વધુ એક ભારતીય બન્યો યુક્રેનમાં ગોળીનો શિકાર, યુક્રેન છોડીને ભારત આવવાની કરી રહ્યો હતો તૈયારી.. જાણો સમગ્ર મામલો

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 9મોં દિવસ છે અને  આ બધા વચ્ચે જ ભારત માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. રશિયાના હુમલા વચ્ચે યુક્રેનની રાજધાની કિવથી પરત ફરી રહેલા એક ભારતીય વિદ્યાર્થીને ગોળી મારી દેવામાં આવી છે. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે અડધા રસ્તે પાછા કિવ લઇ જવામાં આવ્યો હતો.

પોલેન્ડમાં હાજર કેન્દ્રીય રાજ્ય મંત્રી વીકે સિંહે કહ્યું કે અમે વધુને વધુ ભારતીય વિદ્યાર્થીઓને સ્વદેશ પરત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ઘાયલ વિદ્યાર્થીની ઓળખ મેળવવામાં આવી રહી છે. અમે આના પર નજર રાખી રહ્યા છીએ. યુક્રેનના પડોશી દેશોમાં ભારતીય નાગરિકોને બચાવવા માટે ભારત સરકારે તેના 4 કેન્દ્રીય મંત્રીઓને મોકલ્યા છે. જેમાં કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી, જ્યોતિરાદિત્ય સિંધિયા, કિરેન રિજિજુ અને જનરલ (નિવૃત્ત) વીકે સિંહનો સમાવેશ થાય છે.

વીકે સિંહને મિશન ગંગા ચલાવવાની જવાબદારી માટે પોલેન્ડ મોકલવામાં આવ્યા છે. અગાઉ વીકે સિંહ પોલેન્ડના ગુરુદ્વારા સિંઘ સાહિબ ખાતે રોકાયેલા 80 ભારતીય વિદ્યાર્થીઓને પણ મળ્યા હતા. જનરલ વીકે સિંહે કહ્યું કે કિવના એક વિદ્યાર્થીને ગોળી મારવાની માહિતી મળી છે. તેમને તાત્કાલિક કિવની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

જનરલ વીકે સિંહે કહ્યું કે ‘ભારતીય દૂતાવાસે પહેલાથી જ પ્રાથમિકતાના આધારે સ્પષ્ટ કરી દીધું હતું કે દરેક વ્યક્તિએ કિવ છોડવું જોઈએ. યુદ્ધની સ્થિતિમાં બંદૂકની ગોળી કોઈના ધર્મ અને રાષ્ટ્રીયતાને જોતી નથી.” બગડતી સ્થિતિ વચ્ચે, ભારતીય વિદ્યાર્થીઓ યુદ્ધગ્રસ્ત યુક્રેનથી ભાગી રહ્યા છે અને ભારત પાછા ફરવા માટે પોલેન્ડની સરહદે પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે 2 ભારતીય વિદ્યાર્થીઓના મોત થઈ ચૂક્યા છે. 1 માર્ચે રશિયાએ યુક્રેનના ખાર્કિવમાં હવાઈ હુમલો કર્યો. જેમાં કર્ણાટકના રહેવાસી નવીન શેખરપ્પા નામના વિદ્યાર્થીનું મોત થયું હતું. આ અંગે વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે તેઓ વિદ્યાર્થીના મૃતદેહને ભારત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

2 માર્ચે પણ યુક્રેનમાં એક ભારતીય વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી. મૃતક ચંદન જિંદાલ પંજાબનો રહેવાસી હતો અને 4 વર્ષ પહેલા મેડિકલનો અભ્યાસ કરવા યુક્રેન ગયો હતો. 2 ફેબ્રુઆરીએ તે અચાનક બીમાર પડ્યો. આ પછી તેને ICUમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ચંદનનું મૃત્યુ કુદરતી મૃત્યુ છે. યુક્રેનમાં ભારતીય દૂતાવાસ આપણા નાગરિકો માટે એડવાઈઝરી જારી કરે છે. દૂતાવાસે અગાઉ કિવ અને ખાર્કિવ છોડીને કોઈ પણ સંજોગોમાં બીજે ક્યાંક પહોંચવાની અપીલ કરી હતી.

Niraj Patel