ગ્રીષ્માની હત્યા બાદ સમાજના અગ્રણી ઉદ્યોગપતિઓ પહોંચ્યા પરિવારને સાંત્વના આપવા, પરિવારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું. “દીકરીઓ સાથે આવું…”

ગત 12 ફેબ્રુઆરીના રોજ સુરતમાં થયેલી માસુમ દીકરી ગ્રીષ્મા વેકરિયાની હત્યાના પડઘા ઠેર ઠેર પડી રહ્યા છે, લોકોમાં પણ તેની હત્યાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ગ્રીષ્માના પરિવાર સાથે મોટાભાગના લોકો આરોપી હત્યારા ફેનિલને ફાંસીની સજા થાય તેવી માંગણી પણ કરી રહ્યા છે.

ગ્રીષ્માની હત્યા બાદ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ તેના પરિવારને સાંત્વના આપવા માટે પહોંચ્યા હતા અને ન્યાય અપાવવાની વાત કરી હતી, જેના બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ મંગળવારના રોજ ગ્રીષ્માના પરિવાર સાથે વીડિયો કોલના માધ્યમથી વાત કરી અને સાંત્વના પાઠવતા ન્યાય આપવવાની વાત કરી હતી. ત્યારે હવે સમાજના અગ્રણીઓ પણ ગ્રીષ્માના પરિવારની મુલાકાત લેવા પહોંચ્યા હતા.

ગઈકાલના રોજ પાટીદાર સમાજના અગ્રણીઓ અને ઉદ્યોગપતિએએ ગ્રીષ્મા વેકરિયાના  ઘરે જઈને પરિવારને સાંત્વના આપી હતી. ત્યારે ગ્રીષ્માના પરિવારજનોએ સમાજના અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, “ભલે અમારી દીકરી સાથે આવી ઘટના બની, પરંતુ અન્ય દીકરીઓ સાથે આવું ના બને તેનું ધ્યાન સમાજે રાખવું જોઈએ.”

ગ્રીષ્માના ઘરે તેના પરિવારને સાંત્વના આપવા માટે પાટીદાર સમાજના અગ્રણી અને ઉદ્યોગપતિ મથુર સવાણી, કાનજી ભાલાળા સહિતના અગ્રણીઓ પહોંચ્યા હતા.જ્યાં શહેરના ઉદ્યોગપતિઓ દ્વારા વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હતી. ગ્રીષ્માના પરિવાર દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું કે અમારી ગ્રીષ્મા સાથે જે બર્બરતા પૂર્વકની ઘટના બની તે આપણા સમાજ જ નહીં પરંતુ કોઈપણ સમાજની દીકરી સાથે બની શકે છે. જેના માટે આપણે સતર્ક થવાની અને ગંભીરતા લેવાની જરૂર છે.

ગ્રીષ્માના પરિવારે એમ પણ જણાવ્યું કે સમાજે એ પ્રકારે કાર્ય કરવા જોઈએ કે જેમાં આ પ્રકારની માનસિકતા ધરાવતા યુવાનો ઉભા ના થાય, કારણ કે આવા યુવાનો જ સમાજ માટે ખતરારૂપ છે. તો આ ઘટનાને લઈને ઉદ્યોગપતિ લવજીભાઈ બાદશાહે જણાવ્યું હતું કે, ગ્રીષ્માની હત્યાના દ્રશ્ય જોઇને ભલભલાને હચમચાવી દે તેવા હતા. એક યુવાન આ પ્રકારની માનસિકતા સાથે કોઈ દીકરીના ઘરે પહોંચ્યા બાદ તેની ગળું કાપીને હત્યા કરી નાખે એ ક્યારેય સાખી લેવાય નહીં.”

લવજીભાઈએ એમ પણ જણાવ્યું કે, “આ ઘટનાને સમાજ માટે પણ આ એક લાલબત્તી સમાન કિસ્સો માની શકાય છે. સમાજના અગ્રણી તરીકે અમે આ પ્રકારની માનસિકતા યુવાનોની ઊભી ન થાય અને આપણું યુવાધન ગેરમાર્ગે ન જાય તેના માટે અમે વિચારી રહ્યા છે અને એ પ્રકારે જાગૃતિના કાર્યક્રમ આપવાનું વિચાર્યું છે. જેથી આ માનસિકતાથી આપણા યુવાનો દૂર રહે અને સમાજની દીકરીઓની રક્ષા કરવાની આપણી પ્રથમ ફરજ છે એ પ્રકારનો વિચાર વહેતો થાય તેવા પ્રયાસ તરફ આગળ વધીશું.”

Niraj Patel