હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ગુજરાતમાં ભારે વરસાદને લઇને મોટી આગાહી ! આવતીકાલથી 30 જૂન સુધી ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ
થોડા દિવસોથી તો બિપરજોયને લઇને વરસાદ અને વાદળા જેવું વાતાવરણ રહ્યુ તે બાદ હવે ભારે ગરમી લોકોને પરેશાન કરી રહી છે, ત્યાં હવે લોકો એ રાહ જોઇ રહ્યા છે કે વિધિવત રીતે ચોમાસું ક્યારે બેસે.. ત્યારે આ વચ્ચે હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. તેમના અનુસાર, જલદી જ ચોમાસું ગુજરાતમાં આવી જશે અને ભારેથી અતિભારે વરસાદ થશે તેમજ નદીઓ પણ બે કાંઠે વહેતી થશે. તેમણે રાજ્યના અનેક ભાગોમાં 25થી 30 જૂન દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે,
મધ્ય ગુજરાત, ઉત્તર-મધ્ય, પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે તેવું પણ તેમણે જણાવ્યુ છે. હાલ તો હવે બસ ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થાય તેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. મહારાષ્ટ્રના છેડે ચોમાસું ગૂંચવાઈ ગયું છે અને ચોમાસું આગળ વધે તેની રાહ જોવાઈ રહી છે. હવામાન વિદ અંબાલાલ પટેલનું કહેવુ છે કે, બંગાળના ઉપસાગરમાં ઉભું થતું વરસાદી વહનના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે અને 25થી 30 જૂનમાં રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
વલસાડ, ડાંગ અને આહવામાં પણ વરસાદ વરસી શકે છે. 5 જુલાઈ સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે, જે ચોમાસાનો વિધિવત વરસાદ હશે. તેમણે જણાવ્યુ કે, ગુજરાતમાં આ વખતે ભલે ચોમાસું મોડું આવશે પણ એન્ટ્રી ધમાકેદાર હશે. તેમણે કહ્યુ કે, ભારે વરસાદના કારણે નર્મદા અને તાપી નદીના જળ સ્તરમાં વધારો થશે અને 10 જુલાઈ સુધીમાં સાબરમતી નદીમાં પણ પાણીની આવક થવાની શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા પણ 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે, જે અનુસાર 27 જૂનને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે અને 28થી 30 જૂન દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત જૂનના અંતમાં ધમાકેદાર વરસાદ અને અમદાવાદ મહેસાણામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે.