જામનગરમાં ઘૃણાસ્પદ ઘટના ઘટી છે. જેમાં પત્નીએ પ્રેમીને પામવા માટે પોતાના પતિને મોતને ઘાટ ઉતારી દીધો છે. જણાવી દઈએ કે રિંકલ મારકણા નામની મહિલાને અક્ષય ડાંગરીયા નામના યુવક સાથે પ્રેમસંબંધ હતા. જેમાં મહિલાનો પતિ રવિકુમાર મારકણા અડચણરૂપ હતો. પતિને પોતાના રસ્તામાંથી હટાવવા માટે પ્રેમી સાથે મળીને પત્નીએ હત્યાનું કાવતરું ઘડ્યું અને કાલાવડ હાઈવે પર વિજરખી પાસે બાઈક પર જઈ રહેલા રવિકુમાર મારકણાને કારથી કચડી દીધો હતો. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આ અકસ્માત નહીં, પરંતુ હત્યા હતી. પ્રેમમાં અંધ બનેલ પત્નીએ પોતાના પ્રેમી મારફતે પતિનું કાસળ કઢાવી નાખ્યું હતું. પોલીસે પતિની હત્યા અંગે પત્ની અને તેના પ્રેમી સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
મૂળ કાલાવડ તાલુકાના પીઠડીયા ગામના વતની અને હાલ જામનગરમાં રણજીત સાગર રોડ પર રહેતા ૩૦ વર્ષીય રવિ ધીરજલાલ મારકણા ગઈકાલે સાંજે પોતાનું બુલેટ મોટરસાયકલ લઈને કાલાવડથી જામનગર તરફ આવી રહ્યા હતા. ત્યારે જ તેમની પાછળ આવી રહેલી થાર જીપના ચાલકે તેમને ઠોકર મારી દેતાં અકસ્માત સર્જાયો હતો, જેમાં રવિ મારકણાનું ગંભીર ઇજાઓના કારણે મૃત્યુ થયું હતું.પ્રથમ દ્રષ્ટિએ આ બનાવ અકસ્માત લાગતો હતો, પરંતુ પંચકોશી એ. ડિવિઝન પોલીસે ઘટના સ્થળનું નિરીક્ષણ કરતાં શંકા ગઈ હતી, કારણ કે બુલેટ ચાલકને ઢસડ્યો હોવાના નિશાનો જોવા મળ્યા હતા.
પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતાં કારના ચાલક અક્ષય છગનભાઇ ડાંગરિયાને શોધી કાઢ્યો હતો અને તેની પૂછપરછ હાથ ધરી હતી. પોલીસની સઘન પૂછપરછમાં અક્ષયે કબૂલાત કરી હતી કે આ બનાવ અકસ્માત નહીં, પરંતુ હત્યા હતી.
અક્ષયે પોલીસને જણાવ્યું કે તે મૃતક રવિની પત્ની રીંકલ સાથે છેલ્લા બે વર્ષથી પ્રેમ સંબંધમાં હતો. રીંકલે જ તેને માહિતી આપી હતી કે તેનો પતિ રવિ બુલેટ લઈને કાલાવડથી જામનગર આવી રહ્યો છે. પત્ની દ્વારા આપવામાં આવેલા લોકેશન અને પૂર્વયોજિત કાવતરાના આધારે અક્ષયે ગઈકાલે સાંજે રવિનો પીછો કર્યો અને વિજરખી પાસે મોકો મળતાં તેની જીપ વડે તેને ટક્કર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આરોપી અક્ષયે આ હત્યાની કબૂલાત કરી લીધી છે અને તેમાં મૃતકની પત્ની રીંકલ પણ સામેલ હોવાનું જણાવ્યું છે.
પોલીસે આ સમગ્ર મામલે મૃતક રવિના પિતા ધીરજલાલ મારકણાની ફરિયાદના આધારે આરોપી અક્ષય ડાંગરિયા અને મૃતક રવિની પત્ની રીંકલ વિરુદ્ધ હત્યા અને ષડયંત્ર સહિતની કલમો હેઠળ ગુનો નોંધી લીધો છે. પોલીસે આરોપીઓની અટકાયત કરી છે અને મૃતક તથા આરોપીઓના વાહનો કબજે લીધા છે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી અક્ષય પ્રેમમાં અંધ બનીને પોતાની પત્નીને છૂટાછેડા પણ આપી ચૂક્યો હતો. હાલ પોલીસ આ સમગ્ર પ્રકરણની વધુ તપાસ કરી રહી છે.