ગોલ્ડન બોય નીરજ ચોપરાએ ટેનિસ પ્લેયર સાથે કર્યા ગુપચુપ રીતે લગ્ન, હનીમુન પર કપલ રવાના થયુ વિદેશ- ભારત પાછા ફરવા પર ગ્રૈંડ રિસેપ્શન

ભારતના ગોલ્ડન બોય નીરજ ચોપરા આખરે લગ્નના બંધનમાં બંધાઇ ગયો છે. નીરજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લગ્નની તસવીરો પોસ્ટ કરી બધાને ચોંકાવી દીધા હતા. નીરજ ચોપરાના લગ્ન હિમાની મોર સાથે થયા છે. ટ્રેક એન્ડ ફિલ્ડ એથલીટ નીરજ ચોપરાએ 2020 ટોક્યો ઓલિમ્પિકમાં ભાલા ફેંકમાં ભારતનો પહેલો ગોલ્ડ મેડલ જીતીને રેકોર્ડ બનાવ્યો હતો. ભારતના ભાલા ફેંક સ્ટાર ખેલાડી 27 વર્ષીય નીરજે સોશિયલ મીડિયા હેન્ડલ પર લગ્નની જાહેરાત કરતા લખ્યુ- “હું મારા પરિવાર સાથે મારા જીવનનો એક નવો અધ્યાય શરૂ કરું છું.

અમને આ ક્ષણ સુધી પહોંચાડનારા દરેક આશીર્વાદ માટે આભારી છું. પ્રેમથી બંધાયેલા, હંમેશા ખુશ રહો…” નીરજની પત્ની હિમાની મોર સોનીપતની છે અને તે અમેરિકામાં અભ્યાસ કરી રહી છે. તેના કાકાએ જણાવ્યું કે લગ્ન બાદ કપલ હનીમૂન માટે વિદેશ રવાના થઈ ગયું છે. લગ્નની તસવીરોમાં નીરજ અને હિમાની પરિવારના સભ્યો સાથે જોવા મળે છે. નીરજ ચોપરાએ ઈન્સ્ટાગ્રામ પર ત્રણ તસવીરો શેર કરી, જેમાંથી બે તસવીરમાં તે હિમાની સાથે અને એક તસવીરમાં માતા સાથે જોવા મળે છે. તેની માતા લગ્નની વિધિ કરતી જોવા મળે છે.

17 જાન્યુઆરીના રોજ નીરજે ખૂબ જ નજીકના સંબંધીઓ અને અંગત મિત્રોની હાજરીમાં ફેરા લીધા હતા. નીરજની પત્ની હિમાની હાલમાં અમેરિકાના ન્યૂ હેમ્પશાયરમાં ફ્રૈંકલિન પિયર્સ યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સ મેનેજમેન્ટનો અભ્યાસ કરી રહી છે. તે દિલ્હીના મિરાંડા હાઉસની ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, જ્યાં તેણે રાજકીય વિજ્ઞાન અને શારીરિક શિક્ષણમાં સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી છે. અખિલ ભારતીય ટેનિસ એસોસિએશન (AITA) ની વેબસાઇટ અનુસાર, 2018માં હિમાનીનું શ્રેષ્ઠ રાષ્ટ્રીય રેન્કિંગ સિંગલ્સમાં 42 અને ડબલ્સમાં 27 હતું.

તેણે 2018 માં જ AITA ઇવેન્ટ્સમાં રમવાનું શરૂ કર્યું. નીરજની વાત કરીએ તો તેણે ટોક્યો ઓલિમ્પિક 2020માં ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, જો કે તે પેરિસ ઓલિમ્પિક 2024માં ગોલ્ડ મેડલથી ચૂકી ગયો હતો. 2021ની શરૂઆતમાં, નીરજ ચોપરા ટ્રેક એન્ડ ફિલ્ડ ઇવેન્ટમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો હતો.

Shah Jina