વડોદરાના મનીષ કીવમાં વિદ્યાર્થીઓ માટે બન્યા મદદગાર, રેસ્ટોરન્ટને બનાવ્યુ કોમ્યુનિટિ કિચન અને શેલ્ટર

યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ ત્યાંની સ્થિતિ વધુ વણસી છે. યુક્રેનિયન લોકોની સાથે સાથે, વિવિધ દેશોના ત્યાં રહેતા લોકો પણ ખૂબ જ હતાશ અને પરેશાન છે. આ અહેવાલો વચ્ચે યુક્રેનમાં એક ભારતીય રેસ્ટોરન્ટ ભારતીય વિદ્યાર્થીઓ અને યુક્રેનિયન નાગરિકો માટે મસીહા બનીને ઉભરી આવી છે. આ રેસ્ટોરન્ટ લોકોને આશ્રય અને ભોજન પ્રદાન કરી રહી છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અનુસાર, સાથિયા રેસ્ટોરન્ટે હુમલો શરૂ થયો ત્યારથી ઓછામાં ઓછા 70 લોકોને આશ્રય આપ્યો છે. રેસ્ટોરન્ટના માલિક મનીષ દવેએ આ અંગે જણાવ્યું હતું કે ચોકોલેવસ્કી બુલેવાર્ડના ભોંયરામાં સ્થિત હોવાના કારણે આ રેસ્ટોરન્ટ એક પ્રકારનું બોમ્બ બંકર બની ગયું છે.

ગુરુવારે, યુદ્ધમાં વિસ્ફોટથી ડરી ગયેલા ઘણા લોકો સાથિયા રેસ્ટોરન્ટમાં પોતાનો સામાન લઈને એકઠા થયા હતા. રેસ્ટોરન્ટમાં આશ્રય લેવા આવેલા લોકોને ચિકન બિરયાની પીરસવામાં આવી હતી.રેસ્ટોરન્ટના માલિક મનીષ દવેએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “ઘણા યુક્રેનિયન નાગરિકોએ પણ મારી રેસ્ટોરન્ટની મુલાકાત એ આશામાં લીધી હતી કે તેઓ અહીં સુરક્ષિત રહે. આ રેસ્ટોરન્ટ હવે બોમ્બ શેલ્ટર જેવું છે કારણ કે તે ભોંયરામાં નીચે છે. અમે દરેકને ભોજન પીરસીએ છીએ.” ગુડ નામના ટ્વિટર હેન્ડલ પરથી આ સંબંધમાં એક ટ્વિટ પણ કરવામાં આવ્યું હતું.

ટ્વીટમાં લખ્યું છે: “મનીષ દવે નામના વ્યક્તિએ યુક્રેનમાં તેની રેસ્ટોરન્ટને 125થી વધુ લોકો માટે આશ્રયસ્થાનમાં ફેરવી દીધી છે. તે અને કર્મચારીઓ રાશનની શોધમાં અને આશ્રિતો માટે ભોજન તૈયાર કરવામાં પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. દુનિયાને મનીષ દવે જેવા વધુ લોકોની જરૂર છે.” ગુજરાતના વડોદરામાં રહેતા મનીષ દવેએ લગભગ બે મહિના પહેલા યુક્રેનના કિવમાં પોતાની રેસ્ટોરન્ટ ખોલી હતી. તેમણે હોસ્ટેલ પાસે આ રેસ્ટોરન્ટ ખોલી હતી. તેમણે સપનું જોયું હતું કે હોસ્ટેલની બાજુમાં ખુલેલી તેમની રેસ્ટોરન્ટને ઘણો ફાયદો થશે.

તેમણે ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે રેસ્ટોરન્ટ પૈસા કમાઈ શકે તે પહેલાં બધું સમાપ્ત થઈ જશે. યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધને કારણે તેમની રેસ્ટોરન્ટ બંધ થઈ જશે. મનીષ, જે રેસ્ટોરાં વિશે મોટા સપના જોતા હતા, તેમને જીવનના આ અણધાર્યા વળાંક વિશે કોઈ ખ્યાલ નહોતો. યુદ્ધ ફાટી નીકળ્યા પછી, તેમની રેસ્ટોરન્ટમાં કમાણી બંધ થઈ ગઈ પરંતુ તે સારી કમાણી કરવા માટે મક્કમ હતા.

મનીષે તેમની રેસ્ટોરન્ટને કોમ્યુનિટી કિચનમાં ફેરવી નાખી. મનીષ દવે ગુજરાતીઓ, અન્ય ભારતીયો અને યુક્રેનિયનો સહિત લગભગ 125 લોકો માટે ભોજનની વ્યવસ્થા કરી રહ્યા છે. આ તમામ લોકો રેસ્ટોરન્ટના બેઝમેન્ટમાં જ આશરો લઈ રહ્યા છે. મનીષ દવેનું રહેઠાણ ગગનચુંબી ઈમારતના 12મા માળે આવેલું છે, કર્મચારીઓના રહેઠાણ અન્ય બિલ્ડિંગના ત્રીજા માળે છે. પરંતુ બોમ્બ આશ્રયસ્થાનો અથવા ભોંયરાઓ રહેવા માટે સૌથી સુરક્ષિત સ્થળો છે, એમ તેમણે જણાવ્યું હતું.

Shah Jina