રાજકોટમાં પપ્પા બંને બાળકોને ખભે બેસાડી ચેકડેમ ક્રોસ કરતા હતા, અચાનક જ ત્રણેયના મોત થતા જ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો

ગુજરાતમાંથી કેટલીકવાર કોઇ વ્યક્તિના કેનાલમાં ડૂબવાની તો કોઇકવાર ડેમમાં ગરકાવ થઇ જવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે હાલ રાજકોટમાં ચેકડેમમાં ડૂબી જતાં ત્રણ લોકોના મોતને પગલે અરેરાટી વ્યાપી ગઈ છે. આ ઘટનામાં પિતા અને તેમના બે પુત્રોના મોત નિપજ્યા છે. ચેક ડેમ ક્રોસ કરતા સમયે આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યુ હતુ. ત્યારે પત્નીની નજર સમક્ષ જ તેના પતિ અને બાળકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે પિતા તેમના બાળકોને ખભે બેસાડી ચેકડેમ પાર કરી રહ્યા હતા ત્યારે પગ લપસતાં બને પુત્રો સાથે પિતા પણ ચેકડેમમાં ગરકાવ થઇ ગયા હતા.

પ્રતિકાત્મક તસવીર

શ્રમિક પરિવાર રાત્રે ખોડીયાર ડેમ નજીક આવેલ ચેક ડેમ ઓળંગી રહ્યો હતો ત્યારે આ ઘટના સર્જાઈ હતી. ઘટનાની વિગત તપાસીએ તો મૂળ મધ્યપ્રદેશના અને પડધરીનાં જીલરીયા ગામે વશરામભાઈ બુશાની વાડીમાં ખેતમજુરી કરતાં અને ત્યાં વાડીમાં રહેતા મદનભાઈ આદીવાસી તેમના બે પુત્રો ગહન અને રાહુલ કે જેની ઉંમર અનુક્રમે 2 વર્ષ અને ત્રણ વર્ષ છે તે અને પત્ની ખરીદી કરવા માટે જલરીયા ગામ ગયા હતાં. આ દરમિયાન ત્યાંથી તેઓ પોતાના પરિવાર સાથે પરત આવી રહ્યા હતા ત્યારે જ ખોડીયાર ડેમ પાસે ચેક ડેમ ઓળંગીને વાડી તરફ આવવાનું હોવાથી મદનભાઈએ ચેક ડેમ ક્રોસ કરવા માટે પોતાના બે પુત્રોને ખભે બેસાડયા.

પ્રતિકાત્મક તસવીર

જે બાદ તેઓ ચેક ડેમ પાર કરી રહ્યા હતા ત્યારે જ મદનભાઈનો પગ લપસ્યો અને તે બે માસુમ પુત્રો સાથે ચેક ડેમમાં પડયા. પતિ અને બે પુત્રો ચેક ડેમમાં પડી જતાં પાછળ ચાલી રહેલી પત્નીએ મદદ માટે બૂમો પાડી હતી. જો કે મોડી રાત્રે બનેલા આ બનાવ બાદ તરવૈયાઓએ તપાસ કરી ત્યારે મદન અને તેના બે માસુમ પુત્રોના મૃતદેહ મળ્યા હતા. આ ઘટના બાદ પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે. ઘટનાની જાણ થતા જ પોલિસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને ત્રણેયના મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો.

Shah Jina