અમદાવાદમાં 19 તારીખે મધરાતે થયેલ ઇસ્કોન બ્રિજ અકસ્માતને હજુ કોઇ નથી ભૂલી શક્યુ. આ કેસમાં જ્યારથી તથ્ય અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલની ધરપકડ થઇ છે, ત્યારથી અનેક ખુલાસા થઇ રહ્યા છે. ત્યારે જે જેગુઆર કારથી તથ્ય પટેલે અકસ્માત સર્જ્યો તેમાં તે એકલો સવાર નહોતો પણ તેની સાથે ત્રણ યુવતિઓ અને બે યુવકો પણ હતા.આ કેસમાં કારમાં સવાર તથ્યના તમામ મિત્રોની પૂછપરછ કરવામાં આવી રહી છે.
માલવિકા પટેલે રાતોરાત ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ કરી નાખ્યુ ડિલીટ
જે લોકો કારમાં સવાર હતા તેમના નામ આર્યન પંચાલ, શાન સાગર, શ્રેયા વઘાસિયા, ધ્વનિ પંચાલ અને માલવિકા પટેલ છે.ત્યારે તથ્ય પટેલની ફ્રેન્ડ કે જે તેની સાથે કારમાં સવાર હતી તે માલવિકા પટેલે રાતોરાત પોતાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ કરી નાખ્યુ અને આ બાદ ઘણા તર્કવિતર્ક સર્જાયા છે. માલવિકા પટેલે પોલીસ તપાસની વચ્ચે પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ કરી નાખ્યું છે. માલવિકાના ઇન્સ્ટા પર 13 હજાર ફોલોવર્સ હતા અને આવી રીતે રાતોરાત એકાઉન્ટ ડિલીટ કરી નાખતા અનેક સવાલો ઉભા થયા છે.
તથ્યના કારનામાના અનેક ફોટો-વીડિયો
એવું સામે આવી રહ્યુ છે કે માલવિકા પટેલના ઇન્સ્ટા એકાઉન્ટમાં તથ્યના કારનામાના અનેક ફોટો-વીડિયો હતા.આ ઉપરાંત માલવિકા પટેલની પણ યુટ્યુબ ચેનલ હોવાનું સામે આવ્યું છે. જો કે, હાલ તો એ તપાસનો વિષય છે કે આ યુવતીએ એકાઉન્ટ ડિલીટ કેમ કર્યું. તથ્ય હાલ પોલિસ રિમાન્ડમાં છે અને આજે તેના ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થવાના છે. પોલીસની પૂછપરછમાં ઘણા ચોંકાવનારા ખુલાસા પણ થયા છે.
તથ્યને પહેલાથી જ રફ ડ્રાઈવિંગ કરવાની ટેવ છે
ત્યારે તથ્યના મિત્રોના નિવેદનોના કારણે કેસ મજબૂત થઈ શકે છે તેવું લાગી રહ્યુ છે કે કારણ કે તથ્યના મિત્રોનું કહેવુ છે કે તથ્યને પહેલાથી જ રફ ડ્રાઈવિંગ કરવાની ટેવ છે અને તેણે 15 દિવસ પહેલા પણ થાર વડે એક અકસ્માત સર્જ્યો હતો.આ ખુલાસા તથ્યના મિત્રોએ જ કર્યો છે. પંદરેક દિવસ પહેલા જ તથ્યએ થાર એક કેફેની દીવાલમાં ઘુસાડી દીધી હતી. જો કે, આ ઘટનામાં કેફે માલિક સાથે સમાધાન થઇ જતા તથ્ય સામે કોઇ ફરિયાદ નહોતી થઇ.
તથ્યએ દોષનો ટોપલો ગાડીમાં સવાર મિત્રો પર ઢોળ્યો
આ ઉપરાંત તથ્યના મિત્રોની પોલીસે જ્યારે પૂછપરછ કરી તો તેમણે એવું પણ કહ્યું હતુ કે, અમે તો તેને(તથ્ય) કહ્યું હતું કે ગાડી ધીમી ચલાવ, પણ એને વાત ન માની અને ગાડીમાં મ્યુઝિક પણ વધારી દીધુ. જો કે, બીજી બાજુ તથ્યએ દોષનો ટોપલો ગાડીમાં સવાર મિત્રો પર ઢોળ્યો.તથ્યએ કહ્યુ કે તેના મિત્રો એકબીજાને ગલીપચી કરીને મસ્તી કરી રહ્યા હતા અને ગાડીમાં જોરથી મ્યુઝિક વાગી રહ્યું હતું અને ગીતના તાલે હાથ ઊંચા કરી નાચી રહ્યા હતા.
અંધારાના કારણે મને કોઈ માણસો દેખાયા જ નહીં
તેણે આગળ એવું કહ્યુ હતુ કે, મારી પાછળથી મિત્રોએ ગલીપચી ચાલુ કરી અને વાળ પણ ખેંચ્યા, મેં ના પાડી કે આવું ના કરશો તો પણ ચાલુ રાખ્યું અને અંધારું હતું એટલે કશું દેખાયુ નહીં અને પછી ખબર પડી કે ટોળાની વચ્ચેથી ગાડી પસાર થઈ ગઈ છે. મને ટોળું દેખાયું જ નહીં એટલે સમયથી બ્રેક મારી શક્યો નહીં.’ તથ્ય એમ પણ દાવો કર્યો કે, અંધારાના કારણે મને કોઈ માણસો દેખાયા જ નહીં.