આસારામને મળ્યા સારા સમાચાર: ‘એ 85 વર્ષના છે અને 10 વર્ષથી સજા કાપી રહ્યા છે…’ગુજરાત હાઇકોર્ટ અપીલ પર સુનાવણી કરવા તૈયાર

ગુજરાત હાઈકોર્ટે સ્વયંભૂ સંત આસારામ બાપુના દોષસિદ્ધિ વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ મામલો 2013ના રેપ કેસ સાથે જોડાયેલો છે. આસારામ બાપુની વધતી ઉંમરને જોતા કોર્ટે અરજી પર સુનાવણી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે કોર્ટે એ હકીકતને પણ ધ્યાનમાં લીધી કે આસારામ બાપુ લગભગ એક દાયકાથી જેલની સજા કાપી રહ્યા છે. કોર્ટ 4 એપ્રિલથી તેમની અરજી પર સુનાવણી શરૂ કરશે.

જસ્ટિસ એએસ સુપેહિયા અને જસ્ટિસ વિમલ વ્યાસની ડિવિઝન બેંચ આસારામની સજાને સ્થગિત કરવાની અરજી પર સુનાવણી કરી રહી હતી. આ સમય દરમિયાન બળાત્કારની સજા સામે અપીલની સુનાવણીને પ્રાથમિકતા આપવાનું નક્કી કર્યું. જસ્ટિસ સુપહિયાએ કહ્યું, “તેણે 10 વર્ષ જેલમાં વિતાવ્યા છે અને તેની ઉંમર 85 વર્ષની છે. અમે સજાને સ્થગિત કરવાની તેમની અરજીને બદલે માત્ર મુખ્ય અપીલ પર જ સુનાવણી કરીશું.” કોર્ટે કહ્યું, “મુખ્ય અપીલ અને સજા નિલંબિત કરવાની અરજી પર સુનાવણીમાં એક જ સમય લાગશે. એવામાં અમે 4 એપ્રિલથી મુખ્ય અપીલની સુનાવણી કરીશું.

કોર્ટે એમ પણ કહ્યું કે અમે ઉનાળાના વેકેશન પહેલા અપીલની સુનાવણી પૂર્ણ કરવાનો પ્રયાસ કરીશું જેથી રજાઓ પછી નિર્ણય આપી શકીએ. જણાવી દઈએ કે, જાન્યુઆરી 2023માં ગુજરાતની એક ટ્રાયલ કોર્ટે આસારામ બાપુને 2013માં સુરત આશ્રમમાં તેની શિષ્યા સાથે અનેક વખત બળાત્કાર કરવા બદલ દોષિત ઠેરવ્યા હતા. આસારામ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 376 (બળાત્કાર), 377 (અકુદરતી સેક્સ), 354 (મહિલાની ગરિમાનો ભંગ), 346 (ખોટી રીતે કેદ), 120બી (ગુનાહિત ષડયંત્ર) અને 201 (પુરાવાઓનો નાશ કરવો) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ પીડિતાને કથિત રીતે આસારામ દ્વારા સુરત શહેરની બહારના તેના આશ્રમમાં બંધક બનાવવામાં આવી હતી અને 2001 અને 2006 વચ્ચે વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ કોઈ પહેલો આવો મામલો નહોતો જેમાં તેને દોષી ઠેરવવામાં આવ્યો હોય. આ પહેલા જ તે યૌન અપરાધો સાથે જોડાયેલ અલગ અલગ મામલામાં આજીવન કારાવાસની સજા કાપી રહ્યો છે.

Shah Jina