જુનાગઢ: વહુના ચરિત્ર પર શંકા રાખી સસરાએ ગળેટૂંપો દઇ ઉતારી દીધી મોતને ઘાટ, ખેતી કામ માટે જાય એ નહોતુ પસંદ

સસરાએ પુત્રવધૂની હત્યા કરી:પુત્રવધૂ ખેતી કામ પર જાય તે સસરાને પસંદ ન હતું, ઘરમાં જ ઠંડાકલેજે હત્યા કરી બનાવને આત્મહત્યામાં ખપાવવા લાશને પંખા સાથે ટીંગાડી દીધી

father-in-law killed daughter-in-law : ગુજરાતમાંથી ઘણીવાર હત્યાના મામલા સામે આવે છે. કેટલીકવાર આવા મામલામાં પ્રેમ સંબંધ, અવૈદ્ય સંબંધ સહિત અનેક કારણો હોય છે. ત્યારે હાલમાં જૂનાગઢના ભેસાણના ચણાકા ગામેથી એક હત્યાનો મામલો સામે આવ્યો છે, જેને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ થયો હતો. સસરાએ પુત્રવધૂના ચારિત્ર્ય પર શંકા રાખી તેની હત્યા કરી દીધી. આરોપી સસરાએ પુત્રવધૂના માથામાં બોથડ પદાર્થના ફટકા મારી અને તેને ગળેટૂંપો આપી તેની હત્યા કરી હતી.

આ પછી તેણે આ મામલાને આપઘાતમાં ખપાવવા માટે રૂમના પંખા સાથે લાશ બાંધી દીધી. જો કે, મૃતકના ભાઈને શંકા જતા તેણે લાશને જામનગર પીએમ માટે મોકલી ત્યારે રીપોર્ટમાં હત્યા થયાનો ખુલાસો થયો. જે બાદ પોલીસે સસરા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. પ્રાપ્ત માહિતી અનુસાર, જૂનાગઢના ભેસાણના ચણાકા ગામે રહેતાં રસીલાબેનના સુરત ખાતે રહેતા પુત્રએ તેના મામાને ફોન કર્યો હતો અને કહ્યું કે તેની માતાનો ફોન બંધ આવે છે અને તે રૂમનો દરવાજો ખોલતા નથી.

આ વાતની જાણ થતા જ રસીલાબેનના ભાઈ ચણાકા ગામ પહોંચ્યા અને ત્યારે દરવાજો ખખડાવતા અંદરથી જવાબ ન મળતા તેમણે આ મામલે ભેસાણ પોલીસને જાણ કરી. જે બાદ પોલિસે આવીને દરવાજો તોડ્યો તો રૂમમાંથી રસીલાબેન મૃત હાલતમાં મળી આવ્યા. ચૂંદડીનો અડધો ટુકડો રસીલાબેનના ગળામાં અને અડધો ટુકડો પંખામાં બાંધેલો હતો. આ ઉપરાંત પંખો પણ નીચે પડેલો હતો.

કાનમાંથી અને જમીન પરથી લોહી મળી આવ્યા બાદ મામલો શંકાસ્પદ લાગ્યો અને પછી રસીલાબેનના ભાઈએ બહેનની હત્યા થઈ હોવાની શંકા વ્યક્ત કરી. જે બાદ રસીલાબેનની લાશનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ અને રીપોર્ટમાં માથાના ભાગે ઈજા અને ગળેટૂંપો આપવાના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું. રસીલાબેનના પતિનું પાંચેક વર્ષ પહેલાં જ અકસ્માતમાં મોત થયુ હતુ અને તે તેમના સસરાથી અલગ રહેતાં હતાં.

રસીલાબેન ચણાકા ગામમાં જ ખેતમજૂરી કરતા, પણ સસરા શંભુભાઈને આ વાત પસંદ નહોતી. તેઓ પુત્રવધૂના ચારિત્ર્ય પર શંકા કરતા અને તેને કારણે જ તેમણે રસીલાબેનના માથામાં બોથડ પદાર્થનો ફટકો મારી અને ગળેટૂંપો આપી હત્યા કરી દીધી. મૃતકના બે પુત્રો છે, જેમાંથી એક સુરતમાં રહે છે જ્યારે નાનો દીકરો તેનાં સાસુ-સસરા સાથે રહે છે. રસીલાબેનના વર્ષ 2004માં લગ્ન થયાં હતાં અને 2017માં પતિનું આકસ્મિક મોત નીપજ્યું હતું.

Shah Jina