ઈરાનમાં બંધક બનાવાયેલા પટેલ દંપતીનો સરકારની મદદથી છૂટકારો, પરિવારે હર્ષ સંઘવી માટે લખ્યું- ‘તમે અમારા શ્રીકૃષ્ણ બનીને આવ્યા’
આજકાલ ઘણા લોકોને વિદેશ જવાનું ઘેલુ લાગ્યુ છે. કેટલાક લોકો કાયદેસર તો કેટલાક કોઇપણ ભોગે ગેરકાયદેસર પણ વિદેશ પહોંચવા માગતા હોય છે. ઘણીવાર ગેરકાયદે વિદેશ જતા લોકો કોઇ પણ ઘટનાનો ભોગ પણ બનતા હોય છે અને કેટલીકવાર તો જિંદગીથી પણ હાથ ધોઇ બેસતા હોય છે. ત્યારે હાલમાં જ એક મામલો સામે આવ્યો હતો જેમાં ગેરકાયદેસર અમેરિકા જવા નીકળેલું ગુજરાતી દંપતીનું ઈરાનમાં અપહરણ કરાયુ અને પછી તેમને ટોર્ચર કરવામાં આવ્યા અને પરિવાર પાસે ખંડણી પણ માંગવામાં આવી.
જો કે, હવે આ દંપતિને ગઈકાલે રથયાત્રાના દિવસે અપહરણકારોના ચુંગલમાંથી છોડાવાયા અને ગુજરાત સરકારના પ્રયાસોથી RAW અને IBની ટીમે ઓપરેશન ચલાવ્યુ હતુ. ત્યારે હેમખેમ છુટેલું પટેલ દંપતી સવારે ભારત આવી પહોંચ્યુ. મુંબઈ એરપોર્ટ પર વહેલી સવારે આવ્યા બાદ તેમને અમદાવાદ લાવવામાં આવ્યા હતા. હાલ તો પંકજ પટેલને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે, અને પત્ની નિશા પણ તેની સાથે હોસ્પિટલમાં જ છે પરંતુ તે સ્વસ્થ છે. જો કે, આ દરમિયાન નિશા પટેલ ગર્ભવતી હોવાનું ખુલ્યુ છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદના નવા નરોડામાં રહેતા પંકજ પટેલ અને પત્ની નિશા પટેલ ગેરકાયદે રીતે અમેરિકા જવા 3 જૂનના રોજ અમદાવાદથી નીકળ્યા હતા અને તેમને હૈદરાબાદ અને ત્યાંથી ઈરાન થઈને દુબઈ પહોંચ્યા બાદ અનેક દેશોમાં ફરીને મેક્સિકો જવાનું હતું, અને છેલ્લે બોર્ડર ક્રોસ કરીને અમેરિકામાં ઘૂસવાનું હતું. પણ હૈદરાબાદથી ઈરાન પહોંચ્યા બાદ તેમનું અપહરણ કરી તેમને બંધક બનાવી દેવાયા અને કિડનેપર્સે 15 લાખ ખંડણી માગી. જો કે, પંકજ પટેલના પરિવાર પર પ્રેશર વધારવા માટે અને ખંડણીની રકમ જલ્દી મળે તે માટે પંકજને ભયાનક રીતે ટોર્ચર કરાયો.
તેને બ્લેડના ઘણા ઘા મારવામાં આવ્યા અને તેના અનેક વીડિયો બનાવી તેના જ ફોન દ્વારા વોટ્સએપ પર પરિવારને મોકલાયા. આ ઉપરાંત ટોર્ચરના વિડીયો કિડનેપર્સે વોટ્સએપ સ્ટેટસમાં પણ મૂક્યા હતા. દંપતિને કિડનેપર્સના કબજામાંથી મુક્ત કરાવી વાયા તુર્કી થઈને મુંબઈ લવાયા અને પછી તેઓ અમદાવાદ પહોંચ્યા. આ કેસમાં પંકજ પટેલના ભાઈ સંકેતે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં તેમને અમેરિકા મોકલવાનું કામ લેનારા બે એજન્ટ પિન્ટુ ગોસ્વામી અને અભય રાવલ સામે ફરિયાદ નોંધાવી.
ફરિયાદમાં જણાવાયુ કે આ બંને એજન્ટોએ દંપતિને અમેરિકા પહોંચાડવા માટે 1.15 કરોડ રૂપિયામાં સોદો નક્કી કર્યો હતો અને આ માટે પરિવારે નવા નરોડામાં આવેલો પોતાનો ફ્લેટ પણ તાત્કાલિક વેચી દેવાનો પ્લાન બનાવ્યો હતો. એજન્ટ દંપતિને વાયા ઈરાન અમેરિકા મોકલવાનો હતો, અને ઈરાનની ફ્લાઈટ તેમને હૈદરાબાદથી પકડવાની હતી. જેના માટે તેઓ 3 જૂનના રોજ અમદાવાદથી નીકળ્યા અને હૈદરાબાદ પહોંચતા જ પંકજે પોતાના ભાઈને ફોન કરીને કહ્યું કે તે બે દિવસ અહીં રોકાશે અને પછી ઈરાન જવા રવાના થશે.
જો કે, બીજા દિવસે પંકજે ભાઈ પાસેથી ઓનલાઈન ત્રણ હજાર રૂપિયા ટ્રાન્સફર પણ કરાવ્યા અને આ દરમિયાન તેમની ઈરાનના વિઝાની પ્રોસેસ ચાલુ હતી જે પૂરી થયા બાદ આખરે 12 જૂને રાતની ફ્લાઈટમાં બંને ઈરાન જવા રવાના થયા. પણ ઇરાનથી અલગ અલગ દેશોમાં ફરી અમેરિકા જવાને બદલે દંપતિનું અપહરણ કરવામાં આવ્યુ અને પછી કિડનેપર્સ દ્વારા ટોર્ચર કરવામાં આવ્યા. જો કે, પરિવારે આ માટે પોલીસની મદદ લીધી અને તે પછી ક્રાઈમ બ્રાંચ પણ હરકતમાં આવી અને દંપતિને ઈરાનથી સુરક્ષિત પાછા લાવવા માટે કાર્યવાહી હાથ ધરાઈ.
20 જૂને દંપતિ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું અને 21 જૂને તેઓ ઈરાનથી વાયા તુર્કી થઈ મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થયા અને પછી અમદાવાદ આવી પહોંચ્યા. પંકજ પટેલના પરિવારે સોશિયલ મીડિયા દ્વારા ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી પાસે મદદ માંગી હતી અને તે પછી હર્ષ સંઘવીએ વિદેશ મંત્રાલય અને ઈન્ડિયન એમ્બેસીનો સંપર્ક કર્યો. તહેરાન પોલીસે કાર્યવાહી કરીને પાકિસ્તાની એજન્ટ અને તેના સાગરિતોની ધરપકડ કરી ગુજરાતી દંપતિ પંકજ અને નિશાને છોડાવી લીધા. પંકજ પટેલના પરિવારે કહ્યુ-રથયાત્રાના દિવસે હર્ષ સંઘવી અમારા માટે શ્રીકૃષ્ણ બનીને આવ્યા છે.