જેતલસરમાં આ પરિવાર ઉપર કાળ બનીને આવ્યો કોરોના: ત્રણ જ દિવસમાં 5 સભ્યોમાંથી 4 સભ્યોને ભરખી ગયો કોરોના

કોરોનાની બીજી લહેર આખા દેશની અંદર ખુબ જ ઘાતક બની રહી છે. દેશભરમાં લાખો લોકો તેનાથી સંક્રમિત બન્યા છે, તો હજારો લોકોએ પ્રાણ પણ ગુમાવ્યા છે. ઘણા પરિવારના સદસ્યોને આ કાળમુખો કોરોના ભરખી ગયો છે, તો ઘણા કિસ્સાઓમાં આખો પરિવાર જ આ કોરોનાના કારણે નષ્ટ થઇ ગયો છે.

આવી જ એક ખબર જેતલસરના જેતપુર ગામમાંથી આવી રહી છે. જ્યાં એક જ પરિવારના 4 સભ્યોના નિધનથી આખો પરિવાર તૂટી ગયો. પાંચ પરિવારના સભ્યોમાંથી હવે એક જ સભ્ય બચ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જેતલસર ગામે બાવાજી પરિવારના ઘરના મોભી, માતા-પિતા અને પુત્ર એમ ચાર સભ્યોનું માત્ર ત્રણ દિવસના અંતરરાલમાં કોરોનાના કારણે નિધન થયું હતું. અને બાકીનું એક મહિલા સદસ્ય પણ હાલ સારવાર હેઠળ છે.

ગામમાં રહેતા 49 વર્ષીય રાજેશ પરસોતમભાઈ અગ્રાવતને ચાર દિવસ પહેલા તબિયત નરમ થવાના કારણે તેમને જેતલસર આરોગ્ય કેન્દ્ર ખાતે પોતાનો અને તેમના 17 વર્ષીય પુત્ર ઓમનો આર્ટિફિશિયલ રિપોર્ટ કરાવ્યો હતો પરંતુ આ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તેમ છતાં પણ તેમની તબિયત નરમ હોવાથી ઘરે દવા ચાલુ રાખી હતી.

પરંતુ 19 એપ્રિલે રાજેશભાઈની તબિયત વધારે લથડતાં તેમને સારવાર માટે જૂનાગઢ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. અહીં માત્ર ત્રણથી ચાર કલાકના વેન્ટિલેટર પર સારવાર બાદ હોસ્પિટલ તંત્રએ તેમને મૃત જાહેર કર્યા હતા.

ત્યારે બીજી બાજુ ઘરના બીજા સભ્યોની તબિયત બગડી રહી હતી. જેના કારણે  રાજેશભાઇની પુત્રી પોરબંદર સાસરે છે તે દાદા પરસોતમભાઈ, દાદી મંગળાબેન, માતા રમાબેન અને ભાઈને પોરબંદર લઈ જઈ ત્યાં ઘરે જ સારવાર ચાલુ કરી હતી.

પરંતુ 21 એપ્રિલના રોજ ઓમની તબિયત લથડતાં તેને તરત જ હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં થોડીવારની સારવાર બાદ તેનું પણ મોત થતાં બાકીનાં પરિવારજનો પર આભ ફાટી પડ્યું હતું. પુત્ર અને પૌત્રના એકાએક મોતથી ભાંગી પડેલા પરસોતમભાઈ અને મંગળાબેનની પણ તબિયત લથડવા લાગી હતી.

મંગળાબેનની તબિયત લથડી અને તેમને સારવાર મળે તે પહેલા જ તેમનું નિધન થયું હતું અને ત્યાર બાદ દોઢ કલાકના અંતરમાં જ પરસોતમભાઈનું પણ નિધન થતા પરિવાર માથે આભ તૂટી પડ્યું હતું. કોરોનાએ અગ્રાવત પરિવારનો આખો માળો વીંખી નાખ્યો હતો. સાસુ સસરા, પતિ અને પુત્રના મોતથી ભાંગી પડેલાં રમાબેન પણ હાલ સારવાર હેઠળ છે.

Niraj Patel