ધીરે ધીરે રાંધણ ગેસના ભાવ આસમાને પહોંચી રહ્યા છે આજથી ફરીથી ગેસના ભાવમાં વધારો થયો છે. સામાન્ય માણસનું જીવવું અઘરૂ થઈ રહ્યુ છે એક પછી એક જીવન જરૂરિયાત વસ્તુઓના ભાવ આસમાને પહોંચી રહ્યા છે.

સરકારી ઓઈલ કંપનીઓએ આજે ગેસ-સિલિન્ડરની કિંમતોમાં વધારો કર્યો છે. 14.2 કિલોગ્રામના સબસિડી વગરના સિલિન્ડરના ભાવમાં 25 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં સબસિડી વગરનું LPG સિલિન્ડર હવે 25 રૂપિયા મોંઘું થઈને 819 રૂપિયા થયું છે. પહેલાં એની કિંમત 794 રૂપિયા હતી. 2021માં જ રસોઈ ગેસ-સિલિન્ડર 125 રૂપિયા મોંઘું થયું છે. 1 જાન્યુઆરીએ એની કિંમત 694 રૂપિયા હતી, જે હવે 819 રૂપિયા થઈ છે.

રાષ્ટ્રીય રાજધાનીમાં પહેલી ડિસેમ્બરથી લઈને અત્યાર સુધીમાં એલપીજી ગેસ સિલિન્ડર 225 રૂપિયા મોંઘા થયા છે. પહેલી ડિસેમ્બરના રોજ એલપીજી ગેસની કિંમત 594 રૂપિયાથી વધીને 644 રૂપિયા થઈ ગઈ હતી. ત્યાર બાદ પહેલી જાન્યુઆરીના રોજ 644 રૂપિયાથી વધીને 694 રૂપિયા થઈ ગઈ હતી. બાદમાં 4 ફેબ્રુઆરીએ 694 રૂપિયાથી 719 રૂપિયા અને તેના પછી 15 ફેબ્રુઆરીએ 719 રૂપિયાથી 769 રૂપિયા થઈ ગઈ.

ત્યાર બાદ 25 ફેબ્રુઆરીના રોજ એલપીજી ગેસના ભાવમાં 25 રૂપિયાનો વધારો કરાયો જેથી તેની કિંમત 769 રૂપિયાથી વધીને 794 રૂપિયા થઈ ગયેલી. હવે પહેલી માર્ચના રોજ એલપીજી ગેસના ભાવમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો તે સાથે જ તેની વર્તમાન કિંમત 819 રૂપિયા થઈ ગઈ છે.

સરકાર એક વર્ષમાં પ્રત્યેક ગેસ-કનેક્શન માટે 14.2 કિલોગ્રામના 12 સિલિન્ડરો પર સબસિડી આપે છે. ગ્રાહકે દરેક સિલિન્ડર પર સબસિડી સહિત કિંમત ચૂકવવાની હોય છે. પછીથી સબસિડીના પૈસા ખાતામાં પરત જાય છે.