ગુજરાતના ભૂતપૂર્વ CM વિજય રૂપાણીના ઘરે ગૂંજ્યા શરણાઈના સુર, દીકરાના લગ્નમાં જોવા મળી જાહોજલાલી, જુઓ તસવીરો

દેશભરમાં હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે, ઠેર ઠેર મોટી સંખ્યામાં લગ્નો યોજાઈ રહ્યા છે, સામાન્ય માણસોની સાથે સેલેબ્સ પણ લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે. ત્યારે હાલ ગુજરાતમાંથી પણ એવા જ એક લગ્નની ખબર સામે આવી રહી છે. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ઘરે લગ્નની શરણાઈ ગુંજી ઉઠી છે. તેમના દીકરાના લગ્નમાં જાહોજલાલી જોવા મળી હતી.

ગત 17 એપ્રિલના રોજ પૂર્વ સીએમ વિજય રૂપાણીના દીકરા ઋષભ રૂપાણીના લગ્ન અદિતિ માંડવીયા સાથે કરવામાં આવ્યા હતા. આ લગ્નની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. ઋષભના લગ્નમાં ગુજરાતના ઘણા બધા અગ્રણીઓ અને કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા.

વિજય રૂપાણીના દીકરાના લગ્નમાં રાજ્યના રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ, રિલાયન્સ ગ્રુપના પરિમલ નથવાણી, પૂર્વ મંત્રી આર.સી. ફળદુ ઉપરાંત રાજકીય તેમજ ઔદ્યોગિક જગતની મોટી મોટી હસ્તીઓ હાજર રહી હતી. આ લગ્નની શરૂઆત 15 એપ્રિલના રોજથી જ થઇ ગઈ હતી, જેમાં સતત ત્રણ દિવસ સુધી વિવિધ પ્રસંગો યોજાયા અને 17 એપ્રિલના રોજ ઋષભ અને અદિતિ લગ્નના બંધનમાં બંધાયા.

મીડિયા રિપોર્ટ અનુસાર આગામી થોડા દિવસમાં જ આ લગ્નનું ભવ્ય રિસેપશન ગાંધીનગરમાં યોજાવવાનું છે, જેમાં પણ ઘણી મોટી મોટી હસ્તીઓ સામેલ થઇ શકે તેવી ચર્ચા ચાલી રહી છે. વાત કરીએ ભૂતપૂર્વ સીએમ વિજય રૂપાણીના દીકરા ઋષભની તો તે વર્ષ 2014થી અદિતિ માંડવીયાના પ્રેમમાં છે, વર્ષ 2007થી 2013 સુધી ઋષભ અને અદિતિ સ્કૂલમાં સાથે અભ્યાસ કરતા હતા.

વર્ષ 2014ના કોલેજકાળ દરમિયાન બંને વચ્ચે પ્રેમના ફૂલ ખીલ્યા હતા. ઋષભે નિરમા યુનિવર્સીટીમાંથી મિકેનિકલ એન્જીન્યરીંગનો અભ્યાસ કર્યો છે. તો અદિતિએ એલડી એન્જીનીયરીંગ કોલેજમાં ઇલેક્ટ્રોનિક્સ એન્જીન્યરીંગનો અભ્યાસ કર્યો છે. ઋષભ માસ્ટર ડિગ્રી માટે અમેરિકા ગયો હતો જયારે અદિતિએ માસ્ટર ડિગ્રી વેલ્લોરમાંથી પ્રાપ્ત કરી છે.

ઋષભ અને અદિતિ ચાર વર્ષ સુધી લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં રહ્યા હતા. તેમ છતાં પણ બંને વચ્ચે પ્રેમનો પ્રવાહ વહેતો જ રહ્યો અને હવે હાલમાં જ બંને લગ્નના તાંતણે ગૂંથાઇને હંમેશા માટે એકબીજાના જીવન સાથી બની ગયા છે. તેમના લગ્નમાં આશીર્વાદ આપવામાં માટે ઘણા લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ભૂતપૂર્વ સીએમ વિજય રૂપાણીના ઘરે યોજાયેલા આ લગ્ન પ્રસંગમાં ગુજરાતની કોકીલકંઠી કિંજલ દવે પણ તેના પરિવાર સાથે હાજર રહી હતી, કિંજલ દવેના પિતા લલિત દવેએ તેમના સોશિયલ મીડિયામાં લગ્નની કેટલીક તસવીરો શેર કરી છે, આ સાથે તેમને કેપશનમાં પણ આ લગ્ન વિશેની માહિતી પણ આપી છે.

લલિત દવેએ કેપશનમાં લખ્યું હતું કે, “ગઈ કાલે રાજકોટ મુકામે આપણા પૂર્વ સી.એમ શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના આમંત્રણથી તેમના દીકરાના લગ્ન પ્રસંગે હાજરી આપી ખૂબ આદર સાથે સન્માન આપવા બદલ સાહેબ શ્રીનો અને પધારેલ સર્વે મહેમાન અને કુટુંબી જનોનો ખૂબ દિલથી આભાર સાથે નવ યુગલને આશીર્વાદ સુખી રહો !”

આ ઉપરાંત ઋષભ રૂપાણી અને અદિતિના લગ્નની અંદર ઘણા બધા કલાકારોએ પણ હાજરી આપી હતી. તારક મહેતામાં જેઠાલાલના સાળાનું પાત્ર નિભાવી રહેલા અભિનેતા મયુર વાકાણી પણ ઋષભના લગ્નમાં જોવા મળ્યા હતા. જેની તસવીર પણ સામે આવી છે.

Niraj Patel