અજય દેવગન સ્ટારર ફિલ્મ ‘શૈતાન’ હાલમાં ઘણી ચર્ચામાં છે, કારણ કે આ ફિલ્મે અત્યાર સુધી 84 કરોડથી વધુની કમાણી કરી લીધી છે અને વર્લ્ડવાઇડ આ ફિલ્મની કમાણી 122 કરોડ પાર પહોંચી ચૂકી છે. આ ફિલ્મમાં અજય દેવગનની સાથે આર માધવન, જ્યોતિકા અને જાનકી બોડીવાલા પણ મહત્વની ભૂમિકામાં છે.
જાનકી બોડીવાલા કે જેણે ‘શૈતાન’માં અજય દેવગનની દીકરીનો રોલ પ્લે કર્યો છે તે ગુજરાતી અભિનેત્રી છે. જાનકીએ હાલમાં જ ફિલ્મની સ્ટારકાસ્ટ સાથેની અનસીન તસવીરો શેર કરી છે, જેમાં તે અજય દેવગન, માધવન અને જ્યોતિકા સાથે જોવા મળી રહી છે. જાનકી બોડીવાલાનો જન્મ 30 ઓક્ટોબર 1995ના રોજ અમદાવાદમાં થયો હતો. તેણે ગાંધીનગરમાં અભ્યાસ પૂર્ણ કર્યો છે.
જાનકીએ ગોએન્કા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેન્ટલ સાયન્સમાંથી બેચલર ઓફ ડેન્ટલ સાયન્સ કર્યું છે. જાનકીએ હંમેશાથી અભિનેત્રી બનવાનું સપનું જોયું હતું. આ સપનું સાકાર કરવાની તક તેને વર્ષ 2015માં મળી જ્યારે તેની પહેલી ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો દિવસ’ આવી હતી. 20 વર્ષની ઉંમરે તેણે ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો હતો.
આ પછી તેણે ઘણી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું. જેમાં ‘તારી માટે વન્સ મોર’, ‘તંબુરો’, ‘છુટી જશે છક્કા’ જેવી અનેક ફિલ્મોનો સમાવેશ થાય છે. આ ફિલ્મોમાં જાનકીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. ગુજરાતી ફિલ્મ “નાડી દોષ”માં પણ જાનકી નો અલગ જ અંદાજ ચાહકો ને ખુબ પસંદ આવ્યો હતો અને ફિલ્મે પણ સારી કમાણી કરી હતી. ‘છેલ્લો દિવસ’ બાદ ૭ વર્ષ પછી ચાહકોને જાનકી અને યશની જોડી સાથે જોવા મળી હતી. ફિલ્મો ઉપરાંત જાનકીએ વર્ષ 2019માં મિસ ઈન્ડિયામાં પણ ભાગ લીધો હતો.તે ગુજરાતની ત્રણ ફાઇનલિસ્ટમાંથી એક હતી.
ગુજરાતી ફિલ્મ ‘વશ’ વર્ષ 2023માં રિલીઝ થઈ હતી. જાનકીએ આ ફિલ્મમાં પોતાના દમદાર અભિનયથી બધાને ચોંકાવી દીધા હતા. અજય દેવગનની ફિલ્મ ‘શૈતાન’ ગુજરાત ફિલ્મ ‘વશ’ની જ રિમેક છે. ત્યારે હવે શૈતાનથી જાનકી બોલિવુડમાં પણ ચમકી છે. જાનકીએ ‘શૈતાન’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યુ છે.
View this post on Instagram
બોલિવૂડમાં ડેબ્યુ કરતા પહેલા જ તેની સારી એવી ફેન ફોલોઈંગ હતી અને આ પછીથી તો તેની લોકપ્રિયતા સાતમા આસમાને પહોચી ગઇ છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 1.4 મિલિયન ફોલોઅર્સ છે. અજય દેવગનની ‘શૈતાન’ 8 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.
View this post on Instagram