રાજકોટના આ બાપ દીકરાએ કરી કમાલ… બનાવી ગુજરાતની પહેલી વિન્ટેજ ઇલેક્ટ્રિક કાર, એક વાર ચાર્જિંગમાં જ ચાલે છે આટલા કિલોમીટર

રાજકોટમાં આ બાપ દીકરાએ બનાવી એવી શાનદાર ઇલેક્ટ્રિક કાર કે રસ્તા પર લઈને નીકળતા જ લોકો જોતા રહી જાય છે, પિતાનું 20 વર્ષ જૂનું સપનું થયું પૂર્ણ.. જુઓ વીડિયો

છેલ્લા થોડા સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે લોકો વૈકલ્પિક વિકલ્પ તરીકે ઇલેક્ટ્રિક વાહનો તરફ પણ વળ્યાં છે. ઘણી કંપનીઓએ બજારની અંદર પોતાની ઇલેક્ટ્રિક બાઈક અને કાર પણ લોન્ચ કરી છે, ત્યારે ઘણા લોકો એવા પણ છે જેમને પોતાની કોઠાસૂઝ દ્વારા ઘરે જ ઇલેક્ટ્રિક કારનું નિર્માણ કર્યું છે.

ત્યારે હાલ ખબર રાજકોટમાંથી સામે આવી રહી છે, જ્યાં બાપ દીકરાની જોડીએ એક શાનદાર વિન્ટેજ ઇલેક્ટ્રિક કારનું નિર્માણ કર્યું છે. આ કાર ગુજરાતની પહેલી વિન્ટેજ ઇલેક્ટ્રિક કાર છે. આ કાર તેના દેખાવાના કારણે એટલી શાનદાર લાગી રહી છે કે જો તમે તેને ચલાવીને રસ્તા પર નીકળો તો પણ લોકો ફક્ત તમને અને તમારી કારને જ જોઈ રહેશે.

આ બાબતે ગાડી બનાવનાર ભાવિક ચૌહાણે જણાવ્યું હતું કે “આ ગાડી બનાવવામાં મારો અને મારા પપ્પાનો હાથ છે. આ ગાડીની ડિઝાઈન બનાવવામાં અમે ખુબ જ મહેનત કરી છે. ગાડીની લંબાઈથી લઈને ગાડીના પૈડા સુધીમાં અમે ખુબ જ મહેનત કરી છે. ગાડીને અહિંયા સુધી પહોંચાડવામાં અમારે 3 મહિના લાગી ગયા. 3 મહિનામાં અમે એક દિવસ પણ રજા રાખી નથી.”

આ ઉપરાંત ભાવિકે એમ પણ જણાવ્યું કે ” અત્યારે અમારી સામે જે વસ્તુ છે એમાં તમે અત્યારે જોઈ શકો છો કે ડિઝાઈન અમે બનાવેલી છે. અમે આ ગાડીમાં રોયલ એનફિલ્ડ અને મારુતિ સુઝુકીના જ પાર્ટ્સનો ઉપયોગ કર્યો છે, જેથી કરીને કોઈ કસ્ટમર આવે અને એ ખરીદે તો પછી સર્વિસમાં કોઈ સમસ્યા ન આવે.  બન્ને એવી કંપની સિલેક્ટ કરી છે કે તેના પાર્ટ્સ આપણને ગમે ત્યાંથી મળી જાય. ગમે ત્યાં તેઓ સર્વિસ કરાવી શકે છે. આ ગાડીનું નામ પ્રેસ્ટીજ ગોલ્ફ રાખ્યું છે. અત્યારે અમે એક મોડલ બહાર પાડ્યું છે, જેમાં અમે રેડ અને બ્લૂ કલર બહાર પાડ્યા છે.”

આ કારના ફીચર્સ વિશે વાત કરતા ભાવિકે જણાવ્યું કે, “આની સ્પીડ 45 ઉપર જતી નથી, એટલે આ ગાડી માટે તમારે RTO પાસિંગની જરૂર રહેતી નથી. આ કાર બનાવવાનો વિચાર મારા પપ્પાને આવ્યો હતો. તેમનું 20 વર્ષથી સપનું હતું કે આ કાર બનાવીએ, પણ અમે પૈસા ટકે એટલા સુખી નહોતા, પણ હવે અમે જાતે કાર બનાવીને અમે લોન્ચ કરી છે. વિન્ટેજ કાર બનાવવાનો આઈડિયા એટલા માટે આવ્યો કે અત્યારે રસ્તા પર વિન્ટેજ કાર ચલાવીએ તો રસ્તામાં બધા લોકો એને જુએ છે, જેથી અમને વિન્ટેજ કાર બનાવવાનો વિચાર આવ્યો હતો.

ભાવિકે જણાવ્યું કે, “50 લાખની ગાડીને લઈને નીકળો તો કોઈ ન જુએ, પણ આ ગાડીને લઈને નીકળો એટલે લગભગ બધા તમારી સામે જ જોશે. લોકોનું ધ્યાન આપણા તરફ ખેંચે એવી કાર છે. સૌથી મોટી વાત એ છે કે આ કાર ઈ-કાર છે, એટલે કે એમાં પેટ્રોલ કે ડીઝલની જરૂર રહેતી નથી, કારણ કે આ કાર ઈલેક્ટ્રિક કાર છે. આ કારમાં વધીને 5 યુનિટ જોઈએ છે. 5 યુનિટમાં તમને 80 કિલોમીટરની રેન્જ આપે છે.”

Niraj Patel