ગુજરાતના આ દંપતીએ વૈભવી જીવન છોડી દાન કરી પોતાની 200 કરોડની સંપત્તિ, દીકરા-દીકરીના નક્શા કદમ પર ચાલ્યા માતા-પિતા- આ દિવસે ગ્રહણ કરશે જૈન દિક્ષા

ગુજરાતના અરબપતિ બિઝનેસમેન અને તેમની પત્નીએ દાન કરી 200 કરોડની સંપત્તિ, હવે લેશે દીક્ષા- બે વર્ષ પહેલા દીકરો-દીકરી પણ લઇ ચૂક્યા છે દીક્ષા

આજકાલ થોડા-ઘણા રૂપિયા માટે આર્થિક છેતરપિંડી અને હત્યાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે, ત્યારે આવા સમયે ગુજરાતના એક ઉદ્યોગપતિએ પોતાની 200 કરોડની મિલકત દાનમાં આપીને સંસાર ત્યાગી સંયમના માર્ગે ચાલવાનું નક્કી કર્યું છે. અરબપતિ બિઝનેસમેન સાથે તેમની પત્ની પણ દીક્ષા લઇ રહી છે. દીકરા-દીકરીની દીક્ષા બાદ હવે માતા-પિતા પણ તેમના નક્શા કદમ પર ચાલી રહ્યા છે.

ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં રહેતા ઉદ્યોગપતિ ભાવેશભાઈ ભંડારીએ સંસાર ત્યાગવાનો નિર્ણય કર્યો છે. બે વર્ષ પહેલા તેમના 16 વર્ષના પુત્ર અને 19 વર્ષની પુત્રીએ પણ દીક્ષા લીધી હતી. ભંડારી દંપતીની દીક્ષા પાછળ તેમના પુત્ર અને પુત્રીને મુખ્ય કારણ માનવામાં આવે છે. કહેવાય છે કે પુત્ર અને પુત્રીની દીક્ષા બાદ ભંડારી દંપતીનો પણ સાંસારિક જીવનથી મોહભંગ થઈ ગયો હતો. ભાવેશભાઇ અને તેમની પત્ની જીનલ 22 એપ્રિલે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે જૈન દીક્ષા ગ્રહણ કરશે.

રીપોર્ટ્સ અનુસાર, આ દંપતિએ તેમની આખી જિંદગીની કમાણીમાંથી 200 કરોડ રૂપિયાની સંપત્તિ દાન કરી દીધી છે. ભાવેશ ભંડારીનો જન્મ ગુજરાતના હિંમતનગરના એક સમૃદ્ધ પરિવારમાં થયો હતો. તેઓ બાંધકામ સહિત અનેક પ્રકારના ધંધાઓ ચલાવતા હતા. અત્યારે અમદાવાદમાં તેમનું સારું બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું હતું. જો કે, હવે તેઓ સંસાર ત્યાગી અને વૈભવી જીવન છોડી સંયમના માર્ગે ચાલી રહ્યા છે.

દીક્ષા પહેલા હિંમતનગરમાં વર્સિદાનનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. 22 એપ્રિલે આ દંપતિ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે દીક્ષા લેશે, આ સમયે એક સાથે 35 લોકોની દીક્ષા થવાની છે. વર્ષ 2022માં ભંડારી દંપતિના પુત્ર અને પુત્રીએ સુરતમાં દીક્ષા લીધી હતી. દીક્ષા લીધા પછી પુત્રનું નામ સાત્વિક તિલક મહારાજ સાહેબ અને પુત્રીનું નામ સાધ્વીજી નંદિતા શ્રીજી મહારાજ સાહેબ થઈ ગયું.

Shah Jina