતો. એટલું જ નહીં, પહેલગામ હુમલા પહેલા તે પાકિસ્તાનમાં હતી અને જો આ અંગે કોઈ જોડાણ હોય તો તેની તપાસ કરવામાં આવી રહી છે.
ટ્રાવેલ બ્લોગર જ્યોતિ મલ્હોત્રાની જાસૂસી અને પાકિસ્તાની ઓપરેટિવ્સને સંવેદનશીલ માહિતી આપવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ પર સંમતિ થયા પછી આ અઠવાડિયે હરિયાણામાંથી આ ત્રીજી ધરપકડ છે. હિસારની રહેવાસી મલ્હોત્રાએ પાકિસ્તાની ઓપરેટિવ્સ સાથે સંવેદનશીલ માહિતી શેર કરવાની કબૂલાત કર્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. તેની સામે ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ, 1923ની કલમ 3 અને 5 તેમજ ભારતીય ન્યાય સંહિતા એક્ટની કલમ 152 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, જ્યોતિ ઘણી વખત પાકિસ્તાનની મુલાકાત લઈ ચૂકી છે.
જો કે, તેના પાસપોર્ટમાં ત્રણ વાર પાકિસ્તાન ગયાની એન્ટ્રી છે. તે દર વખતે કરતારપુર સાહિબ થઈને પાકિસ્તાનમાં પ્રવેશી. તેણે પહેલી વાર પાકિસ્તાન જવા માટે વિઝા જાતે મેળવ્યા હતા પણ બીજી અને ત્રીજી વાર પાકિસ્તાન જવા માટે વિઝાની વ્યવસ્થા પાકિસ્તાની હાઈ કમિશનમાં તૈનાત અધિકારી દાનિશે કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણી બે-ત્રણ વાર પાકિસ્તાન ગઈ છે, પરંતુ તેના પાસપોર્ટમાં આ વાતની કોઈ એન્ટ્રી નથી. તેથી, એવી શંકા છે કે તેણે ગેરકાયદેસર રીતે સરહદ પાર કરી હતી. જ્યોતિ મલ્હોત્રા જાસૂસીની તાલીમ માટે ત્રીજી વખત પાકિસ્તાન ગઇ હોવાનું કહેવાઇ રહ્યુ છે. તે ભારતથી સીધી ઇસ્લામાબાદ ગઈ અને ત્યાંથી મુરીદકેના એક કેમ્પમાં 14 દિવસની ખાસ તાલીમ લીધી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે આ તાલીમ કોઈ ખાસ મિશન માટે હતી. તાલીમ પછી, તેને ભારત પાછા ફરવાનું હતું અને મિશન પર કામ શરૂ કરવાનું હતું, પરંતુ તે પહેલાં પહેલગામ હુમલો થયો. આ કારણે તેને મિશનનું કાર્ય મુલતવી રાખવું પડ્યું. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જ્યોતિને પહેલગામ હુમલા વિશે અગાઉથી માહિતી હતી, જો કે પોલીસે હજુ સુધી તેની પુષ્ટિ કરી નથી. જ્યોતિ મલ્હોત્રા જે મિશન પર કામ શરૂ કરવાની હતી તેમાં એકલી નહોતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતના બે ડઝનથી વધુ સોશિયલ મીડિયા પ્રભાવકો આ મિશનમાં સામેલ છે. આ બધા એવા લોકો છે જેમના સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મિશન હેઠળ પાકિસ્તાન ભારતમાં એક નવા પ્રકારનું યુદ્ધ શરૂ કરવા જઈ રહ્યું હતું. તેનો હેતુ ભારતીયોના મનમાં પાકિસ્તાનની છબી બનાવવાનો હતો. આ સાથે, ઉદ્દેશ્ય ભારતના લોકોને તેમના પોતાના દેશ અને તેમની પોતાની સરકાર સામે ઉભા કરવાનો હતો. આ મિશનમાં ભારતની ગુપ્ત માહિતી પાકિસ્તાનને આપવાનો પણ સમાવેશ થતો હતો. રવિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં હિસારના એસપીએ પણ આવો જ દાવો કર્યો હતો. જ્યોતિ મલ્હોત્રાની પૂછપરછ કર્યા પછી, તેમણે કહ્યું કે યુદ્ધ ફક્ત દેશની સરહદો પર જ નહીં, પરંતુ દુશ્મન દેશની અંદર પણ થાય છે. તેમણે કહ્યું કે પાકિસ્તાને ડિજિટલ યુદ્ધનું એક એવું જ મિશન શરૂ કર્યું છે જેમાં જ્યોતિ મલ્હોત્રા પણ એક પ્યાદુ છે.