રામ નગરી અયોધ્યાના ઋષિએ જીત્યો ઇન્ડિયન આઇડલનો ખિતાબ… મળ્યા અધધધ લાખ રૂપિયા, શહેરમાં છવાયો ઉત્સવ જેવો માહોલ

ઇન્ડિયનની આઇડલની 13મી સીઝનને મળી ગયો તેનો વિજેતા, ઋષિ સિંહના માથે મુકાયો તાજ, જુઓ જીત બાદ શું કહ્યું ?

આપણા દેશમાં રિયાલિટી શોને ખુબ જ પસંદ કરવામાં આવે છે અને આ રિયાલિટી શો દ્વારા જ ભારતને ઘણા બધા એવા કલાકારો મળ્યા છે જેમણે પોતાની મહેનતથી આ મુકામ હાંસલ કર્યું છે. એવો જ એક શો છે ઇન્ડિયન આઇડલ. જેમાંથી પણ ઘણા બધા વિજેતાઓ મળ્યા અને આજે બોલીવુડમાં એક મોટું નામ પણ બની ગયા છે.

રવિવારે મોડી રાત્રે સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલ 13માં રામ નગરી અયોધ્યાનો લાલ ઋષિ સિંહ વિજેતા બન્યો કે તરત જ આખા અયોધ્યા શહેરમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો. તેના વિસ્તાર ખાવસપુરા દયાનંદ માર્ગ પર બધાએ એકબીજાને અભિનંદન આપીને ઉજવણી કરી હતી. ઇન્ડિયન આઇડલના વિજેતા થવા પર ઋષિને 25 લાખની ઈનામી રકમ અને એકદમ નવી ચમકતી કાર (બ્રેઝા) ઉપરાંત ટ્રોફી પણ મળી.

જોકે, આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે મુંબઈ ગયેલા તેના માતા-પિતા હજુ પાછા ફર્યા નથી. ત્યારે પણ લોકો તેમને ફોન કરીને અભિનંદન આપી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ ઋષિ સિંહ અયોધ્યા આવ્યો હતો. તેણે રામલલા, હનુમાનગઢી અને કનક ભવનની મુલાકાત લીધી અને ફાઈનલ જીતવા માટે ભગવાન પાસે આશીર્વાદ માંગ્યા.

તેણે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા આયોજિત નવ દિવસીય રામ નવમીની ઉજવણીમાં ભાગ લીધો હતો. સમિતિના લોકો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ઋષિના પિતા રાજેન્દ્ર સિંહ વિકાસ ભવનમાં કામ કરે છે. તેની માતા અંજલિ સિંહ સહિત પરિવારના ઘણા સભ્યો અને મિત્રો તેને ખુશ કરવા મુંબઈ ગયા હતા.

ઋષિ સિંહ આ શોના વિજેતા બન્યો હતો ત્યારે કોલકાતાની દેબોસ્મિતા રોય ફર્સ્ટ રનર-અપ રહી હતી. ઋષિ અને દેબોસ્મિતા ઉપરાંત ટોપ 6માં સોનાક્ષી કાર, ચિરાગ કોટવાલ, શિવમ સિંહ અને બિદિપ્તા ચક્રવર્તીનો સમાવેશ થાય છે. ઋષિ બધા ગાયકો ઉપર પ્રબળ હતા. જો કે, પહેલાથી જ એવી ઘણી અટકળો હતી કે તે સિઝન 13ની ટ્રોફી જીતશે. કારણ કે ઋષિએ ઓડિશન રાઉન્ડથી જ બધાને પ્રભાવિત કર્યા હતા. રિશીનો એવો ક્રેઝ છે કે વિરાટ કોહલી પણ તેને ફોલો કરે છે.

ઈન્ડિયન આઈડલ શો જીતવા પર સિંગરે કહ્યું “હું હજુ પણ વિશ્વાસ નથી કરી શકતો કે મેં આ શો જીત્યો છે. આ એક સ્વપ્ન સાકાર થવા જેવું છે. આ એક મહાન સન્માન છે. હું આખી ટીમ, ચેનલ અને નિર્ણાયકોનો આભાર માનું છું. હું હવે વધુ મહેનત કરીશ. ઋષિ સિંગિંગ લિજેન્ડ અરિજિત સિંહને પોતાનો આદર્શ માને છે. તેઓ તેના માટે ક્રેઝી છે અને તેને મળવાની ઈચ્છા રાખે છે. બંને બહુ જલ્દી મળે તેવી આશા છે.

Niraj Patel