રખડતા પશુ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી, આ તારીખ સુધી 24 કલાક પશુ પકડવાનું ચાલુ રાખો, જાણો સમગ્ર વિગત

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે. જેને કારણે ઘણા લોકોને પોતાના જીવ ગુમાવવાના પણ વારા આવ્યા છે. જ્યારે ઘણાને ગંભીર ઇજાઓ પહોંચી છે. રખડતા ઢોર મામલે પહેલા પણ ગુજરાત હાઇકોર્ટ સરકારની ઝાટકણી કાઢી ચૂકી છે, ત્યારે આજે હાઈકોર્ટમાં રખડતા ઢોર મામલે સુનાવણી કરવામાં આવી હતી અને કોર્ટે મહાનગર પાલિકાઓને 17 ઓક્ટોબર સુધીમાં રખડતા ઢોરને પકડવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ આ કામગીરી 24 કલાક રાખવાનો પણ નિર્દેશ કર્યો છે.

હાલમાં જ અમદાવાદના નવા નરોડામાં ભાવિન પટેલ નામના વ્યક્તિનું રખડતા ઢોરની અડફેટે ગંભીર ઇજા પહોંચવાને કારણે મોત થયુ હતુ. જે બાદ ઘરમાં તો માતમ છવાઇ ગયો હતો. મૃતક ભાવિન પટેલ બે દીકરીઓનો પિતા હતો અને પિતાના ગયા બાદ હવે દીકરીઓના માથા પરથી પિતાની છત્રછાયા ઉઠી ગઇ છે. ભાવિન પટેલના મોત બાદ મૃતકના પરિવાજનો કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં AMCના જવાબદાર અધિકારીઓ વિરૂદ્ધ અને પશુ માલિક વિરુદ્ધ

આઈપીસી 304 મુજબનો ગુનો નોંધાવ્યો હતો. ત્યારે હવે હાઇકોર્ટે ફરી એકવાર આ મામલે લાલ આંખ કરી છે. અમદાવાદના દાણીલીમડા અને બાકરોલમાં 4,865 પશુ પૂરવામાં આવ્યા, પરંતુ પશુ માલિકો ઊંચા દંડને કારણે પશુ છોડાવી રહ્યા નથી. ઓગસ્ટ માસથી એક પણ પશુને ઢોરવાડામાંથી છોડાયા નથી, તો આ તરફ તંત્રને એક પશુનો 1 દિવસનો નિભાવ ખર્ચ એક હજાર રૂપિયા આવી રહ્યો છે. અમદાવાદ મનપાને 3 વૈકલ્પિક ઢોરવાડા બનાવવાની ફરજ પડી છે.

વડોદરામાં એક વર્ષની અંદર 4638 રખડતા ઢોર પકડયા છે. જો કે તેમ છત્તા પણ રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. રખડતા ઢોરને પકડવા વડોદરા મહાપાલિકાએ 2.72 કરોડનો ખર્ચ કર્યો છે અને તેની સામે મહાપાલિકાને રખડતા પશુ પકડતા 32 લાખ 3 હજારની આવક થઈ છે.

Shah Jina