આજે લોકો સોશિયલ મીડિયામાં નામના મેળવવા માટે શું શું નથી કરતા, ગુજરાતમાં પણ ઘણા લોકોને સોશિયલ મીડિયામાં રીલ બનાવવાનું ઘેલું લાગ્યું છે અને ઘણા લોકો તો ખોટા કામ કરતા પણ રીલ બનાવે છે, પરંતુ આવા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ પોલીસના હાથે પણ લાગતા હોય છે અને પોલીસ પછી તેમને બરાબરનો પાઠ પણ ભણાવતી હોય છે.
હાલ એવી જ એક ઘટના રંગીલા રાજકોટમાંથી સામે આવી છે, જેમાં રીલ બનાવવાની ઘેલાછામાં એવું કામ કર્યું હતું જેને જોઈને તમે પણ દંગ રહી જશો. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે 5 લોકો બાઈક અને સ્કૂટર ઉપર જઈને એક યુવક ઉપર ધોકા અને પાઇપથી હુમલો કરી રહ્યા છે.
આ ઘટનાનો વીડિયો બનાવી તેમને સોશિયલ મીડિયામાં પણ અપલોડ કર્યો હતો, જેના બાદ માલવીયાનગર પોલીસ પણ એક્શનમાં આવી ગઈ અને બે લોકોની આ મામલામાં ધરપકડ પણ કરી લીધી હતી અને 3 આરોપીઓની શોધખોળ પણ હાથ ધરી છે. આ મામલામાં એક સગીરનો પણ સમાવેશ થયો હોવાનું સામે આવ્યું છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં સામે આવ્યું હતું કે કેટલાક યુવાનો ફિલ્મી સ્ટાઈલમાં બાઈક અને સ્કૂટર ઉપર બેસીને જઈ રહ્યા છે, આ સાથે જ તે વીડિયો પણ શૂટ કરી રહ્યા છે. જેના બાદ એક સ્થળ ઉપર તે લોકો પહોંચે છે અને પછી વીડિયોમાં જોવા મળે છે કે એક યુવકને બીજા યુવકે કોલરથી પકડી રાખ્યો છે અને બે યુવાનો ધોકા અને પાઇપથી તે યુવકને માર મારી રહ્યા છે.
View this post on Instagram
પોલીસે વીડિયો વાયરલ થતા જ ઘટનાની ગંભીરતા સમજી અને તાત્કાલિક તપાસ હાથ ધરી હતી, જેના બાદ સાગર ડોડીયા અને અભિષેક હરણેશા નામના બે યુવકની ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા, જ્યાં કડકાઈથી પૂછપરછ કરતા તેમને પોતાનો ગુન્હો કબૂલી વીડિયો અપલોડ કર્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસ હજુ આ મામલામાં સંડોવાયેલા અન્ય ત્રણ યુવકોની શોધખોળ કરી રહી છે.