વડોદરાના સામુહિક આપઘાતમાં મોતને ભેટેલા સોની પરિવારના 3 સભ્યની અંતિમ યાત્રામાં વાતાવરણ બન્યું ગમગીન, છલકાયા આંસુઓ

વડોદરામાં ગઈકાલે સમા વિસ્તારમાં આવેલી સ્વાતિ સોસાયટી, સી 13 નંબરના મકાનમાં રહેતા સોની પરિવારના 6 સભ્યો દ્વારા ઝેરી દવા પી અને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાંથી ત્રણ લોકોના મોત થયા હતા અને ત્રણ લોકોની હાલત ગંભીર હતી.

આ સામુહિક આત્મહત્યામાં સોની પરિવારના મોભી નરેન્દ્રભાઈ સોની તેમની દીકરી રીયા (ઉં.વ.16) અને પૌત્ર પાર્થ (ઉં.વ.4)નું કરુણ મોત નીપજ્યું છે. જ્યારે પુત્ર ભાવિન સોની તેની પત્ની ઉર્વશીબહેન સોની અને માતા દિવ્યાબહેનને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

આજે મોતને ભેટનાર સોની પરિવારના ત્રણેય સદસ્યોની અંતિમ યાત્રા યોજવામાં આવી હતી, જેને લઈને સમગ્ર વાતાવરણ ગમગીન બની ઉઠ્યું હતું. સ્વાતિ સોસાયટીમાંથી પરિવારના કોઈ સભ્ય હાજર ના હોવાના કારણે સયાજી હોસ્પિટલથી જ તેમની અંતિમ યાત્રા યોજવામાં આવી હતી.

એક જ પરિવારના ત્રણેય સદસ્યોની અંતિમ યાત્રામાં 4 વર્ષના પાર્થને તેના મામાએ પોતાના હાથમાં ઊંચકી લીધો હતો. અંતિમ યાત્રામાં જોડાયેલા પાર્થના નાના-નાની, મામા અને માસીઓનું હૈયાફાટ રુદન સામે આવ્યું હતું.

આ અંતિમ યાત્રામાં સ્વાતિ સોસાયટીના સદસ્યો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. નરેદ્રભાઈ સોની અને તેમની દીકરી રીયાનો અંતિમ સંસ્કાર ખાસવાડી સ્મશાનમાં કરવામાં આવ્યો હતો જયારે 4 વર્ષના પાર્થની દફન વિધિ કરવામાં આવી હતી. આ દુઃખદ પ્રસંગે પાર્થના મામા-માસીએ કહ્યું ખોટું કે “અમારા ફૂલ જેવા બાળકનો શો વાંક હતો.”

પરિવારના ત્રણ સભ્યો હજુ હોસ્પિટલમાં જ સારવાર હેઠળ છે, ગઈકાલે જ્યારે ત્રણેય સભ્યોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા ત્યારે ઉર્વશીના માતા-પિતા બહેન અને કાકી પણ હોસ્પિટલમાં પહોંચી ગયા હતા.

ઉર્વશીના પિતા મહેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે તેમની દીકરી ઉર્વશીના લગ્ન 4 વર્ષ પહેલા થયા હતા અને ત્યારે તેમની પરિસ્થિતિ ખુબ જ સારી હતી. તેમની પાસે કાર પણ હતી. પરંતુ ત્યારબાદ શું થયું તેમની મને ખબર નથી. ઉર્વશીએ પણ ક્યારેય અમને તેમની આર્થિક સંકળામણ વિશે જણાવ્યું નથી. તેમજ જયારે ફોન કરીએ ત્યારે મજામાં છીએ એમ જ કહેતી રહેતી હતી. ક્યારેય પણ પૈસાની માંગણી અમારી પાસે નથી કરી. (તમામ તસવીરો સૌજન્ય: દિવ્યભાસ્કર)

Niraj Patel