અમદાવાદથી અયોધ્યાની પહેલી ફલાઇટનું થયું પ્રસ્થાન, એરપોર્ટ પર જોવા મળ્યા રામ, લક્ષ્મણ, જાનકી, “જય શ્રી રામ”ના નાદ સાથે ગુંજી ઉઠ્યો એરપોર્ટ

અમદાવાદથી અયોધ્યા જવું હવે સહેલું થઇ જશે, શરૂ થઇ ગઈ અયોધ્યાની પહેલી ફ્લાઇટ ? જાણો કેટલો સમય લાગશે અને કેટલું હશે ભાડું ?

First flight from Ahmedabad to Ayodhya : અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, જેને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. અયોધ્યામાં પણ તૈયારીઓ પૂર્ણ થઇ ગઈ છે, ત્યારે રામ ભક્તો અયોધ્યા પણ પહોંચી રહ્યા છે. આ દરમિયાન અયોધ્યામાં થોડા સમય પહેલા જ નવા એરપોર્ટનું ઉદઘાટન પીએમ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું, ત્યારે ગતરોજ અમદાવાદથી અયોધ્યાની પહેલી ફલાઇટ જવા માટે રવાના થઇ હતી.

અમદાવાદથી અયોધ્યાની પહેલી ફલાઇટ :

જયારે અમદાવાદથી અયોધ્યા માટે પહેલી ફલાઇટ રવાના  થવાની હતી ત્યારે  ઉત્સવ જેવો માહોલ પણ જોવા મળ્યો હતો. આ નિમિત્તે અમદાવાદ એરપોર્ટ પર કેક પણ કાપીને ખાસ ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે ફલાઇટના ઉપડતા પહેલા જ મુસાફરો રામભક્તિમાં લિન થયેલા જોવા મળ્યા હતા અને જય જય શ્રી રામના નારા પણ તેમને લગાવ્યા હતા, આ ઉપરાંત વિદેશથી આવેલા મુસાફરો પણ રામભક્તિના રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા.

જય શ્રી રામના લાગ્યા નારા :

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરનું ઉદઘાટન કરવામાં આવશે, જેના બાદ આ મંદિરને ભાવિક ભક્તો માટે પણ ખુલ્લું મુકવામાં આવશે, આ દરમિયાન દેશ અને દુનિયાભરમાંથી ભાવિક ભક્તોનો અયોધ્યા તરફ પ્રવાસ શરૂ થશે અને ભાવિકોની સુવિધા માટે દેશના અલગ અલગ શહેરોમાંથી અયોધ્યા માટે ફલાઇટ પણ શરૂ કરી દેવામાં આવી છે, જેમાં ગત રોજ અમદાવાદથી અયોધ્યા માટેની પહેલી ફલાઇટે ઉડાન ભરી હતી.

ખાસ આયોજન કરવામાં આવ્યું :

આ નિમિત્તે એરપોર્ટ ઓથોરિટી દ્વારા પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. મુસાફરોને ત્યાં રામ, લક્ષ્મણ અને માતા જાનકી અને હનુમાન દાદાના પણ દર્શન થયા હતા. ઈન્ડિગો ફલાઇટના કર્મચારીઓ દ્વારા આ વેશભૂષા પણ યોજવામાં આવી હતી અને મુસાફરો પણ આ દરમિયાન ખુબ જ ઉત્સાહિત જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે અમદાવાદ અને અયોધ્યા વચ્ચે સપ્તાહમાં ત્રણ ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવી છે. આ ફલાઇટ અમદાવાદથી અયોધ્યા સુધી નોનસ્ટોપ જશે.

કેટલું હશે ભાડું ? :

આ ડાયરેક્ટ ફલાઇટમાં અયોધ્યા પહોંચવા માટે 1 કલાક 50 મિનિટ જેટલો સમય લાગશે અને તેનું મહત્તમ ભાડું 3999 રૂપિયા હોવાનું હાલ મીડિયા રિપોર્ટ અનુસાર ચર્ચાઈ રહ્યું છે. ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ ડાયરેક્ટ ફ્લાઈટનું સંચાલન અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી થશે અને ફ્લાઈટનું ઉતરાણ અયોધ્યાના એરપોર્ટ પર થશે. અયોધ્યામાં નવા એરપોર્ટનું નામ મહર્ષિ વાલ્મીકિ ઈન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યા ધામ છે.

Niraj Patel