ગરમીથી તડપતા ગુજરાતીઓ માટે ખુશખબરી: આ તારીખે વરસાદ ધબધબાટી બોલાવશે

15 જૂનથી ચોમાસાની શરૂઆત થઇ ગઈ છે. ગુજરાતમાં કેટલાક ઠેકાણે સારો વરસાદ પણ થયો છે તો કેટલાક વિસ્તારો હજુ પણ કોરા ધાકોર છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ અને ડાંગ, નવસારી અને તાપી સાથે દાદરા નગર હવેલીમાં પણ સારો એવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્રના પણ કેટલાક જીલ્લાઓમાં સારો એવો વરસાદ થવાની આગાહી કરી છે.

સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર અને જામનગરમાં સારો એવો વરસાદ ખાબકશે. જેના કારણે માછીમારોને પણ 3 દિવસ સુધી દરિયો ના ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે. ગુજરાતના આ બધા ક્ષેત્રોમાં એક તરફ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે અમદાવાદ, ગાંધીનગર અને વડોદરાવાસીઓને હજુ પણ વરસાદ માટે રાહ જોવી પડશે.

વાત કરીએ છેલ્લા 24 કલાકની તો છેલ્લા 24 કલાકમાં ગુજરાતના ઘણા બધા ક્ષેત્રોમાં સારો એવો વરસાદ જોવા મળ્યો. સૌરાષ્ટ્ર જુનાગઢના ગીર વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેમાં તાલાલા, ખીરધાર, બાકુલા ધણેજ, ધ્રાબાવડ, લાડુડી, દેવ ગામ, જેપુર સહિત અનેક ગ્રામ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો.

Niraj Patel