આ વ્યક્તિએ મહિલાને એસ્ટ્રોનોટ બનીને કહ્યું “ધરતી પર આવીને તારી સાથે લગ્ન કરીશ !” પછી હેઠવી લીધા 24 લાખ રૂપિયા, જાણો સમગ્ર મામલો

અંતરિક્ષ યાત્રી બતાવીને મહિલાને લાખો રૂપિયાનો ચૂનો લગાવી ગયો આ વ્યક્તિ, સ્પેસમાંથી પરત આવીને લગ્ન કરવાનું આપ્યું હતું વચન

તમે એક કહેવત તો સાંભળી જ હશે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે. આ દુનિયામાં એક કરતા વધારે ઠગ છે. કોઈ નકલી આઈપીએલ મેચ બતાવીને સટ્ટાબાજીનો ધંધો શરૂ કરે છે તો કોઈ તાજમહેલ વેચે છે. તાજેતરમાં જ એક મહિલાને વ્યક્તિએ અવકાશયાત્રી તરીકે બતાવીને લગભગ રૂ. 24.8 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. આ હેરાન કરી દેનારો મામલો જાપમાંથી સામે આવ્યો છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

મીડિયા રિપોર્ટ અનુસાર એક જાપાની 65 વર્ષની મહિલાને રશિયન ઠગે પૃથ્વી પરથી પરત ફરવાનું અને તેની સાથે લગ્ન કરવાનું વચન આપીને પૈસાની માંગણી કરી હતી. મળતી માહિતી મુજબ, શિગા પ્રીફેક્ચરમાં રહેતી એક મહિલા જૂનમાં ઇન્સ્ટાગ્રામ પર નકલી અવકાશયાત્રીને મળી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેની પ્રોફાઇલમાં અવકાશના ફોટોગ્રાફ્સ હતા, જેનાથી એવી ખોટી છાપ ઊભી થઈ હતી કે તેણે સ્પેસ સ્ટેશન પર કામ કર્યું હતું.

મીડિયા રિપોર્ટ અનુસાર, બંનેએ એકબીજા સાથે મેસેજ દ્વારા વાત કરવાનું શરૂ કર્યું અને જાપાનીઝ મેસેજિંગ એપ્લિકેશન દ્વારા વાતચીત કરતા હતા. ટૂંક સમયમાં, પુરુષે મહિલાને કહ્યું કે તે તેના પ્રેમમાં પડી ગયો છે અને તેની સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો. તે વ્યક્તિ મહિલાને મેસેજ કરતો રહ્યો કે તે તેને પ્રેમ કરે છે અને તેની સાથે જાપાનમાં નવું જીવન શરૂ કરવા માંગે છે.

ઠગે તેને કહ્યું કે તેને પૃથ્વી પાસે પાછા ફરવા અને તેની સાથે લગ્ન કરવા માટે પૈસાની જરૂર છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેણે દાવો કર્યો હતો કે રોકેટને જાપાન લઈ જઈ શકે તે માટે લેન્ડિંગ ફી ચૂકવવી પડશે. મહિલા કથિત રીતે તેના માટે સંમત થઈ ગઈ અને તેને પૈસા મોકલવા લાગી. યોમિયુરી શિમ્બુનના જણાવ્યા અનુસાર, તેણે 19 ઓગસ્ટ અને 5 સપ્ટેમ્બર વચ્ચે કુલ 4.4 મિલિયન યેન પાંચ હપ્તામાં ટ્રાન્સફર કર્યા. પુરુષે વધુ પૈસાની માંગણી કર્યા પછી જ મહિલાને શંકા ગઈ. મીડિયા રિપોર્ટ પ્રમાણે તેણીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જે આ કેસને આંતરરાષ્ટ્રીય રોમાંસ કૌભાંડ તરીકે ગણી રહી છે.

Niraj Patel