જે ઘરથી ડોલી ઉઠવાની હતી ત્યાંથી ઉઠી દુલ્હનની અર્થી…દુલ્હો જોઇ રહ્યો હતો રાહ, રોડ અકસ્માતમાં દુલ્હનનું મોત

તસવીરમાં હસતી દેખાતી અંકિતા હવે આ દુનિયામાં નથી રહી. સોમવારે રાત્રે અંકિતાના લગ્ન હતા અને લગ્નના થોડા જ કલાકો પહેલા રોડ અકસ્માતમાં તેણે જીવ ગુમાવ્યો. હરિયાણાના ફરીદાબાદમાં સોમવારે એક માર્ગ અકસ્માતમાં દુલ્હન અંકિતાનું મોત થયું. કહેવામાં આવી રહ્યું છે કે અંકિતા લગ્ન પહેલા તેના ભાઈ અને મિત્ર સાથે પૂજા માટે જતી હતી. આ દરમિયાન રસ્તામાં અકસ્માત નડ્યો અને તેનું મોત થયું.

આ અકસ્માતમાં અંકિતાના બે ભાઈઓ અને તેના મિત્રને ગંભીર ઈજા પહોંચી છે, જેમને સારવાર માટે દિલ્હીના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના ફરીદાબાદના વિનય નગર વિસ્તારમાં બની હતી. અંકિતાના કાકાએ જણાવ્યું કે જો ટ્રક રોડ કિનારે પાર્ક ન હોત તો અકસ્માત ન થયો હોત. જ્યારે કાર સાઇડથી ટ્રક સાથે અથડાઈ ત્યારે ઘણી વખત પલટી ખાઇ ગઈ. એવામાં એક સાઇડ કાર પૂરી રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ. કારની પાછળની સીટ પર બેઠેલી અંકિતાને ગંભીર ઈજાઓ પહોંચી હોવાના કારણે તેનું મોત થયું.

મૂળ બિહારના વૈશાલી નિવાસી ચંદન સિંહે પોલીસને જણાવ્યું કે તે તેના પરિવાર સાથે દિલ્હીના મોલરબંધ પાસે રહે છે. તેમને એક પુત્ર સુમકિત અને પુત્રી અંકિતા હતી. સોમવારે સવારે સુમકિત, અંકિતા, મિત્ર અંશુ અને ભત્રીજો સની ઉર્ફે નિશાંત કારમાં વિનય નગર પલ્લામાં કાકા પાસે જઈ રહ્યા હતા. જ્યાં લગ્નની એક રસ્મ થવાની હતી. બધા લોકો બાયપાસ રોડ પાસે કેઆર હોસ્પિટલ પહોંચ્યા ત્યારે કાર સાઈડમાં ઉભેલા કેન્ટર સાથે અથડાઈ.

નિશાંત કાર ચલાવી રહ્યો હતો, ત્યાંથી પસાર થતા લોકોએ કારમાં ફસાયેલા ઘાયલ લોકોને બહાર કાઢ્યા અને બાયપાસ રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા, પરંતુ અંકિતાનો જીવ બચાવી શકાયો નહીં. સુમકિત, અંશુ અને સનીને દિલ્હીના ટ્રોમા સેન્ટરમાં રેફર કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે.

પરિવારજનોએ પોલીસને જણાવ્યું કે અંકિતાની કાર કેન્ટર સાથે અથડાઈ તે જગ્યાએ અંધારું હતું. રોડ લાઇટ પણ ચાલુ નહોતી. બાજુમાં ઉભેલા કેન્ટરે પણ લાઈટ ચાલુ નહોતી રાખી. અંધારાના કારણે ડ્રાઈવર સાઈડમાં પાર્ક કરેલી કેન્ટર કાર જોઈ શક્યો નહિ અને અકસ્માત સર્જાયો. અંકિતાના કાકાએ જણાવ્યું કે સોમવારે સાંજે તેમની ભત્રીજીના લગ્ન હતા. લગ્ન દિલ્હીના મોલરબંધમાં નક્કી થયા હતા.

અંકિતા એક પ્રાઈવેટ ફાયનાન્સ કંપનીમાં કામ કરતી હતી. તેના પિતા પણ એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. પરિવારમાં લગ્નની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી અને બંને પરિવારોમાં ઉજવણીનો માહોલ હતો. જો કે, જે ઘરથી અંકિતાની ડોલી ઉઠાવવાની હતી ત્યાં લગ્ન પહેલા જ અર્થી ઉઠી.

Shah Jina