12 વર્ષથી કેન્સરથી પીડિત પિતા રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા, દીકરીએ છોકરાઓ સાથે મળીને કરી પ્રેક્ટિસ, બની રાજ્યની પહેલી અગ્નિવીર, જુઓ સફળતાની કહાની

સલામ છે આ દીકરીને જેણે પોતાના પરિવારની કથળતી પરિસ્થિતિને જોઈને કર્યું એવું કામ કે આજે આખો દેશ કરી રહ્યો છે સલામ…જુઓ સફળતાનાં સંઘર્ષની કહાની

આપણા દેશમાં ઘણા લોકો એવા છે જે સફળતા મેળવવા માટે દિવસ રાત એક કરી દેતા હોય છે. ઘણીવાર પરિસ્થિતિઓ પણ સાથ નથી આપતી તે છતાં પણ આ લોકો એવું કંઈ કરીને બતાવે છે જે ઇતિહાસ રચી દે છે. સોશિયલ મીડિયામાં તમે પણ આવી ઘણી પ્રેરણાદાયી કહાનીઓ સાંભળી હશે. આજે પણ એક એવી જ કહાની સામે આવી છે જે એક દીકરીની છે.

છત્તીસગઢના દુર્ગ જિલ્લાની દીકરી હિશા બઘેલ રાજ્યની પ્રથમ ‘મહિલા અગ્નિવીર’ બની છે. તેની નેવી માટે પસંદગી કરવામાં આવી છે. હિશા હાલમાં ઓડિશાના ચિલ્કા ખાતે ભારતીય નૌકાદળના વરિષ્ઠ માધ્યમિક ભરતી માટે તાલીમ લઈ રહી છે. તેની તાલીમ માર્ચ સુધી ચાલુ રહેશે. જે બાદ તે દેશની સુરક્ષા માટે તૈયાર થઈ જશે.

ખાસ વાત એ છે કે હિશાએ પોતાને જ પોતે અગ્નિવીર બનવાની તાલીમ આપી છે. આ માટે તે શાળાના દિવસોથી જ દરરોજ દોડ અને યોગ દ્વારા પોતાને તૈયાર કરતી હતી. હિશાની સફળતા પર તેની માતાએ કહ્યું, “મને ખૂબ ગર્વ છે. તે ખૂબ જ મહેનતુ છે અને તાલીમ માટે સવારે 4 વાગે ઉઠી જતી હતી. અમે અમારી જમીન અને રીક્ષા વેચી દીધી છે અને પૈસા બાળકોના શિક્ષણ અને કેન્સરથી પીડિત મારા પતિની સારવાર માટે વાપર્યા છે.”

હિશાની માતાએ જણાવ્યું કે પિતા સંતોષ બઘેલે બાળકોના શિક્ષણમાં કોઈ કસર છોડી નથી. તેમણે કહ્યું કે હિશાના પિતા કેન્સર સામે ઝઝૂમી રહ્યા છે. પરિવારનું ભરણપોષણ કરવા અને દીકરીને ભણાવવા માટે તેમણે પોતાની રીક્ષા અને જમીન પણ વેચી દીધી. પરિવારના ખર્ચને પહોંચી વળવા હિશાએ બાળકોને ટ્યુશન શીખવવાનું પણ શરૂ કર્યુ.

બીજી તરફ, અગ્નિપથ યોજનામાં હિશા બઘેલની પસંદગી પર તેની શાળાના શિક્ષકે કહ્યું, “હું ખૂબ જ ખુશ છું કે અમારી શાળાની એક વિદ્યાર્થીનીને પ્રથમ મહિલા અગ્નવીર તરીકે પસંદ કરવામાં આવી છે. તે ખૂબ જ તેજસ્વી વિદ્યાર્થી હતી. તે રમતગમતમાં પણ સારી હતી. પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં તે સફળ થઈ શકી.

હિશા દુર્ગના નાના ગામ બોરી ગરકાની રહેવાસી છે. તેના શાળાના દિવસો દરમિયાન તે દરરોજ સવારે દોડવા જતી હતી. તૈયારી માટે તેણે યોગનો પણ આશરો લીધો. કોલેજમાં અભ્યાસ કરતી વખતે હીશાએ NCCમાં જોડાવાનું નક્કી કર્યું. NCCની ટ્રેનિંગ દરમિયાન જ અગ્નિવીરનું ફોર્મ બહાર આવ્યું હતું અને હીશાએ તેના માટે અરજી પણ કરી હતી. ટૂંક સમયમાં તેની પસંદગી પણ થઈ ગઈ.

Niraj Patel