ગુજરાતમાં છે અંબાણીના એન્ટીલિયા અને સૈફના પટૌડી પેલેસને ટક્કર મારે એવા સુંદર પેલેસ- જુઓ

ભારતના ઇતિહાસમાં પ્રાચીનકાળથી લઈને મધ્યકાળ સુધી ઘણા રાજાઓ અને શાસકોએ પોતાના શાસનકાળમાં સુંદર અને ભવ્ય મહેલોનું નિર્માણ કરાવ્યું હતું અને કેટલાક મહેલો એવા છે જે ગુજરાતમાં પણ આવેલા છે. આ મહેલોની મુલાકાતે દર વર્ષે હજારો-લાખો વિદેશીઓ આવે છે. તો ચાલો તમને અમે બતાવીએ ગુજરાતના ભવ્ય અને ઐતિહાસિક મહેલોની એક ઝલક.

લક્ષ્મીવિલાસ પેલેસ, વડોદરા : તમે કદાચ વિશ્વાસ નહિ કરો, પણ એ હકિકત છે કે દુનિયાનું સૌથી મોટું ઘર બીજા કોઈ દેશમાં નહીં પણ ભારતમાં છે. તેની સામે તો મુકેશ અંબાણીનું એન્ટિલિયા અને ઈંગ્લેન્ડમાં સ્થિત બકિંગહામ પેલેસ પણ ફીકું પડી જાય. તેનો વિસ્તાર બકિંગહામ પેલેસ કરતા 4 ગણો મોટો છે. તેના વિસ્તારની વાત કરીએ તો તે 3,04,92,000 ચોરસ ફૂટ એટલે કે લગભગ 700 એકર છે. જેનું નામ છે લક્ષ્મી વિલાસ પેલેસ અને તે ગુજરાતના વડોદરામાં આવેલું છે. આ પેલેસનું બાંધકામ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના સમયમાં થયું હતું. આ મહેલમાં ભારતના પ્રસિદ્ધ ચિત્રકાર રાજા રવિ વર્માના ચિત્રો જોવા મળે છે.

આઈના મહેલ, ભુજ : મહારાજા લખપતસિંહે ભુજમાં આવેલ આઈના મહેલ બંધાવ્યો હતો અને આ મહેલની ખાસ વાત એ છે કે તેની દીવાલો આરસની છે અને તેના પર અરીસાઓ લગાવવામાં આવ્યા છે.

દોલત વિલાસ પેલેસ, ઈડર : મહારાજા દોલતસિંહે અરવલ્લી પર્વતમાળા પાસે આવેલ આ મહેલ બંધાવ્યો હતો. જેને લાવાદુર્ગ તરીકે પણ ઓળખવામાં આવે છે.

નવલખો મહેલ, ગોંડલ : 17મી સદીમાં થયું હતું નવલખા મહેલનું નિર્માણ. આ મહેલનું બાંધકામ તે સમયે અંદાજે 9 લાખ રૂપિયામાં થયું હતું.

રણજીત વિલાસ પેલેસ, વાંકાનેર : આ પેલેસનું નિર્માણ વાંકાનેરની ટેકરી પર વાંકાનેરના રાજવી અમરસિંહે કરાવ્યું હતું. જેના પર ઇટાલિયન ડચ અને યુરોપિયન શૈલીનો પ્રભાવ જોવા મળે છે.

પ્રાગ મહેલ, ભુજ : પ્રાગ મહેલની વાત કરીએ તો, તેનું નિર્માણ રાવ પ્રાગમલજીએ શરૂ કરાવ્યું અને નિર્માણકાર્ય ખેંગારજી ત્રીજાના સમયમાં પૂર્ણ થયું. મહેલમાં 45 ફૂટ ઊંચા ટાવર આવેલા છે, જ્યાંથી આખું ભુજ શહેર દેખાય છે.

વિજય વિલાસ પેલેસ, માંડવી : માંડવીના દરિયા કિનારે આવેલ વિજય વિલાસ પેલેસનું નિર્માણ વિજયસિંહજીએ કરાવ્યું હતું. જેના માટે તેમણે જયપુરથી કારીગરો બોલાવ્યા હતા. આ પેલેસમાં બોલીવુડની સુપરહિટ ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમ ફિલ્મનું શૂટિંગ પણ થયું છે.

મોતીશાહી મહેલ, અમદાવાદ : અમદાવાદ ખાતે આવેલા આ મહેલની સ્થાપના શાહજહાંએ કરી હતી. આ મહેલના એક ખંડનો ઉપયોગ રવિન્દ્રનાથ ટાગોરે અધ્યયન માટે કર્યો હતો અને આજે તેને ટાગોર સ્મૃતિ ખંડ તરીકે ઓળખવામાં આવે છે.

રાજવંત મહેલ, રાજપીપળા : 1915માં રાજા વિજયસિંહજીએ આ મહેલનું નિર્માણ કરાવ્યું હતું. યુરોપિયન સ્ટાઈલથી તૈયાર કરવામાં આવેલ આ મહેલમાં રોમ અને ગ્રીક કારીગરીની ઝલક જોવા મળે છે.

Shah Jina