પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન પર ગોળી ચલાવનારા વ્યક્તિએ કર્યો મોટો ખુલાસો, ઇમરાન ખાનના આ કામથી હતો નારાજ

ગઈકાલે પાકિસ્તાનની અંદર એક ખુબ જ દર્દનાક ઘટના ઘટી. જયારે પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન એક રેલીમાં હત્યા ત્યારે તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. એક વ્યક્તિ AK-47 લઈને રેલીમાં આવ્યો અને ધડાધડ ગોળીઓ ચલાવી જેના કારણે ઇમરાન ખાન સહિત 7 લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા. ઇમરાન ખાનના જમણા પગમાં ગોળી વાગતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે આ ગોળીબાર કરનારની ધરપકડ પણ કરવામાં આવી છે અને તેણે પોતાનો ગુનો પણ કબૂલી લીધો છે.

ગોળીબાર કરનારા વ્યક્તિની ધરપકડ બાદ પુછપરછમાં તેણે આ ગોળીબાર કરવા પાછળનો ખુલાસો કર્યો છે, તેણે ઇમરાન ખાન પર જનતાને ગુમરાહ કરવાનો આરોપ લગાવ્યો છે. પહેલા આ હુમલાવરને મારી નાખ્યો હોવાની પણ ખબર સામે આવી હતી, પરંતુ હવે આ ખબર પર પૂર્ણવિરામ લાગી ગયું છે. આ ગોળીબારીમાં ઈજાગ્રસ્ત થયેલા ઇમરાન ખાન હાલ ખતરાની બહાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

જયારે પોલીસે આ હુમલાવરને ઇમરાન ખાન પર હુમલો કરવાનું કારણ પૂછ્યું તો તેને કહ્યું કે તેને ફક્ત ઇમરાન ખાનને મારવાનો પ્રયત્ન કર્યો હતો. જેનો મતલબ થાય છે કે આ એક જીવલેણ હુમલો હતો. ઇમરાન ખાનને મારવાનું પ્લાનિંગ કેમ કર્યું તો તેના જવાબમાં તેણે કહ્યું કે એક તરફ અઝાન થતી હતી અને બીજી તરફ આ લોકો ઓડિયો સિસ્ટમ લગાવીને મોટા અવાજ કરતા હતા. જે વસ્તુને મેં સારી નહોતી માની.

હુમલાવરે આગળ એમ પણ જણાવ્યું કે મેં આ પ્લાન એ દિવસે જ બનાવ્યો હતો જે દિવસે ઇમરાન ખાનની લાહોરમાં રેલી શરૂ થઇ હતી. આ હુમલામાં કોઈ બીજું તેની સાથે હતું તેના જવાબમાં તેને કહ્યું કે આ પ્લાન મેં એકલાએ જ બનાવ્યો અને એકલાએ જ હુમલાને અંજામ આપ્યો. તેને કહ્યું કે તે બાઈક પર એકલો જ આવ્યો હતો અને આ બાઇકને મેં મારા મામાની દુકાન પર ઉભી રાખી. તમને જણાવી દઈએ કે હુમલામાં સામેલ આ વ્યક્તિનું નામ ફૈસલ ભટ્ટ છે. જેને રેલીમાં હાજર એક વ્યક્તિએ પકડી પાડ્યો હતો અને પછી પોલીસના હવાલે કરી દીધો.

Niraj Patel