નાનાની છેલ્લી યાદગીરી તરીકે હતું ઘરમાં નારિયેળીનું ઝાડ, પોલીસ અધિકારીએ ઝાડને અંદર રાખી બનાવ્યું અનોખું ઘર, જુઓ તસવીરો
દરેક વ્યક્તિનું સપનું હોય છે કે પોતાનું એક ઘર હોય અને આ ઘર બનાવવા માટે લોકો દિવસ રાત તનતોડ મહેનત પણ કરતા હોય છે, છતાં પણ આજના મોંઘવારીના જમાનામાં કેટલાક લોકો જિંદગી ભાડાના મકાનમાં જ વિતાવતા હોય છે. ત્યારે ઘણા લોકોના આ સપના પુરા પણ થતા હોય છે. ઘણીવાર તમે જોયું હશે કે ઘર બનાવવા માટે લોકો જમીન ખાલી કરવા માટે ઝાડવા પણ કાપી નાખતા હોય છે. ત્યારે હાલ એક ઘર ખુબ જ ચર્ચામાં આવ્યું છે.
પશ્ચિમ બંગાળના ઈસ્ટ બર્દવાનમાં એક પોલીસ અધિકારીએ એવું ઘર બનાવ્યું જેની ચર્ચાઓ હવે ચારેય બાજુ થતી જોવા મળી રહી છે. કારણ કે આ પોલીસ અધિકારી અરિન્દમ પાલે ઘરની વચ્ચે આવતા એક નારિયેળીના ઝાડને કાપ્યા વિના જ તેમનું બે માળનું મકાન બનાવી દીધું. અરિન્દમ મંતેશ્વરના દાઉકાડોંગા ગામના રહેવાસી છે. તે હાવડા પોલીસ કમીશ્નરેટના ડાસનગર પોલીસ સ્ટેશનમાં ASIની પોસ્ટ પર કાર્યરત છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે તેમનો પરિવાર દાઉકાડોંગામાં જૂના મકાનમાં રહે છે. તેથી તેમણે વિચાર્યું કે નવું ઘર કેમ ન બનાવવું. પરંતુ સમસ્યા એ હતી કે જ્યાં તેમને ઘર બનાવવું હતું. ત્યાં એક નાળિયેરનું ઝાડ વાવેલ છે. આ નાળિયેરનું વૃક્ષ તેમના નાના વિશ્વનાથ કોનાર દ્વારા 35 વર્ષ પહેલા વાવેલ હતું. ASI અરિંદમ અને તેમના પરિવારને આ વૃક્ષ ખૂબ જ ગમે છે. પરંતુ સમસ્યા એ હતી કે આ વૃક્ષને કાપ્યા વિના ઘર બની શકતું ન હતું.
તેઓ નાનાજીની સ્મૃતિને પણ ભૂંસી નાખવા માંગતા ન હતા. નાનાજીનું 25 વર્ષ પહેલા 80 વર્ષની વયે અવસાન થયું હતું. આ વૃક્ષને જોઈને પરિવારને લાગે છે કે જાણે નાનાજી તેમની સાથે હોય. આ નાળિયેરનું ઝાડ ત્રણ માળની ઈમારત કરતાં પણ ઊંચું છે. એએસઆઈ અરિન્દમે પરિવાર સાથે મળીને નિર્ણય લીધો કે ઝાડને કાપ્યા વગર તેની આસપાસ ઘર બનાવવું. પછી તેમણે ઘર બનાવનારને આખી વાત સમજાવી.
આજુબાજુના લોકોને જાણ થતાં તેઓએ કહ્યું કે ઝાડ કાપ્યા પછી જ ઘર બનાવો, નહીં તો મુશ્કેલીમાં મુકાઈ જશો. ASIએ કોઈની વાત ન સાંભળી અને ઝાડ કાપ્યા વગર મકાનનું બાંધકામ શરૂ કરી દીધું. ઘરનું કામ લગભગ પૂર્ણ થઇ ગયું હતું. જે લોકો ASIને ઝાડ કાપીને ઘર બનાવવાનું કહેતા હતા, એ જ લોકો તેમના કામની પ્રશંસા કરતા થાકતા નથી. ઝાડની ડાળીઓ અને પાંદડા ઘરની ઉપરથી દેખાય છે, જેના કારણે ઘરની સુંદરતા વધી છે.