સુરતમાં ખેડૂત પિતાએ અનોખી રીતે દીકરીના કરાવ્યા લગ્ન, વીડિયો અને તસવીરો વાયરલ થતા જ લોકો પણ કરવા લાગ્યા વાહ વાહ… જુઓ

સુરતમાં પિતાએ દીકરીના લગ્ન દ્વારા સમાજને આપ્યો એક ઉમદા સંદેશ, ઇકો ફ્રેન્ડલી લગ્ન, ઓર્ગેનિક જમવાનું અને દીકરીને આપ્યું ગીર ગાયનું દાન, જોઈને તમે પણ વંદન કરશો

હાલ ગુજરાત સમેત દેશભરમાં લગ્નનો માહોલ જામી રહ્યો છે, ઘણા બધા લોકો લગ્નના બંધનમાં પણ બંધાઈ રહ્યા છે અને આ દરમિયાન સોશિયલ મીડિયામાં પણ કેટલાક અનોખા લગ્નની ખબરો વાયરલ થતી હોય છે, જેમાં લગ્નના આયોજનથી લઈને કંકોત્રી, જમણવાર અને અનોખી થીમ પર લગ્ન થતા જોવા મળે છે. પરંતુ હાલ સુરતમાંથી જે લગ્નની ખબર સામે આવી છે તેણે લોકોને વાહ વાહ કરવા પર મજબુર કરી દીધા છે.

દરેક પિતા માટે તેની દીકરીના લગ્ન ખુબ જ ખાસ હોય છે અને દરેક પિતા તેની દીકરીના લગ્નમાં કોઈ કસર બાકી ના રહે તેનું ખાસ ધ્યાન રાખતા હોય છે, જેના માટે તે વર્ષોથી મહેનત પણ કરતા હોય છે અને એક એક રૂપિયો દીકરીના લગ્ન માટે ભેગો પણ કરતા હોય છે, ત્યારે હાલ સુરતમાં એક ખેડૂત પિતાએ પણ એ જ રીતે દીકરીના ધામધૂમથી લગ્ન કરાવ્યા, પરંતુ આ લગ્ન વધુ ખાસ બનાવવા માટે કેટલાક અલગ આયોજનો કર્યા જે લોકોના દિલ જીતી રહ્યા છે.

આ અનોખા લગ્નનું આયોજન કર્યું પાલ વિસ્તારમાં રહેતા ખેડૂત વિપુલભાઈ પટેલે. તેમને પોતાની દીકરી રિદ્ધિના લગ્ન ખુબ જ અનોખી રીતે કર્યા. આ લગ્નમાં પ્રકૃતિ પ્રેમની ઝાંખી જોવા મળી હતી. તેમને આ ભવ્ય લગ્ન સમારંભની કંકોત્રીમાં તુલસીના બીજ મૂકી પર્યાવરણની જાળવણી માટે આજની પેઢીને પ્રેરણા આપી હતી. સાથે જ લગ્નમાં તેમણે આર્ગેનિક રસોઈ અને કન્યાદાનમાં દીકરીને ગીર ગાય દાનમાં આપીને સમાજ માટે પણ એક અનોખો દાખલો બેસાડ્યો હતો.

જ્યાં એક તરફ લગ્નની અંદર લાખો રૂપિયાનો ખર્ચ થાય છે અને એક દિવસના લગ્નમાં લોકો પ્લાસ્ટિકનો પણ ભરપૂર ઉપયોગ કરતા હોય છે ત્યારે ખેડૂત વિપુલભાઈએ તેમની 23 વર્ષની દીકરી રિદ્ધિના લગ્નમાં “નો પ્લાસ્ટિક” અભિયાન આપનાવ્યું હતું. સાથે જ લગ્નની રસોઈમાં પણ ઓર્ગેનિક શાકભાજીનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો. રસોઈ મુકવા માટે ઇકો ફ્રેન્ડલી પ્લેટ વાપરવામાં આવી હતી.

માત્ર વિપુલભાઈએ જ પ્રકૃતિ પ્રેમનું ઉદાહરણ નથી બતાવ્યું, તેમની દીકરી રિદ્ધિએ પણ આ લગ્ન દરમિયાન એક સુંદર કામગીરી હાથ ધરી. દીકરી રિદ્ધિએ સીએની છેલ્લી પરીક્ષા આપી છે, અને તેને આ લગ્નમાં નક્કી કર્યું છે કે તે પોતાની કમાણીનો 10 ટકા ભાગ ગૌમાતાને અર્પણ કરી દેશે. ત્યારે હાલ આ લગ્નની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યા છે, અને લોકો પણ તેમને આશીર્વાદ આપવાની સાથે સાથે આ અનોખા લગ્નની પ્રસંશા કરી રહ્યા છે.

Niraj Patel