હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે 28 ઓગસ્ટ સુધીમાં ઉત્તર ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદની સારી શક્યતા છે. બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીના વિસ્તારોમાં વરસાદ વધુ પડશે, જ્યારે પંચમહાલમાં ભારે થી અતિ ભારે વરસાદ વરસી શકે છે. કચ્છમાં પણ વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે.તેમણે કહ્યું કે આવનારા તહેવારો દરમિયાન પણ વરસાદ અટકવાનો નથી.

જૈનોના હાલ ચાલી રહેલા પર્યુષણ પર્વમાં પણ વરસાદ આવી રહ્યો છે, જ્યારે ગણેશ ચતુર્થી અને રામદેવપીરની નવરાત્રી દરમિયાન વરસાદી માહોલ રહી શકે છે. ખાસ કરીને નવરાત્રીના પ્રથમ દિવસોમાં ગરમી અનુભવાઈ શકે, પરંતુ છઠ્ઠા નોરતાથી દશેરા સુધી વરસાદ પડવાની શક્યતા છે.હવામાન વિભાગના અનુમાન મુજબ 27 ઓગસ્ટથી ફરીથી વરસાદનું જોર વધશે અને 30-31 ઓગસ્ટથી લઈને 1 થી 5 સપ્ટેમ્બર સુધી રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.

મધ્ય ગુજરાતના વડોદરા, આણંદ, નડિયાદ, ખેડા અને મહીસાગર જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, નર્મદા, તાપી અને ડાંગમાં પણ ભારે વરસાદની આગાહી છે.હવામાન વિભાગે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી, ગાંધીનગર, દાહોદ અને પંચમહાલ સહિતના જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, બોટાદ, અમરેલી અને ભાવનગર સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, દ્વારકા, ગીરસોમનાથ અને રાજકોટના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે.
