અમદાવાદમાં ગેસ ગીઝર ફાટતાં 15 વર્ષની છોકરી મોતને ભેટી, ચેતી જજો ગીઝર વાપરનારો

ગુજરાતમાંથી અવાર નવાર આગ લાગવાની ઘણી ઘટનાઓ સામે આવે છે. કેટલીકવાર BRTS બસમાં તો કેટલીકવાર ગાડીમાં તો કેટલીકવાર ઘરમાં આગ લાગવાની ઘટના સામે આવે છે. થોડા દિવસ પહેલા અમદાવાદના શાહપુરમાંથી એક આગ લાગ્યાની ઘટના સામે આવી હતી. જેમાં સવારના સમયે 4:30 વાગ્યા આસપાસ ન્યૂ એચ કોલોનીના એક રહેણાંક મકાનમાં અચાનક આગ લાગતા પતિ-પત્ની અને બાળકનું મોત થયું હતું. ત્યારે હાલમાં ફરી એકવાર અમદાવાદમાંથી જ એક મકાનમાં આગ લાગી હોવાનું સામે આવ્યુ છે.

આ ઘટનામાં એક કિશોરનું મોત પણ થયુ છે. અમદાવાદના શાહીબાગમાં ગિરધરનગર સર્કલ પાસે ઓર્ચિડ ગ્રીન ફ્લેટમાં 7માં માળે આવેલા એક મકાનમાં આગ લાગી હતી. જેને પગલે એમ્બ્યુલન્સ સહિત ફાયરબ્રિગેડની 15 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી અને આગ કાબૂમાં કરવાનો પ્રયાસ કરી રહી હતી. આ દરમિયાન ઘરમાં રહેલા ચાર સભ્યમાંથી ત્રણ લોકોને બહાર નીકળવામાં સફળતા મળી પણ એક કિશોરી અંદર ફસાઈ. જે બાદ તેને ફાયરબ્રિગેડની ટીમે જીવિત હાલતમાં બહાર કાઢી અને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડી હતી પરંતુ તેનું ગંભીર રીતે દાઝી જવાથી મોત થયુ હતું.

બિનસત્તાવાર માહિતી મુજબ ગેસનું ગીઝર ફાટતાં આગ લાગી હતી. જે 3 બીએચકેના ફ્લેટમાં પ્રસરી હતી. આજ રોજ અમદાવાદ ફાયરબ્રિગેડને 7:28 વાગ્યે કોલ મળ્યો કે ગિરધરનગર સર્કલ પાસે આવેલ ઓર્ચિડ ગ્રીન ફ્લેટમાં સાતમા માળે મકાનમાં આગ લાગી છે, જે બાદ ફાયરબ્રિગેડનાં રેસ્ક્યૂ વાહનો અને એમ્બ્યુલન્સ સાથે 15 ગાડી તાત્કાલિક રવાના કરવામાં આવી અને તે બાદ ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના પ્રયત્ન શરૂ કર્યા.

આગ લાગતા ઘરમાં રહેલા પરિવારના ચારમાંથી ત્રણ સભ્ય તો બહાર સફળતાપૂર્વક નીકળી ગયા પણ 15 વર્ષીય પ્રાંજલ ઉર્ફે પ્રાચી આ આગમાં ફસાઈ ગઈ, જેને બચાવવા ફાયરબ્રિગેડના જવાનોએ કવાયત હાથ ધરી. ફાયરબ્રિગેડના જવાનો આઠમા માળે પહોંચ્યા અને ત્યાંથી દોરડું બાંધી બે જવાનો સાતમા માળે જે મકાનમાં આગ લાગી હતી ત્યાં પહોંચ્યા. જે બાદ દરવાજો તોડીને ચાલુ આગમાં રહેલી પ્રાંજલને તેમણે બહાર કાઢી. પરંતુ આગમાં દાઝી ગયેલી કિશોરીનું મોત નીપજ્યું હતું.

Shah Jina