ગુજરાતમાંથી ઘણીવાર આપઘાતના મામલા સામે આવે છે, ત્યારે હાલમાં સુરતના મોટા વરાછામાંથી ચોંકાવનારો મામલો સામે આવ્યો. અબ્રામા રોડ ખાતે રહેતા અને મૂળ રાજકોટના 30 વર્ષીય યુવકે આપઘાત કરી લીધો. આ મામલે પોલીસે સુસાઈડ નોટ અને ત્રણ વીડિયોના આધારે પૂર્વ પત્ની, તેનો પ્રેમી અને તેના 10 સ્ત્રી-પુરુષ મિત્રો વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રરણાનો ગુનો નોંધ્યો છે. ગુનો નોંધ્યા બાદ પોલિસે પત્ની શીતલ અને તેના પ્રેમીને નવસારીની એક હોટલમાંથી ઝડપી પાડ્યા છે. જ્યારે અન્ય 10 આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. (તમામ તસવીરો સૌજન્ય : દિવ્ય ભાસ્કર)
મૃતકની અંતિમ વિધિ બાદ પરિવારજનોને મોપેડની ડિકીમાંથી યુવાનનો મોબાઇલ અને એક સુસાઈડે નોટ મળી આવ્યા પછી જાણ થઈ કે પૂર્વ પત્ની અને તેના પ્રેમી સહિત 12 જેટલા લોકો હેરાન પરેશાન કરી રહ્યા હોવાને કારણે યુવકને આપઘાતનું પગલું ભરવું પડ્યુ. પ્રાપ્ત જાણકારી અનુસાર, સુરતમાં મોટા વરાછા અબ્રામા રોડ વાસ્તુ સર્કલ પંચતત્ત્વ રેસિડન્સીમાં રહેતા અને મૂળ રાજકોટ ગોંડલ આઈટીઆઈ પાસે સાટોડિયા સોસાયટીના વતની 30 વર્ષીય જયદીપ ઘરેથી ઓનલાઇન કુર્તીનો ધંધો કરતો હતો. તે પાંચ બહેનોનો એકનો એક ભાઈ હતો.
તેણે 30 ઓક્ટોબર 2023ના રોજ શીતલ સાથે લવ મેરેજ કર્યા હતા. લગ્ન પછી જયદીપના પરિવાર સાથે બે મહિના રહ્યા બાદ શીતલ નાની નાની વાતે જયદીપ અને પરિવારના અન્ય સભ્યો સાથે ઝઘડો કરતી અને જયદીપને વાળ પકડીને માર મારી ગાળો આપતી. ઝઘડા વધતા શીતલ પોતાની રીતે અડાજણ ખાતે કોઈક જગ્યાએ એકલી રહેવા ચાલી ગઈ હતી. જો કે, બાદમાં તેણે ફરી જયદીપનો સંપર્ક કર્યો અને સાથે રહેવા કહ્યું. જો કે તે ઘરે તો આવી પણ આખો દિવસ ઘરની બહાર બેસી રહેતી અને ધમકી આપતી કે હું ઘરના ધાબા ઉપરથી પડી જઈશ અને તમારા ઘરના તમામ સભ્યોને એટ્રોસિટી અને દહેજના ખોટા ગુનામાં ફસાવી હેરાન પરેશાન કરાવી નાખીશ…
જો કે 15 ફેબ્રુઆરી 2024ના રોજ બંનેએ છૂટાછેડા લઇ લીધા. આ દરમિયાન, ગત બીજીની રાત્રે શીતલે જયદીપને અડાજણ ખાતે બોલાવ્યો અને તેના પ્રેમી સહિત 10 સ્ત્રી-પુરુષ મિત્રો સાથે મળી માર માર્યો. પિતા વતનમાં લગ્નપ્રસંગમાં ગયા ત્યારે 4 એપ્રિલે રાત્રે જયદીપે મોટા વરાછા દુખીયાના દરબાર રોડથી લાલ તંબુ તરફ જવાના રસ્તા પર હની બંગ્લોઝના ખુલ્લા પ્લોટમાં ઝેરી દવા પી લીધી હતી. તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો પણ ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું.
જયદીપની અંતિમ વિધી બાદ પરિવારને આ વાતની જાણ થઇ. તેના મોપેડની ડિક્કીમાંથી સુસાઈડ નોટ મળી અને ઝેરી દવા પીધી તે પહેલા બનાવેલા ત્રણ વિડીયો મળ્યા. જયદીપની સુસાઈડ નોટ પ્રમાણે, મમ્મી-પપ્પા માફ કરજો, હારી ગયો છું. મારી લાઈફ બગાડી નાખી, મેં એને બોવ મોકા આપ્યા, એણે મારી સાથે ખોટુ કર્યું, બધાએ ના પાડી છતાં મેં એને પાછો મોકો આપ્યો અને તેણે મારી સાથે ગેમ રમી. મારા મરવા પાછળ બોવ બધા લોકો છે.
જયદીપની સુસાઇડ નોટમાં આગળ લખ્યુ હતુ- પ્રનાલી, ટીના, રૂચિત, મોહસિન, રીચા, નિરવ, આયાન, કંચન, હીના, દેવલ, યુવી, હજી બી છે જેના નામ નથી ખબર. આ લોકોના લીધે મારી લાઈફ ખરાબ થઈ ગઈ અને મેં બહુ બધુ સહન કર્યું. હવે મારામાં હિમ્મત નથી. આ લોકો મને મારે છે. આ મારા ફ્રેન્ડ બી મારી નાખવા સુધી મને મારી નાખવા બોલ્યા છે. મારા પર ખોટા કેસ મારી વાઇફ પાસેથી કરાવ્યા હતા. મારા ઘરે આવીને મમ્મી-પપ્પા, બહેનને ધમકી આપે છે. મારામાં હિમ્મત નથી. મને મરવા સુધી મજબુર કર્યો. હું હારી ગયો તેમ છું.
આગળ લખ્યુ હતુ- શીતલ શું કામ મારી સાથે આવું કર્યું કે બીજાના લીધે મારી લાઈફ ખરાબ કરી દીધી તે. હું જાવ છું, આજ સુધી મેં તને આપેલા વચન નિભાવ્યા છે. મારી ભુલ શું હતી કે જે, મેં તારો વિચાર કર્યો. તે મારી લાઇફ ખરાબ કરી. તે મારી કદર ના કરી. તે મને જવાબ દેજે. મેં શું બગાડ્યું તું તારું. શીતલ આ લોકો મને બહું જ હેરાન કર્યો છે. હું લાઇફથી આ બધાથી હારી ગયો છું એટલે! આ પગલું ભરું છું. મને માફ કરજો બધા. જયદીપે ઝેરી દવા પીધી એ પહેલા વીડિયો પણ બનાવ્યા હતા.