25 મિલિયન ફોલોઅર્સ વાળો સૌથી યુવા ક્રિકેટર બન્યો હાર્દિક પંડ્યા, વીડિયો શેર કરીને વ્યક્ત કરી ખુશી.. જુઓ શું કહ્યું ?
ભારતીય ટી-20 ટીમનો કપ્તાન અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આજે દુનિયાભરનું એક મોટું નામ બની ગયો છે. હાર્દિક પંડ્યાનું ફેન ફોલોઇંગ પણ જબરદસ્ત વધી રહ્યું છે અને તેને ચાહકોનો ભરપૂર પ્રેમ પણ મળતો જોવા મળે છે. થોડા દિવસ પહેલા જ તેણે ઉદયપુરમાં તેની પત્ની નતાશા સાથે ફરીવાર ધામધૂમથી લગ્ન કર્યા હતા અને તેને લઈને પણ તે ચર્ચામાં આવ્યો હતો.
ત્યારે હવે ફરીવાર હાર્દિક પંડ્યા ચર્ચામાં આવ્યો છે. હાર્દિક પંડ્યા ઈન્સ્ટાગ્રામ પર 25 મિલિયન ફોલોઅર્સ સાથે વિશ્વનો સૌથી યુવા ક્રિકેટર બની ગયો છે. રસપ્રદ વાત એ છે કે, હાર્દિકના રાફેલ નડાલ, રોજર ફેડરર, મેક્સ વર્સ્ટાપેન અને એર્લિગ હાલેન્ડ જેવા વૈશ્વિક સ્ટાર્સ કરતાં વધુ ફોલોઅર્સ છે. પોતાના ચાહકોનો આભાર માનતા હાર્દિકે કહ્યું, “તમારા પ્રેમ માટે મારા તમામ ચાહકોનો આભાર. મારા બધા ચાહકો મારા માટે ખાસ છે અને હું તેમના પ્રેમ અને સમર્થન માટે તેમનો આભાર માનું છું.”
2016માં પોતાની ઈન્ટરનેશનલ કરિયરની શરૂઆત કરનાર હાર્દિક પંડ્યાએ ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂ કર્યા બાદ ક્યારેય પાછળ વળીને જોયું નથી. 29 વર્ષની ઉંમરે તે ભારતીય ટીમની સાથે સાથે IPLમાં પણ વરિષ્ઠ સભ્ય છે. તેના નેતૃત્વમાં નવી ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સ પહેલી જ વારમાં ચેમ્પિયન બની હતી. 2018થી ટેસ્ટ ટીમમાંથી બહાર રહેલો હાર્દિક બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ભારતીય ટીમનો ભાગ નથી.
View this post on Instagram
હાર્દિકે તેની પોસ્ટમાં લખ્યું કે, મારી સુંદર પત્ની નતાશા મને 25 મિલિયન ફોલોઅર્સની ખુશી મનાવવા માટે 25 પ્રશ્નો પૂછી રહી છે. જેના બાદ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે હાર્દિક પંડ્યા તેની પત્ની નતાશા દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોનો એક પછી એક જવાબ આપી રહ્યો છે. આ દરમિયાન તેણે પોતાના ખોળામાં પોતાના નાના પપીને પણ બેસાડ્યું છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને ચાહકો પણ તેને શુભકામનાઓ પાઠવી રહ્યા છે.