રાજકોટના ઉદ્યોગપતિના દીકરાના લગ્નમાં જોધપુરમાં રજવાડી રંગ વરસ્યો, મહેમાનોનું ભવ્ય સ્વાગત, ઐશ્વર્યાના ગરબાનો રંગ અને બીજું ઘણું બધું, જુઓ તસવીરો

ગુજરાતના રાજકોટમાં વસતા ઉદ્યોગપતિ એવા બાન લેબ્સ કંપનીના માલિક મૌલેશભાઈ ઉકાણીના પુત્ર જય ઉકાણીના ત્રણ દિવસીય શાહિ લગ્ન સમારંભ હાલ જોધપુર ખાતે આવેલ ઉમેદ ભવન પેલેસમા યોજાઈ રહ્યા છે, આ લગ્નની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં સામે આવી છે, જેમાં લગ્નનો ભવ્ય વૈભવ પણ જોવા મળી રહ્યો છે.

જય ઉકાણીના લગ્ન માટે જોધપુરના ઉમેદભવનને ખુબ જ ખાસ રીતે શણગારવામાં આવ્યો છે, દરેક પ્રસંગોની ખુબ જ ખાસ અંદાજમાં ઉજવણી પણ કરવામાં આવી રહી છે. આ સમગ્ર લગ્નને રાજસ્થાની ટચ આપવાનો પણ પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો છે, સામે આવેલી તસ્વીરોમાં આ જોઈ પણ શકાય છે.

ઉધોગપતિ મૌલેશભાઇ પટેલ અને સોનલબેન પટેલના સુપુત્ર ચિં.જયના લગ્ન મોરબીની વિખ્યાત આજવીટો ટાઇલ્સવાળા અરવિંદભાઇ પટેલ અને શિતલબેન પટેલની પુત્રી ચિ. હિમાંશી સાથે  રાજસ્થાનના જોઘપુરમાં આવેલા ઉમેદ ભવન પેલેસ ખાતે યોજાઈ રહ્યા છે, તમને જણાવી દઈએ કે આજ જગ્યા ઉપર બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા અને નિક જોનાસના પણ લગ્ન યોજાયા હતા.

આ શાહી લગ્નની જાન પણ પ્લેન દ્વારા જોધપુર પહોંચી હતી, જ્યાં મહેમાનોનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. આખા ઉમેદભવનને પણ ખુબ જ ભવ્ય રીતે શણગારવામાં આવ્યો હતો, જે તસ્વીરોમાં જોઈને જ અંદાજ લગાવી શકાય છે.

તમામ આમંત્રિતો તેમજ મૌલેશ ભાઈ ઉકાણી પરિવાર અને અરવિંદભાઈ પટેલના પરિવારજનોનું વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું.  ગત રોજ મહેંદી રસમ તેમજ રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઐશ્વર્યા મજમુદાર સાથે રાસની રમઝટ જામી હતી.

ગઈકાલે 15મી નવેમ્બરે સવારે મંડપ મુહૂર્ત, મહેંદી રસમ બાદ રાત્રિએ બોલિવૂડ નાઈટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સચિન જિગર સહિતના કલાકારો ધૂમ મચાવતા જોવા મળ્યા હતા. ઉકાણી પરિવારના આ લગ્નની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યા છે.

રાજસ્થાનના ઉમેદભવન પેલેસ ખાતે પ્રથમ દિવસે રાસ-ગરબામાં ઐશ્વર્યા મજમુદારે રાસની રમઝટ બોલાવી હતી તો ગઈકાલે બીજા દિવસે બોલિવૂડ નાઇટમાં જાણીતા સચિન-જિગરની જુગલ જોડીએ ઉકાણી પરિવાર અને આમંત્રિત કલાકરોને બોલીવૂડનાં ગીતો સંભળાવ્યાં હતાં. ડીજેના તાલે ઉકાણી પરિવાર ઝૂમી ઊઠ્યો હતો. જય અને હિમાંશી સહિતના કપલને ડાન્સ કરાવ્યો હતો.

રાજકોટના ઉદ્યોગપતિએ પુત્રના લગ્ન માટે ચાર કિલો સુધીના વજનની કંકોત્રી બનાવી જેની ખૂબ ચર્ચાઓ થઇ રહી છે. આ કંકોત્રીનું વજન 4 કિલો અને 280 ગ્રામ હતું. એક કંકોત્રી બનાવવા પાછળ રૂપિયા 7000નો ખર્ચ પણ કરવામાં આવ્યો છે.

કંકોત્રીમાં 7 પાનામાં ત્રણ દિવસના લગ્નના કાર્યક્રમોની વણઝાર દર્શાવવામાં આવી હતી. તેમજ આમંત્રિતો માટે કંકોત્રીની સાથોસાથ કાજુ, બદામ, કિસમિસ અને ચોકલેટ પણ રાખવામાં આવ્યા હતા.

ત્રણ દિવસ સુધી ચાલનારા આ જાજરમાન લગ્નના આજે ત્રીજા અને અંતિમ દિવસે જય અને હિમાંશીના લગ્ન યોજાવાના છે. ઉમેદભવન પેલેસના બારાદરી લોન ખાતે 3.45 વાગ્યે જાન પ્રસ્થાન થશે અને 7.30 વાગ્યે હસ્ત મેળાપ યોજવામાં આવશે અને રાત્રિના સમયે મંગલ ફેરા ફરી જય અને હિમાંશી પ્રભુતામાં પગલાં માંડશે.

આ વૈભવી લગ્ન ગુજરાતના સૌથી મોટા લગ્ન માનવામાં આવી રહ્યા છે, જેના ઉપર તમામ લોકોની નજરો પણ મંડાયેલી છે. રાજકોટના ઉદ્યોગપતિના દીકરાના આ લગ્નની અંદર ઘણો મોટો વૈભવ પણ જોવા મળી રહ્યો છે, અને શાહી અંદાજમાં થઇ રહેલા આ લગ્નની તસવીરો આવતા જ વાયરલ પણ થઇ રહી છે.

Niraj Patel