રાજકોટના ઉપલેટામાં જમાઈનું ખૂન કરનાર યુવતીના પિતા-પુત્ર કહેતા કે ‘હત્યા નહીં કરીએ ત્યાં સુધી….’

ગુજરાતના રંગીલા રાજકોટમાંથી હાલમાં જ ઓનર કિલિંગનો મામલો સામે આવ્યો હતો, જેમાં એક ભાઇ અને પિતાએ પોતાની જ દીકરી અને તેના પતિની સરાજાહેરમાં છરીના ઘા મારી હત્યા કરી નાખી હતી. રીના સોમાજી સીગરીયાએ અનિલ મહીડા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને આ વાતની ખાર રાખી રીનાના ભાઇ સુનિલ અને પિતા સોમજીએ છરીના આડેધડ ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી. આ ઘટના બાદ પોલિસે આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો અને લાશને પીએમ માટે મોકલી તપાસ હાથ ધરી હતી.

આરોપી સુનિલ સોમજી શીંગરખીયા અને સોમજી જેઠાભાઈ શીંગરખીયા વિરુદ્ધ કલમ 302,120(બી) અને 114 હેઠળ ગુન્હો નોંધાયો હતો.મૃત અનિલના પિતા મનસુખભાઇએ તેમની ફરિયાદમાં જણાવ્યુ કે, તેઓ તેમના પરિવાર સાથે રહે છે અને તેમને બે દીકરા અને એક દીકરી છે. તેમના મોટા દીકરા અનિલે છ મહિના પહેલા રીના સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. અનિલ ભાયાવદર કોલેજમાં અભ્યાસ માટે જતો હતો અને આ દરમિયાન જ તેનો રીના સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો.

અગાઉ રીનાના પિતાએ અનિલ વિરૂદ્ધ ભાયાવદર પોલિસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી અને તેને કારણે અનિલને છ મહિના સુધી જેલમાં પણ રહેવુ પડ્યુ હતુ. અનિલના જેલમાંથી પાછા આવ્યા બાદ રીના તેમના ઘરે આવતી રહી અને પછી બંનેએ કોર્ટમાં લગ્ન કર્યા અને સાથે રહેવા લાગ્યા.આ ઉપરાંત વધુમાં મૃતકના પિતાએ જણાવ્યુ કે, રિનાના પિતા એટલે કે આરોપી સોમજીને અનિલના પિતાએ કહ્યુ હતુ કે તમારી દીકરી અને મારો દીકરો એકબીજાને પસંદ કરે છે અને લગ્ન કરવા માંગતા હતા.

જેથી બન્નેએ લગ્ન કરી લીધા તો હવે તમે જીદ મુકી દો અને બંનેને શાંતીથી જીવવા દો. આ વાત બાદ બાપ-દીકરો ઉશ્કેરાઇ ગયા હતા અને કહેવા લાગેલ કે અમે જયા સુધી મારી દીકરી રીના અને તમારા દીકરા અનિલને ગોતીને મારી ના નાખીએ ત્યા સુધી અમને નિરાંત નહી થાય. જો આજે તમારો દીકરો અનીલ અને આમારી રીના અહી હોત તો તમારી સામે બંનેના કટકા કરી નાખ્યા હોત. આવી ધમકી રીનાના પિતા દ્વારા આપવામાં આવી હતી.

Shah Jina