IAS પૂજા સિંઘલની જેલ પહોંચતા જ હાલત ખરાબ થઇ, રેડમાં મળી આવી હતી 20 કરોડ રોકડ

EDએ 18 કરોડના મનરેગા કૌભાંડમાં IAS પૂજા સિંઘલની ધરપકડ કરી છે. તે 5 દિવસના ED રિમાન્ડ પર રહેશે. ED તેને રિમાન્ડ પર લેવા માટે સવારે 10.15 કલાકે બિરસા મુંડા જેલમાં પહોંચશે. ગઈકાલે રાત્રે જેલ પહોંચતા જ પૂજા સિંઘલનું બ્લડ પ્રેશર વધી ગયું હતુ અને તે બેહોશ થઈ ગઇ હતી. જે બાદ તેને જેલ પ્રશાસન દ્વારા દવાઓ આપવામાં આવી હતી, ત્યારબાદ તેની સ્થિતિમાં સુધારો થયો હતો. પૂજા સિંઘલની તબિયતમાં સુધારો થતાં તેને મહિલા વોર્ડમાં મોકલવામાં આવી હતી. ઈડી ઓફિસમાં મંગળવાર અને બુધવારે બંને દિવસે પૂજા સિંઘલની કુલ 15 કલાકથી વધુ પૂછપરછ કરવામાં આવી હતી.

તેના પતિ અભિષેક ઝા અને સીએ સુમન કુમારની પણ અપ્રમાણસર સંપત્તિના સંબંધમાં પૂછપરછ કરવામાં આવી હતી. EDએ પહેલા જ CA સુમન કુમારની ધરપકડ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે પૂછપરછ દરમિયાન પૂજાને ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેમાં કેટલાક સવાલોએ IAS પૂજા સિંઘલને અસ્વસ્થ કરી દીધા હતા. તે યોગ્ય રીતે જવાબ આપી શકી ન હતી. પૂજા સિંઘલને 5 દિવસના ED રિમાન્ડ પર મોકલી દેવામાં આવી છે. મનરેગા કૌભાંડમાં પકડાયેલી ઝારખંડની ખાણ સચિવ પૂજા સિંઘલ ગઈકાલે રાતથી જેલમાં બંધ છે અને હવે EDની કસ્ટડીમાં તમામ રહસ્યો તેને ખોલવા પડશે.

પૂજા સિંઘલની બે દિવસથી પૂછપરછ કરવામાં આવી હતી. પરંતુ તે EDના સવાલોના જવાબ આપી શકી ન હતી. હવે પૂજા સિંઘલના પતિ પર પણ ધરપકડની તલવાર લટકી રહી છે. પૂજા સિંઘલ ઝારખંડની વરિષ્ઠ અધિકારી છે. હાલમાં તે ઉદ્યોગ સચિવ અને ખાણ સચિવનો ચાર્જ સંભાળે છે. આ સિવાય પૂજા સિંઘલ ઝારખંડ સ્ટેટ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (JSMDC)ની અધ્યક્ષ પણ છે. જણાવી દઈએ કે આ પહેલા પણ પૂજા સિંઘલ બીજેપી સરકારમાં કૃષિ સચિવ તરીકે તૈનાત હતી. મનરેગા કૌભાંડ સમયે પૂજા ખુંટીમાં ડીસી તરીકે તૈનાત હતી.

પૂજાના પતિની વાત કરીએ તો, અભિષેક ઝા રાંચીમાં સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ અને ડાયગ્નોસ્ટિક સેન્ટર ચલાવે છે. તેમાં કરોડો રૂપિયાનું શંકાસ્પદ રોકાણ પણ થયું છે. મંગળવાર અને બુધવારે પૂજા સિંઘલ, તેના પતિ અભિષેક ઝા અને તેના CA સુમન કુમાર સિંહનો આમનો સામનો થયો હતો અને કરોડોની વસૂલાત અને રોકાણ અંગે પૂછપરછ કરવામાં આવી હતી. વસૂલ કરાયેલા નાણાંના સ્ત્રોત વિશે સ્પષ્ટ માહિતી ન આપવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી.

Shah Jina