અમદાવાદના જજીસ બંગલો વિસ્તારમાં આવેલા NRI ટાવરમાં મોડી રાત્રે લોહિયાળ ખેલ ખેલાયો હતો. ગુજરાત મેરિટાઇમ બોર્ડના ક્લાસ-1 ઓફિસર યશરાજસિંહ ગોહિલે (જેઓ શક્તિસિંહ ગોહિલના ભત્રીજા થાય છે) પારિવારિક અણબનાવમાં પત્નીને ગોળી મારી પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. માત્ર બે મહિના પહેલા જ લગ્ન કરનાર આ યુગલના કરુણ અંજામથી ચકચાર મચી ગઈ છે. વસ્ત્રાપુર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે આ મામલે તપાસ હાથ ધરી છે.
પતિ-પત્ની વચ્ચે કોઈ અજ્ઞાત કારણોસર તકરાર થઈ હતી, જે એટલી હદે વધી ગઈ કે યશરાજસિંહે આવેશમાં આવી પત્ની પર ગોળીબાર કર્યો હતો. ઘટનામાં એક ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે, પત્ની પર હુમલો કર્યા બાદ તેમણે પોતે જ 108 ઈમરજન્સી સેવાને કૉલ કરીને આ અંગે માહિતગાર કર્યા હતા. ત્યારબાદ, તેમણે પોતાની રિવોલ્વરથી સ્વયં પર ફાયરિંગ કરી જીવનલીલા સંકેલી લીધી હતી. હાલમાં NRI ટાવર પરિસરમાં પોલીસનો કાફલો ખડકી દેવાયો છે અને બંનેના શબને પંચનામા બાદ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ ભાવનગરના રહેવાસી યશરાજ ગોહિલ અને તેમના પત્ની રાજેશ્વરી ગોહિલ અમદાવાદના NRI ટાવરમાં સ્થાયી થયા હતા. ગઈકાલે મોડી રાત્રે આ દંપતી વચ્ચે કોઈ અકળ કારણોસર તકરાર થઈ હતી. ઝઘડો વકરતા ઉશ્કેરાયેલા યશરાજે પોતાની રિવોલ્વરથી પત્ની રાજેશ્વરી પર ગોળીબાર કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં ઢળી પડેલી પત્નીને જોઈને યશરાજે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. જોકે, ઘટનાસ્થળે પહોંચેલા ડોક્ટરોએ તપાસ બાદ રાજેશ્વરીને મૃત જાહેર કરી હતી.
108 ની ટીમ જ્યારે પોતાની કામગીરી પતાવીને ફ્લેટની બહાર નીકળી, તે જ ઘડીએ યશરાજે એ જ રિવોલ્વરથી પોતાના માથામાં ગોળી ઝીંકી દીધી હતી. આ આકસ્મિક બનાવથી આજુબાજુના રહીશો સ્તબ્ધ થઈ ગયા હતા અને જોતજોતામાં ખુશહાલ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. હાલ વસ્ત્રાપુર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે તપાસનો દોર સંભાળ્યો છે. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલાયા છે અને આ હિંસક પગલાં પાછળનું મુખ્ય કારણ શોધવા માટે પૂછપરછ શરૂ કરવામાં આવી છે.



