આજથી સિનેમાઘરોમાં આવેલી ફિલ્મ “ઇટ્ટા કિટ્ટા” શા કારણે જોવી જોઈએ ? જુઓ ફિલ્મનો સચોટ રીવ્યુ

માતા પિતાનું સૌભાગ્ય મેળવવાથી વંચિત થયેલા દરેક વ્યક્તિએ અચૂક માણવા જેવી ફિલ્મ એટલે “ઇટ્ટા કિટ્ટા”, જુઓ ફિલ્મ જોવાના કારણો

Ittaa Kittaa Movie review : છેલ્લા ઘણા સમયથી સિનેમાઘરોમાં ઘણી બધી સારી સારી ગુજરાતી ફિલ્મો આવી રહી છે અને દર્શકો પણ ફિલ્મો જોવા માટે થિયેટર સુધી જવા લાગ્યા છે, ત્યારે હાલમાં જ એક નવા વિષયને લઈને “ઇટ્ટા કિટ્ટા” ફિલ્મ આવી છે, આ ફિલ્મની અંદર એક સુંદર મેસેજ આપવામાં આવ્યો છે, જે ઘણા માતા પિતાઓ માટે હૃદયસ્પર્શી પણ બની જવાનો છે. કારણ કે બાળકને દત્તક લેવા વિશેની આવી ફિલ્મ તમે આજ પહેલા ક્યારેય નહિ જોઈ હોય, ત્યારે આજે અમે તમને જણાવીશું આ ફિલ્મ જોવાના ખાસ કારણો

એક નવું જ કથાવસ્તુ :

વાત કરીએ આ ફિલ્મની વાર્તાની તો આ એક નવા વિષયની વાર્તા છે. જેમાં એક દંપતીને બાળક દત્તક લીધા બાદ થતી મુશ્કેલીઓ વિશે જણાવવામાં આવ્યું છે. ફિલ્મમાં માનસી પારેખ (કાવ્યા) અને રોનક કામદાર (નીરવ) મુખ્ય ભૂમિકામાં છે. રમકડાંની દુકાન ચલાવતા નીરવના પરિવારમાં જ શેર માટીની ખોટ છે અને તેના પરિવારમાં જ કોઈ રમકડું નથી. કાવ્યાના પ્રેગ્નેન્સીમાં કેટલીક સમસ્યાઓ આવે છે અને તેના કારણે કાવ્યાનું મન બાળકને દત્તક લેવાનું થઇ જાય છે, તે નિરવને ગમે તેમ કરીને સમજાવી લે છે, નીરવ પણ તૈયાર થાય છે અને એક અનાથ આશ્રમમાંથી બાળક દત્તક લેવાની પ્રક્રિયા પૂર્ણ કરે છે.

અનાથ આશ્રમમાંથી બે દીકરીઓ 13 વર્ષની વિધિ અને 6 વર્ષની ખુશીને કાવ્યા અને નીરવ દત્તક લે છે, તેમને તેમના સગા માતા પિતા કરતા પણ વધારે પ્રેમ આપે છે અને આખો પરિવાર એક સુખેથી જીવન વિતાવે છે, ત્યારે જ કહાનીમાં એક નવો ટ્વિસ્ટ આવી જાય છે, જે ખુબ જ ચોટદાર પણ છે. આ ટ્વિસ્ટ જોવા માટે તમારે થિયેટર સુધી જવું જોઈએ. કારણ કે ફિલ્મમાં ઘણા એવા સીન પણ આવશે જે તમારી આંખોના પોપચાં ભીના પણ કરી દેશે.

ફિલ્મનું કાસ્ટિંગ :

આ ફિલ્મ ખુબ જ ઓછા પાત્રો દ્વારા બનાવવામાં આવ્યા છે, અને તમામ પાત્રોનો અભિનય ખુબ જ સુંદર છે, મુખ્ય પાત્રોમાં નીરવ (રોનક કામદાર), કાવ્યા (માનસી પારેખ) ખુબ જ શાનદાર અભિનય દ્વારા દિલ જીતી લે તો અન્ય પાત્રોમાં નાની બાળકી ખુશી (પ્રિન્સી પ્રજાપતિ), તેની મોટી બહેન વિધિ (જીયા વૈદ્ય), સાસુ ચંદ્રિકાબેન (અલ્પા બુચ) દ્વારા પણ કાબિલે દાદ અભિનય કરવામાં આવ્યો છે, સાથે જ અનાથ આશ્રમના સંચાલક તરીકેની જવાબદારી નિભાવતા પ્રશાંત બારોટે પણ પોતાના પાત્રને બખૂબી નિભાવ્યું છે.

દિગ્દર્શન અને લેખન :

ફિલ્મ “ઇટ્ટા કિટ્ટા”નું દિગ્દર્શક જોડી અભિન શર્મા અને મંથન પુરોહિતે કર્યું છે. આ ફિલ્મમાં તેમને ખુબ જ સરળ વાર્તાને પ્રભાવક રીતે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. ફિલ્મ વચ્ચે વચ્ચે પારિવારિક કોમેડી, પતિ અને પત્ની વચ્ચેનો રોમાન્સ અને ઈમોશનને પણ ખુબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા છે. ફિલ્મની વાર્તા લખી છે. આ ફિલ્મની સુંદર વાર્તા અંતિમા પાવર અને અઝહર સૈયદ દ્વારા લખવામાં આવી છે, જેમાં મનોરંજન સાથે સાથે એક સુંદર મેસેજ પણ સમાજને મળે છે.

સંગીત અને ગીતો :

આ ફિલ્મમાં સંગીત ગુજરાતી ફિલ્મોની ખ્યાતનામ જોડી કેદાર ભાર્ગવે આપ્યું છે, જે ફિલ્મમાં એકદમ હળવાશનો અનુભવ કરાવે છે.  ફિલ્મનું પહેલું ગીત કાનુડો કામણગારો  સાંભળીને તમારા પગ પણ થિરકવા લાગી જશે, જ્યારે રંગીલી ફેમેલી ગીત પણ તમારા પરિવાર સાથેના તમારા અનુભવોને યાદ કરાવવાનું ચોક્કસ કામ કરે છે.

ફિલ્મના દૃશ્યો :

ગુજરાતી ફિલ્મોના શૂટિંગ મોટાભાગે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં થતું જોવા મળે છે, ત્યારે ફિલ્મ “ઇટ્ટા કિટ્ટા”નું શૂટિંગ સુરતમાં થયું છે. આ ફિલ્મના મોટાભાગના દૃશ્યો સુરતના એક વૈભવી ઘરમાં જ શૂટ કરવામાં આવ્યા છે, આ ઉપરાંત દુકાન, સ્કૂલ અને હોસ્પિટલ અને અનાથ આશ્રમના કેટલાક દૃશ્યોમાં સુરતની ઝાંખી પણ જોવા મળે છે.

Niraj Patel