રાજકોટમાં બીજા સમુદાયની છોકરીને પ્રેમ કરવાની મળી સજા, યુવકની માર મારી કરી દીધી હત્યા

રાજકોટમાં ભાઇને ના પચ્યુ બહેનનુ બીજા ધર્મના છોકરા સાથે પ્રેમ કરવુ, માર મારી કરી દીધી હત્યા, જાણો સમગ્ર મામલો

તાજેતરમાં જ તેલંગાણાના હૈદરાબાદમાં નાગરાજુ નામના યુવકને અન્ય ધર્મની યુવતી સાથે લગ્ન કરવા બદલ નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. મામલો હજુ ઠંડો પડ્યો ન હતો કે હવે આવી જ એક ઘટના ગુજરાતના રાજકોટમાંથી સામે આવી. જ્યાં એક યુવકને તેની પ્રેમિકાના ભાઈએ બેરહેમીથી માર માર્યો હતો. પ્રેમીની હત્યા કર્યા પછી, યુવતીએ પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો અને કાંડું કાપી નાખ્યું. મીડિયા અહેવાલ અનુસાર સ્થાનિક ફેક્ટરીમાં કામ કરતા બિહારના વતની મિથુન ઠાકુર અને 18 વર્ષિય યુવતી સુમિયા કડીવાર છેલ્લા કેટલાક મહિનાઓથી રિલેશનશિપમાં હતા.

તેઓ જંગલેશ્વર મેઈન રોડ પર આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં એક જ વિસ્તારમાં રહેતા હતા. ત્યારે સોમવારે સવારે 10 વાગ્યા આસપાસ મિથુન સુમિયાને ફોન કર્યો હતો, પરંતુ ફોન સુમિયાના ભાઈ સાકિરે ઉપાડ્યો હતો, જેના કારણે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન સાકિરે તેની બહેનના પ્રેમીને ગંભીર પરિણામોની ધમકી પણ આપી હતી. આ પછી સાકિર અને ત્રણ અજાણ્યા લોકો ઠાકુરના ઘરે ગયા અને તેને બેરહેમીથી માર માર્યો.

એક પાડોશીએ તેને ઘરમાં બેભાન પડેલો જોયો અને તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાંથી તેને ગંભીર ઈજાઓ અને બ્રેઈન હેમરેજ સાથે અમદાવાદ રીફર કરવામાં આવ્યો. પરંતુ બુધવારના રોજ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ઠાકુરનું મોત થઇ ગયુ. જ્યારે સુમિયાને તેના પ્રેમીના મોતની જાણ થઈ ત્યારે તેણે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો અને કાંડું કાપી નાખ્યું. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે સુમિયાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, સુમિયાના માતા-પિતા છૂટાછેડા લઈ ચૂક્યા છે. તેની માતા ખાનગી કંપનીમાં મજૂર તરીકે કામ કરે છે. જ્યારે ઠાકુર અને તેના પિતા રાજકોટમાં રહેતા હતા અને કારખાનામાં કામ કરતા હતા. પીડિતના પિતાએ આ મામલે ફરિયાદ નોંધાવી છે અને સાકીર અને તેના એક સહયોગીની પોલિસે ધરપકડ પણ કરી છે.

Shah Jina