પહેલા રખડતા ઢોરને કારણે માણસો હાલાકી ભોગવતા, ટ્રેનો ભોગવી રહી છે…ફરી ટ્રેનનું થયું એક્સીડંટ

ગુજરાતમાંથી રખડતા ઢોરની અથડામણના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે, જેમાં કેટલીકવાર કોઇને ગંભીર ઇજા પહોંચતી હોય છે, તો કેટલીકવાર કોઇને જીવ ગુમાવવાનો પણ વારો આવે છે. ત્યારે હાલમાં હવે રખડતા ઢોરોનો આતંક હવે કાબૂ બહાર ગયો હોય તેમ લાગી રહ્યુ છે. અત્યાર સુધી તો રખડતા ઢોરો માત્ર માણસો પર હુમલો કરતા અથવા તો તેમીન ટક્કર માણસો સાથે થતી, પણ હવે ટ્રેનો પર ઢોરોનો કહેર વરસી રહ્યો છે. સતત ત્રણ દિવસથી રખડતા ઢોરને કારણે ટ્રેનને નુકશાન થઇ રહી છે.

તસવીર સૌજન્ય : ઝી ન્યુઝ ગુજરાતી

વંદેભારત ટ્રેન બાદ આજે ગુજરાત સુપરફાસ્ટ ટ્રેનની આડે ઢોર આવ્યા અને તેને કારણે મુસાફરોના જીવ પણ તાળવે ચોંટી ગયા હતા. આણંદથી નડિયાદ તરફ જતી ગુજરાત સુપરફાસ્ટ ટ્રેનની વચ્ચે ઢોર આવ્યું હતું. ટ્રેન મુંબઈથી અમદાવાદ જઈ રહી હતી, આ દરમિયાન જ આ ઘટના બની હતી. ગઈકાલે જ્યાં વંદે ભારત ટ્રેનનો અકસ્માત થયો હતો તે જ ટ્રેક પર આજે ગુજરાત સુપરફાસ્ટ ટ્રેનનો અકસ્માત થયો. આ ઘટનામાં ઢોર ટ્રેન નીચે કપાતા રેલ વ્યવહારને અસર થઈ હતી અને થોડીકવાર માટે ટ્રેન રોકાઈ હતી,

જેના બાદ ટ્રેન ફરીથી શરૂ થઈ હતી. ઉલ્લેખનીય છે કે, નવી શરૂ થયેલી વંદે ભારત એક્સપ્રેસની ગુરુવારના રોજ ભેંસ સાથે ટક્કર થઇ હતી અને એક દિવસ બાદ એટલે કે શુક્રવારે તેની ગાય સાથે ટક્કર થઇ હતી. ગાંધીનગરથી જતી વખતે વડોદરા સેક્શનમાં આણંદ સ્ટેશન પાસે ગાય ટ્રેનની સામે આવી ગઈ, જેના કારણે ટ્રેનના આગળના ભાગમાં નજીવું નુકશાન થયુ હતુ. જો કે, 10 મિનિટ રોકાયા બાદ ટ્રેનને ફરીથી શિડ્યુલ કરવામાં આવી હતી.

જણાવી દઇએ કે,ગુરુવારે વંદે ભારત એક્સપ્રેસ સાથે અથડાઈ ગયેલી ભેંસોના માલિકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો. માલિકોને પકડવા માટે સ્થાનિક પોલીસની મદદ લેવામાં આવી રહી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, રેલવે ટ્રેક પર પશુઓ સાથે ટ્રેનની અથડામણ અંગે નોંધ પહેલાથી લીધી હતી અને સેમી-હાઈ સ્પીડ વંદે ભારત ટ્રેનની ડિઝાઈન કરતી વખતે તેને ધ્યાનમાં રાખવામાં આવેલ છે.

Shah Jina