ભારતીય રેલવેએ આપી શાનદાર ભેટ: મુંબઈ-ગાંધીનગર શતાબ્દીમાં લાગ્યા વિસ્ટાડોમ કોચ, જુઓ અંદરનો નજારો વીડિયોમાં અને જાણો શું છે ખાસિયત

ભારતીય રેલ્વે મુસાફરોને વધુ સારી સુવિધા આપવા માટે સતત પ્રયાસો કરે છે. આ દિશામાં રેલ્વેએ હવે નવા વિસ્ટાડોમ કોચ તૈયાર કર્યા છે, જે ભારતમાં અત્યાર સુધીના સૌથી હાઇટેક રેલ્વે કોચ છે. 11 એપ્રિલથી પશ્ચિમ રેલવે ઝોનની ટ્રેન નંબર 12009/10 મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ શતાબ્દી એક્સપ્રેસમાં આ કોચ ઉમેરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ ટ્રેનનું બુકિંગ 09 એપ્રિલ 2022થી શરૂ થઇ ગયું છે. વિસ્ટાડોમ કોચમાં 44 મુસાફરો મુસાફરી કરી શકશે. વિસ્ટાડોમ કોચની વિશેષતા મુસાફરોને આકર્ષે છે. તે રુફટોપ ગ્લાસથી સજ્જ છે, જેમાં મુસાફરો 260 ડિગ્રી સુધી આકાશ, પુલ, ટનલ, પર્વતો અને લીલાછમ જંગલોને નિહાળવાનો આનંદ માણી શકશે.

ચાલો તમને વિસ્ટાડોમ કોચની કેટલીક ખાસ વિશેષતાઓ વિશે જણાવીએ. નવા વિસ્ટાડોમમાં કાચની છત, કાચની બારીઓ અને 180-ડિગ્રી રિક્લાઈનિંગ સીટો છે. મુસાફરોની સુવિધા માટે આ કોચમાં વાઈ-ફાઈ આધારિત પેસેન્જર ઈન્ફોર્મેશન સિસ્ટમ આપવામાં આવી છે. ઓબ્ઝર્વેશન લોન્જમાં મોટી બારી બનાવવામાં આવી છે. સલામતી માટે, બારીઓને કાચની ચાદરથી લેમિનેટ કરવામાં આવે છે.

વિસ્ટાડોમ કોચમાં એર-સ્પ્રિંગ સસ્પેન્શનની સુવિધા પણ મળે છે. તમામ સીટોની નીચે મોબાઈલ ચાર્જ કરવા માટે પોઈન્ટ આપવામાં આવ્યા છે. દરેક વ્યક્તિ માટે ડિજિટલ ડિસ્પ્લે અને સ્પીકર લગાવવામાં આવ્યા છે, જેની મદદથી યાત્રીઓ તેમના મન અનુસાર ગીતોનો આનંદ લઈ શકશે અથવા જોઈ શકશે.

મેટ્રોની જેમ આ કોચમાં પણ ઓટોમેટિક સ્લાઈડિંગ ડોર અને જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવી છે. મુસાફરો માટે મીની પેન્ટ્રી, માઈક્રોવેવ ઓવન, કોફી મેકર, વોટર કુલર, ફ્રીઝ અને વોશ બેસિન આપવામાં આવ્યા છે. તમામ કોચમાં સીસીટીવી કેમેરા અને એફઆરપી મોડ્યુલર ટોઇલેટ લગાવવામાં આવ્યા છે.

ભારતીય રેલવે દ્વારા આ વિસ્ટાડોમ કોચનો એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે, જેની સાથે કેપશનમાં લખવામાં આવ્યું છે. “મુંબઈ-ગાંધીનગર કેપિટલ શતાબ્દી એક્સપ્રેસ સાથે જોડાયેલ #વિસ્ટાડોમ કોચમાં એક એવી મુસાફરીનો અનુભવ કરો જે તમારી ક્ષિતિજોને વિસ્તૃત કરશે. કાચની મોટી બારીઓ અને કાચની છત મનોહર માર્ગનું મનોહર દૃશ્ય પ્રદાન કરે છે.”

Niraj Patel